
બિહાર રાજ્યમાં આવેલાં ભાગલપુર તાલુકાનાં ધરહરા ગામમાં ઘણાં વર્ષોથી એવું કામ થઈ રહ્યું છે, જેના કારણે બિહારનું નામ દેશમાં રોશન થયું છે. એટલું જ નહીં કન્યા ભ્રૂણ હત્યાની સમસ્યા અને કુરિવાજ સામે ધરહરા ગામે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભાગલપુર ગામનાં લોકો કન્યાને બોજ માનતા નથી. બલ્કે કન્યાને લક્ષ્મીનો અવતાર માને છે. આ ગામમાં 100 વર્ષથી ચાલી આવતી પરંપરા એવી છે કે આ ગામમાં કન્યાના જન્મ પર અહીં 10 છોડ વાવવામાં આવે છે, અને આગળ જતાં તેનું જતન પણ કરવામાં આવે છે.
આ પરંપરા ગામનાં પર્યાવરણને માટે પણ લાભકારી સાબિત થઈ છે. 100 વર્ષ પહેલાં આ ગામનાં સિકંદર સિંહે પોતાના ઘરે પૌત્રીનાં જન્મ પર ગામમાં 10 વૃક્ષો વાવ્યાં હતાં.ત્યારથી ગામમાં આ પરંપરાને પાળવામાં આવે છે. આ ગામમાં 300 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ પણ છે.
આ વર્ષે ગણતંત્ર દિવસનાં સમારોહમાં પણ રાજપથમાં આ પરંપરાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 5000 પરિવાર ધરાવતાં આ ગામમાં દોઢ લાખથી પણ વધુ વૃક્ષો છે. ગામમાં એવું માનવામાં આવે છે કે જેમ જેમ વૃક્ષોનો વિકાસ થાય છે તેમ તેમ કન્યા પણ સુખી થાય છે.
રાજ્યનાં મુખ્યમંત્રી નિતીશ કુમારે પણ આ પરંપરાને બિરદાવી હતી. ગામમાં દર વર્ષે 5મી જૂને પર્યાવરણ દિવસ પણ મનાવવામાં આવે છે. વર્ષ 2010 અને 2011 માં મુખ્યમંત્રી નિતીશ કુમારે પણ આ ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત ગામની વિદ્યાલયમાં 'કિલકારી યોજના' અંતર્ગત પ્રશિક્ષણ આપવામાં આવશે.