Thursday, August 30, 2012

એકલા હાથે ઝઝૂમતા રિયલ હીરો: વ્હિસલ બ્લોઅર (દુરબીન)



દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
છેલ્લા એક વર્ષમાં એવા બાર લોકોની હત્યા થઈ છે જેઓ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતા. હજુ ઘણા લોકો જીવના જોખમે લડી રહ્યા છે. તેમની હિંમત થોડીક વધારે ખૂલશે. આખરે આપણી સંસદમાં વ્હિસલ બ્લોઅર્સ માટેનો કાયદો રજૂ થયો. આખી દુનિયામાં અન્યાય સામે લડતાં લોકોની કદર થાય છે. આપણે ત્યાં પરિસ્થિતિ સાવ જુદી છે. છતાં આશ્વાસન લેવા જેવી વાત એ છે કે કંઈક તો થયું! વ્હિસલ બ્લોઅર્સનાં નામકામલડત અને શહીદી ઉપર એક નજર...
દેશના વ્હિસલ બ્લોઅર્સની હિંમત હવે થોડી વધારે ખૂલશે. આપણી સંસદે અંતે વ્હિસલ બ્લોઅર એક્ટ સ્વીકાર્યો. ગેરરીતિ, ભ્રષ્ટાચાર, બેદરકારી અને લાંચ રુશવત સામે અવાજ ઉઠાવનારનું નામ હવે ખાનગી રહેશે. જો કોઈ વ્યક્તિ વ્હિસલ બ્લોઅરનું નામ જાહેર કરશે તો તેને ત્રણ વર્ષ જેલની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ થશે. ચલો, એક કામ તો સારું થયું!
તમને ખબર છે, છેલ્લા એક વર્ષમાં આપણે ત્યાં બાર આરટીઆઈ એક્ટિવિસ્ટની ઠંડા કલેજે કરપીણ હત્યા થઈ છે. આપણાં દેશમાં એક શક્તિશાળી અને માલેતુજાર વર્ગ એવો છે જે એમ સમજે છે કે અમારું કોઈ કશું બગાડી શકવાનું નથી, કાયદો અમારા હાથમાં છે, અમે ધારીએ તેમ કરી શકીએ છીએ. આવું સમજનાર લોકોએ જ તેમની સામે બાંયો ચડાવનાર વ્હિસલ બ્લોઅર્સના હાથ કાપી નાખ્યા છે અને જીવ લઈ લીધો છે. નવા કાયદાથી કમસે કમ આવી ઘટનાઓને થોડીક બ્રેક લાગશે. સૌથી મોટો સવાલ એ કે ‘વ્હિસલ બ્લોઅર’ એટલે કોણ? આ શબ્દ ક્યાંથી આવ્યો? ‘વ્હિસલ બ્લોઅર’ શબ્દ બ્રિટને આપ્યો છે. અગાઉના સમયમાં લોકોને સાવચેત કરવા સાયરન કે બીજી કોઈ સગવડ ન હતી. બ્રિટિશ પોલીસ રાતના સમયે ‘રોન’માં નીકળતી. આવા સમયે લોકોના જાન-માલને કોઈ ખતરો લાગે તો આ પોલીસ જોરજોરથી વ્હિસલ એટલે કે સિટી વગાડતી.
સિટીનો અવાજ સાંભળી લોકો સતર્ક થઈ જતા, બહાર નીકળી આવતા અને પોતાનો બચાવ કરતા.
લોકોને સતર્ક કરવા માટે સિટી વગાડનાર પોલીસમેન માટે શબ્દ વપરાતો ‘વ્હિસલ બ્લોઅર’. પોલીસે મધરાતે સિટી વગાડી અનેક લોકોને બચાવ્યા હોવાના અનેક કિસ્સા બ્રિટિશ હિસ્ટ્રીમાં મોજૂદ છે. ઘણી ઘટનાઓમાં તો આવા ‘વ્હિસલ બ્લોઅર્સ’ને લોકોએ ખિતાબ અને માન-મરતબો આપ્યાં છે. આવા ઘણા વ્હિસલ બ્લોઅરને હીરો જેટલું માન મળ્યું છે.
વ્હિસલ બ્લોઅર્સ લોકોને જગાડવાનું કામ કરે છે અને આવા અનેક લોકો દેશના જ દુશ્મનોના હાથે કાયમ માટે પોઢી ગયા છે. વ્હિસલ બ્લોઅર ખરા અર્થમાં એકલા હાથે દૂષણો સામે લડતા રિયલ હીરો છે. વ્હિસલ બ્લોઅર સાદા ડ્રેસમાં અન્યાય અને અત્યાચાર સામે લડતાં સૈનિકો છે. દેશની બહારના દુશ્મનો સામે સરહદ ઉપર સૈનિકો લડે છે. દેશની બહારના દુશ્મનોને તો આપણે ઓળખીએ છીએ પણ એવા કેટલાય લોકો છે જે આપણા જ દેશના છે અને આપણા જ દેશના દુશ્મન જેવું કામ કરે છે. વ્હિસલ બ્લોઅર્સ આવા દેશના દુશ્મનો સામે લડે છે, ક્યારેક જીતે છે અને ક્યારેક શહીદી વહોરે છે.
યાદ કરો સત્યેન્દ્રકુમાર દુબેને. ૩૧ વર્ષના સત્યેન્દ્રકુમાર નેશનલ હાઈવે ઓથોરિટીમાં ડેપ્યુટી જનરલ મેનેજર હતા. રાષ્ટ્રીય ધોરી માર્ગનું કામ જેને મળ્યું હતું એ કોન્ટ્રાક્ટરો ગોલમાલ કરતા હતા. રોડનું કામ થવું જોઈતું હતું એ રીતે નહોતું થતું. સત્યેન્દ્રએ દેશના વડાપ્રધાન અને અન્ય સત્તાધીશોને એક ખાનગી પત્ર લખ્યો. રોડના કામમાં થતી ગેરરીતિ અને આવાં કાળાં કામ કરનારનાં કરતૂતોની વિગતો પત્રમાં લખી. આ વાત કોન્ટ્રાક્ટરો સુધી પહોંચી ગઈ. ૨૭મી નવેમ્બર, ૨૦૦૩ની મધરાતે સત્યેન્દ્રને ગોળી મારી ખતમ કરી દેવાયો. સત્યેન્દ્રની લાશ રોડ ઉપર રઝળતી મળી આવી હતી.
હવે વાત કરીએ મંજુનાથ સાનમુગલની. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, લખનઉમાં એમબીએ કરનાર મંજુનાથ લખનઉ ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં માર્કેટિંગ મેનેજર હતા. લખમીપુર ખેરી ગામે પેટ્રોલ-ડીઝલમાં ભેળસેળ કરનાર બે પેટ્રોલપંપને સીલ મારવા મંજુનાથ ગયા પછી પાછા જ ન આવ્યા. ઓઈલ માફિયાઓએ તેની ગોળી મારી હત્યા કરી. એ દિવસ હતો ૧૯મી નવેમ્બર, ૨૦૦૫નો મંજુનાથના પિતાએ એ દિવસે તેના પુત્રને એસએમએસ કર્યો હતો કે, હાઉ આર યુ? આ મેસેજ વાંચે એ પહેલાં જ મંજુનાથની હત્યા થઈ ગઈ હતી.
આપણાં ગુજરાતની વાત કરીએ તો એશિયાના એકમાત્ર એશિયાટિક લાયનના અભયારણ્ય સાસણ ગીર નજીક ઉના અને કોડીનાર પંથકમાં ચાલતી ગેરકાયદે ખાણ ખનન પ્રવૃત્તિ સામે અમિત જેઠવાએ અવાજ ઉઠાવ્યો હતો. માઈનિંગ માફિયા સામે લડવાની કિંમત અમિત જેઠવાએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. ૨૦મી જુલાઈ, ૨૦૧૦ના રોજ અમદાવાદમાં હાઈકોર્ટ નજીક જ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરી દેવાઈ. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા એક સંસદસભ્યના ઈશારે જ કરાઈ હોવાની વાત જાણીતી છે.
આવા તો અઢળક કિસ્સા છે. ગેરકાયદે ચાલતાં કતલખાનાં સામે સવાલ કરનાર નદીમ સઈદને અમદાવાદમાં જ મારી નખાયો. કચ્છમાં આત્મવિલોપન કરી જીવ આપનાર જબ્બરદાન ગઢવીનો કિસ્સો પણ ખૂબ ચગ્યો હતો. અત્યારે પણ ઘણા વ્હિસલ બ્લોઅર્સ જાનના જોખમે જંગ લડે છે.
ભોપાલની સાહેલા મસૂદ, ઉત્તરપ્રદેશના હોમગાર્ડ બાબુસીંગ, તામિલનાડુના સરકારી કર્મચારી મુરૂગન અને બીજા ઘણા વ્હિસલ બ્લોઅર્સનાં નામની આગળ સ્વર્ગસ્થ લાગી ગયું છે. આ બધાનાં નામ કોણે જાહેર કરી દીધાં હતાં? માફિયાઓએ તેમને ખતમ કરી દીધા ત્યાં સુધી તેમને કેમ કોઈ જાતનું રક્ષણ પૂરું ન પડાયું?
આપણે ત્યાં કમનસીબી એ છે કે અન્યાય સામે લડનારની કદર તો નથી કરાતી પણ કોઈ જાતની દરકાર પણ નથી લેવાતી. સત્યેન્દ્ર દુબેની હત્યા થઈ એના બરાબર બે દિવસ પછી જ ઓસ્ટ્રેલિયામાં એન્ડૂયુ વીલકિન્સ નામના યુવાનનું વ્હિસલ બ્લોઅર ઓફ ધ યરનો એવાર્ડ આપી સન્માન કરાયું. એન્ડ્રયુ ઓસ્ટ્રેલિયાની ટોપ ઈન્ટેલિજન્સ એસેસમેન્ટ એજન્સી, ધ ઓફિસ ઓફ નેશનલ એસેસમેન્ટમાં ફરજ બજાવતો હતો. ઈરાક વોર અંગે દેશના સત્તાધીશોના મંતવ્ય સામે વિરોધ નોંધાવી તેણે રાજીનામું આપ્યું હતું અને સાચી વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આપણે ત્યાં કોઈ વ્હિસલ બ્લોઅરની આવી કદર થઈ હોવાનું સાંભળ્યું નથી.
છ વર્ષ પહેલાં તો આપણે ત્યાં લોકોને સરકાર પાસેથી માહિતી માગવાનો પણ અધિકાર ન હતો. અરુણા રોય અને બીજા કાર્યકરોની ચળવળ પછી આપણે ત્યાં રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ લાગુ કરાયો. તારીખ ૧૫મી જૂન, ૨૦૦૫ના રોજ સંસદમાં માહિતી અધિકાર અધિનિયમનો કાયદો પસાર કરાયો. ચાર મહિના પછી તારીખ ૧૩મી ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ આ કાયદો આખા દેશમાં અમલી બનાવાયો. આ કાયદા મુજબ દેશના સંરક્ષણને લગતી બાબતો સિવાય કોઈ પણ વિષય અંગે લોકો સરકાર પાસેથી માહિતી માંગી શકશે, અને સરકારી કચેરીએ જેમ બને તેમ ઝડપથી અને વધુમાં વધુ ૩૦ દિવસની અંદર આવી માહિતી આપવી પડશે તેવું જાહેર કરાયું.
આ કાયદા પછી ધડાધડ અરજીઓ થવા લાગી અને ગેરરીતિઓ બહાર આવવા લાગી. સાથોસાથ આવાં સાહસ કરનાર લોકો પર હુમલાની ઘટનાઓ બનવા લાગી. માહિતી અધિકારના કાયદામાં એવી જોગવાઈ છે કે માહિતી માંગનારનું નામ જાહેર ન કરવું, છતાં આવાં નામ જાહેર થઈ જતાં હતાં. હવે આવાં નામો જાહેર કરનારને સજા થાય તેવો કાયદો અમલમાં આવશે.
આપણે ત્યાં અંગ્રેજોના સમયથી એટલે કે ઈ.સ. ૧૯૨૩થી ઓફિશિયલ સિક્રેટ એક્ટ લાગુ હતો. આ કાયદો આગળ ધરી સરકાર કોઈ માહિતી આપતી ન હતી. ૨૦૦૫માં લોકોને માહિતીનો અધિકાર મળ્યો અને છેક હવે મળ્યું માહિતી માંગનારને થોડુંક રક્ષણ.
દુનિયાના મોટા ભાગના વિકસિત દેશોમાં વ્હિસલ બ્લોઅર્સ માટે મજબૂત કાયદા છે. અમેરિકા અને બ્રિટનના ગુપ્ત દસ્તાવેજો જુલિયન અસાન્જેએ તેની વેબસાઈટ વિકિલીક્સ પર જાહેર કરી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. આ જુલિયન અસાન્જેએ આજે પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વિકિલીકસ અને જુલિયન અસાન્જેને પાંચ ઈન્ટરનેશનલ મીડિયા પાર્ટનરનો સાથ મળ્યો, એટલે તેની ચળવળને બળ મળ્યું. ડેર સ્પાઈગેલ, ધ ન્યુયોર્ક ટાઈમ્સ, લે મોન્ડ, ધ ગાર્ડિયન અને ઓલ પેરિસ નામનાં અખબારો વિકિલીક્સ વેબસાઈટસની સાથે જ દસ્તાવેજો પ્રસિદ્ધ કરે છે. એ સિવાય અનેક દેશોનાં લીડિંગ અખબારો વિકિલીક્સના જે તે દેશ પૂરતા મીડિયા પાર્ટનર્સ છે. આખી દુનિયાનો સાથ હોવા છતાં જુલિયન અસાન્જેએ ઝઝૂમવું પડે છે. આવી શક્તિશાળી વ્યક્તિની જો આ હાલત હોય તો સામાન્ય માણસનું તો શું ગજું? આમ છતાં આપણા દેશ અને આખી દુનિયામાં અનેક જવાંમર્દો જાનની પરવા કર્યા વગર એકલા હાથે અન્યાય સામે ઝઝૂમી રહ્યા છે. આપણે ત્યાં આવા માહિતી અધિકાર અને વ્હિસલ બ્લોઅર એક્ટ નવા છે. અમેરિકામાં ૧૯૮૯થી વ્હિસલ બ્લોઅર્સ એક્ટ છે.
૧૯૯૪માં આ કાયદાને વધુ સ્ટ્રોંગ બનાવીને સરકારી ઉપરાંત કોર્પોરેટ વર્લ્ડને પણ તેમાં સામેલ કરી દેવાયું હતું. અમેરિકામાં તો છેક ૧૮૬૨માં તત્કાલીન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને પણ સંરક્ષણ સોદાઓમાં થતી છેતરપિંડી સામે મજબૂત કાયદાની તરફેણ કરી હતી. આવા જ કિસ્સામાં વોટરગેટ કૌભાંડ પછી અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિકસને સત્તા છોડવી પડવી હતી.
વ્હિસલ બ્લોઅર્સના રક્ષણ માટે બ્રિટનમાં પબ્લિક ઈન્ટરેસ્ટ ડિસ્ક્લોઝર એક્ટ - ૧૯૯૮ છે. ઓસ્ટ્રેલિયામાં વ્હિસલ બ્લોઅર્સ લેજિસ્લેશન છે અને ન્યુઝીલેન્ડમાં ધ પ્રોટેક્ટેડ ડિસ્કલોઝર એક્ટ-૨૦૦૦ છે. યુરોપ સહિત અનેક દેશોમાં અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓનું રક્ષણ કરવાની જવાબદારી મહત્ત્વની હોવાનું સરકાર સ્વીકારે છે.
બેટર લેઈટ ધેન નેવર, આપણે ત્યાં મોડે મોડે પણ સરકાર જાગી છે. હવે કદાચ થોડી વ્હિસલો વધુ વાગશે, થોડાક લોકો બહાર આવશે અને વ્હિસલ વગાડી લોકોને જગાડશે. માફિયાઓ અને ગોડ ફાધર્સની ગુંડાગીરીઓ ઘટશે. તો, હોઠ ઘૂમા, સિટી બજા, સિટી બજા કે બોલ ભૈયા ઓલ ઈઝ વેલ. જે થાય છે એ સારું થાય છે.