Jul 04, 2012
એકસ્ટ્રા કોમેન્ટ - અપૂર્વ દવે
મનુષ્ય જાતે પૃથ્વી પર મરણ કરતાં જીવનનો વધારે વિચાર કર્યો છે અને તેને લીધે જ આજે તે પ્રગતિ કરી શકી છે. આશરે ૧૩.૭ અબજ વર્ષ પહેલાં બે વિશાળ ગોળાઓ અથડાયા અને તેમાંથી બ્રહ્માંડ રચાયું એવી બિગ બેંગ થિયરીને સમર્થન આપે અને પૃથ્વી પરના જીવોની ઉત્પત્તિ પર પ્રકાશ ફેંકે એવી ઘટના એટલે હિગ્સ બોસોન કણની પ્રાપ્તિ. ગોડ પાર્ટિકલ તરીકે ઓળખાવાયેલા કણ જેવા જ કણ દેખાયાની જાણ વિજ્ઞાનીઓએ કરી તેને પગલે સમગ્ર વિશ્વમાં નવો રોમાંચ સર્જાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી પણ લીક થયેલા એક વીડિયો પરથી આ શોધને પુષ્ટિ મળતી હોવાના અહેવાલો છે.આ કણ હિગ્સ બોસોનની થિયરીને મળતા આવે છે પણ સંપૂર્ણપણે સમાન નથી, જો કે, વિજ્ઞાનમાં સમાનતા ન હોય તો પણ નવી શોધનું મહત્ત્વ જરૂર હોય છે.
બ્રહ્માંડ એટલે કે તારાઓ અને ગ્રહો કેવી રીતે રચાયા તેના પર પ્રકાશ ફેંકનારી સ્ટાન્ડર્ડ મોડલ નામની થિયરીની ખૂટતી કડી મળી ગઈ છે એમ કહીએ તો ચાલે, કારણ કે આ મોડલમાં હિગ્સ બોસોન નામના કણની હાજરી જ શોધવાની હતી. મનુષ્યે પોતાને જે વસ્તુમાં ગતાગમ ન પડે અથવા તો બુદ્ધિની ચાંચ ન ડૂબે એવી બાબતોને ભગવાન ગણી લીધી હોવાથી મોડલમાં નહીં મળી રહેલા અથવા તો ઘણી મહેનતે મળી શકે એવા કણને ગોડ પાર્ટિકલ નામ આપવામાં આવ્યું હતું. ખરી રીતે તો હિગ્સ નામના વૈજ્ઞાનિકે તેના વિશે પહેલીવાર વાત કરી હતી અને તેમનાં નામ પરથી તેને હિગ્સ બોસોન એવું નામ મળ્યું હતું, આથી વૈજ્ઞાનિકો તો કદી ગોડ પાર્ટિકલ શબ્દપ્રયોગને સ્વીકારશે નહીં, ઊલટાનું તેઓ આ શબ્દપ્રયોગ નહીં કરવાનું કહે છે. અત્રે નોંધવું ઘટે કે, બિગ બેંગ થિયરી વિશે વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે. તે વખતે કયા કયા મૂળ કણ રચાયા અને તેમાંથી કઈ રીતે વિશ્વ અસ્તિત્વમાં આવ્યું તે જાણવા મળ્યું છે. સ્ટાન્ડર્ડ મોડલમાં અત્યાર સુધીમાં ૧૧ કણ મળી આવ્યા છે, તેની થિયરીમાં પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે, બાર કણ હશે, હવે બારમો કણ પણ શોધાઈ ગયાની જાહેરાત કરવામાં આવતાં પઝલનું ચિત્ર પૂરું થાય એવી ઉત્તેજના જાગી છે. તે કણ કઈ રીતે કામ કરે છે અને બીજા કણ સાથે મળીને કેવી અસર જન્માવે છે તે બાબતે હવે સંશોધન ચાલશે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, બિગ બેંગ પછી સેકન્ડના પ્રથમ અબજમા ભાગમાં બ્રહ્માંડમાં આ બધા કણ કોઈ પણ દિશા વગર આમતેમ પ્રકાશગતિએ નાસભાગ કરી રહ્યા હતા, તેમની આ જ હિલચાલને લીધે ગોળાઓ રચાયા અને તેમાંથી તારાઓ અને ગ્રહોનું નિર્માણ થયું.
હિગ્સ ફિલ્ડ તરીકે ઓળખાતા ક્ષેત્રમાં આ બધી ગતિવિધિઓ થઈ હતી અને બ્રહ્માંડનું નિર્માણ થયું હતું. આ ક્ષેત્ર પણ કાલ્પનિક છે, કારણ કે એ વખતે શું સ્થિતિ હશે તેના વિશે કોઈને ખબર નથી. વિજ્ઞાનીઓએ ઘણા તંતુઓ સાધીને ૧૩.૭ અબજ પહેલાંનો સમયગાળો પણ અંદાજ્યો છે. આ હિગ્સ ક્ષેત્ર સર્વત્ર ફેલાયેલી ઊર્જાનો વિસ્તાર છે. ફોટોન જેવા કેટલાક કણો પ્રકાશની રચના કરે છે, તેમના પર આ ક્ષેત્રની અસર થતી નથી અને તેથી જ પ્રકાશનું કોઈ દળ હોતું નથી. અન્ય કણોને એવો લાભ મળતો નહીં હોવાથી તેમના પર ક્ષેત્રની અસર થયા કરતી હોય છે. પદાર્થને દળ કઈ રીતે મળે છે અને પ્રકાશને કેમ મળતું નથી તે સવાલનો જવાબ હિગ્સ બોસોન હોઈ શકે છે. શોધાયેલો અથવા તો દેખાયોલ કણ હિગ્સ બોસોન નહીં હોય તો પણ સ્ટાન્ડર્ડ મોડલમાં નવું પરિમાણ ઉમેરાશે. અત્યારે વૈજ્ઞાનિકોને ૯૯.૯૯ ટકા જેટલી જ ખાતરી છે કે પદાર્થને દળ આપનાર કણ શોધાઈ ગયો છે.હિગ્સ પાર્ટિકલ એટલે કે હિગ્સ બોસોન અર્થાત્ ગોડ પાર્ટિકલ વિશે ૧૯૬૪માં બ્રિટિશ વિજ્ઞાની પીટર હિગ્સ સહિતના છ ભૌતિકશાસ્ત્રીઓએ થિયરી દર્શાવી હતી. તેના માટેની શોધ ૧૯૮૦ના દાયકાના પ્રારંભિક ભાગમાં શરૂ થઈ હતી. આ શોધમાં ૨૦૧૦થી યુરોપિયન સેન્ટરનું લાર્જ હેડ્રોન કોલાઈડર જોડાયા બાદ તેને ખાસ્સી એવી ગતિ મળી હતી.
જીવશાસ્ત્રમાં જે સ્થાન ઉત્પત્તિશાસ્ત્રનું છે તે જ સ્થાન ભૌતિકશાસ્ત્રમાં સ્ટાન્ડર્ડ મોડલનું છે. સમગ્ર વિશ્વમાં દળ અને ઊર્જાનું ચક્ર કઈ રીતે ચાલે છે અને દરેક પદાર્થ કઈ રીતે કામ કરે છે તે શોધવાનું કાર્ય વિજ્ઞાનીઓ કરતા આવ્યા છે. દળ અને ઊર્જા ઉપરાંત ચેતના જેવું પણ કંઈક હોય છે, એ વાસ્તવમાં શું છે તેના વિશે પણ હજી પ્રકાશ પડયો નથી. હિગ્સ બોસોન નામનો આ કણ હવે બ્રહ્માંડનાં રહસ્યોને ખુલ્લાં કરવામાં સહાય કરશે એવું ચોક્કસપણે માની શકાય. આ જગતમાં જે વૈજ્ઞાનિકોને નથી સમજાયું તેને ડાર્ક મેટર એવું નામ આપવામાં આવ્યું છે, તેની સાથે એવી કેટલીક શક્તિઓ છે, જે પિછાણી શકાઈ નથી, તેને ડાર્ક એનર્જી એવી સંજ્ઞા આપવામાં આવી છે, તે ઉપરાંત ગુરુત્વાકર્ષણની શક્તિને પણ સ્ટાન્ડર્ડ મોડલમાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે, આમ, આ ત્રણ વસ્તુઓ મળીને કઈ રીતે દુનિયા રચાઈ છે અને ચાલી રહી છે તેના વિશે આગામી દિવસોમાં ઘણાં તથ્યો બહાર આવશે, કારણ કે ૧૨ કણમાંથી અત્યાર સુધીમાં ગુપ્ત રહેલો હિગ્સ બોસોન કણ પણ હવે મળી ગયો છે.
યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ નામની સંસ્થાને ટૂંકમાં સીઈઆરએન એવું નામ આપવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સંગઠનનું કામ વિશ્વની સૌથી મોટી પાર્ટિકલ ફિઝિક્સની લેબોરેટરીનું સંચાલન કરવાનું છે. આ લેબ જીનિવાની વાયવ્ય બાજુએ ફ્રાન્સ-સ્વિત્ઝર્લેન્ડની સરહદ પર આવેલી છે. સીઈઆરએનમાં દસ હજારથી વધુ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની અવરજવર રહે છે. તેઓ ૬૦૮ વિદ્યાપીઠો અને ૧૧૩ દેશોના છે,તેનું મુખ્ય કામ ઉક્ત ૧૧ કણો કઈ રીતે કામ કરે છે તેના વિશે પ્રયોગ કરવાનું છર્, તેણે પોતાના લાર્જ હેડ્રોન કોલાઇડરની મદદથી બારમો કણ શોધવા માટે કાર્ય કર્યું છે. વર્લ્ડવાઈડ વેબ એટલે કે ડબલ્યુડબલ્યુડબલ્યુ(જે ઈન્ટરનેટમાં યુઆરએલ ટાઈપ કરતી વખતે લખાય છે)નો જન્મ પણ આ જ સંગઠનમાં થયો હતો. તેનાં મુખ્ય મથકે વિશાળ કમ્પ્યૂટર સેન્ટર છે જેમાં ડેટા પ્રોસેસિંગનું કાર્ય ચાલે છે. લાર્જ હેડ્રોન કોલાઇડર એ ૧૦૦ મીટર ભૂગર્ભમાં બનાવાયેલી ટનલ છે. તેનો વ્યાસ ૨૭ કિ.મી.નો છે. અલગ અલગ કણ કઈ રીતે અથડાય છે તેના વિશે તેમાં બૃહદ્ સંશોધન થયું છે, તેમાં વધુ ઊંડા ઊતરવા જઈએ તો આ લેખને જ નહીં, છાપાંને પણ સ્થળસંકોચ નડે એવું છે. અત્યારે તો આપણે એટલું જ જાણવાનું કે બારમો હિગ્સ બોસોન નામનો કણ શોધવામાં તેણે ઘણો મોટો ફાળો આપ્યો છે. આ કોલાઈડર એટલે કે કણ અથડાવનારમાં થતાં કાર્યનું વિશ્લેષણ ઉક્ત કમ્પ્યૂટરસેન્ટરમાં થાય છે, જેના માટે ક્યારેક બે વર્ષ નીકળી જાય છે. આ વર્ષના અંતમાં એક વર્ષ માટે બંધ કરાતાં પહેલાં જ હિગ્સ બોસોનની 'શોધ' થઈ હોવાથી એક મોટી સિદ્ધિ હાંસલ થઈ ગઈ છે