"એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોનેમોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’હું : ‘તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’ઈશ્વર : ‘હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું… એ જ તો તકલીફ છે ને !’હું :‘તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.’ઈશ્વર : ‘મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !’હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’ઈશ્વર : ‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં મૂકી દીધીછે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’ઈશ્વર : ‘એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.’હું : ‘પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે,એનું શું ?’ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે.એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.’હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થમેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’ઈશ્વર : ‘તનેહંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’ઍડજસ્ટ એવરીવ્હેર થા.અથડામણ ટાળજે.ન્યાય ખોળીશ નહિ ,બન્યું તે જ કરેક્ટ માનીને ચાલજે .એ કુદરતનો ન્યાય છે.જીવનમાં જે ભોગવટો આવે એને તારી જ ભૂલનું પરિણામ માનજે .અને ભૂલ થઈ જાય તો,અંદરના ભગવાન પાસે માફી માગી લે જે. અને હં.. સુખની દુકાન ખોલજે ,જેથી તારે સુખ શોધવા જવું ના પડે .હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી.મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે.
Wednesday, February 20, 2013
Tuesday, February 5, 2013
મંદી : અમેરિકા કરતાં ભારતની હાલત ઘણી સારી છે

અમેરિકાનો જીડીપી ગ્રોથ ઘટીને ૦.૧ થઈ ગયો. મંદીમાંથી બહાર નીકળવા મથતાં અમેરિકા માટે આ સમાચાર સારા નથી. અમેરિકાની અસર આખી દુનિયાને થાય છે. ભારતને પણ અમેરિકા અને યુરોપની આર્થિક મંદી અસર કરે છે. આમ છતાં ભારતની હાલત પ્રમાણમાં ઘણી સારી છે. અમેરિકા અને ભારતની મુશ્કેલીનાં કારણો અલગ અલગ છે અને મંદીમાંથી બહાર આવવા બંનેએ રસ્તા પણ જુદા જુદા અપનાવવા પડશે. ઓબામા સરકાર વહેલી તકે જો કોઈ સચોટ રસ્તા નહીં અપનાવે તો અમેરિકાની હાલત સુધરવાની નથી. આખી દુનિયા મંદી સામે ઝઝૂમી રહી છે. જોકે ભારતને બહુ વાંધો નહીં આવે એવું નિષ્ણાતો માની રહ્યા છે.
અમેરિકાથી ગયા અઠવાડિયે ભારતને અસર કરે એવા બે અહેવાલ આવ્યા. આ બેમાંથી એક સમાચાર સારા છે અને બીજા ખરાબ નહીં, તોપણ થોડીક ચિંતા જન્માવે એવા તો ચોક્કસ છે. સારા સમાચાર એ છે કે જો અમેરિકન સેનેટ મંજૂર કરશે તો અમેરિકામાં ગેરકાયદે વસતા બે લાખ ચાલીસ હજાર ભારતીયોને અમેરિકન સિટીઝનશિપ મળી જશે. ચીનના બે લાખ એંસી હજાર,ફિલિપાઇન્સના બે લાખ સિત્તેર હજાર પછી ત્રીજા નંબરે સૌથી વધુ સંખ્યા બે લાખ ચાલીસ હજાર ઇન્ડિયન્સની છે, જેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે. અમેરિકામાં કુલ ૧ કરોડ ૧૫ લાખ લોકો ગેરકાયદે વસવાટ કરે છે અને આ બધાને એક ’વિરાટ સમજૂતી’ના ભાગરૂપે કાયદેસરનું અમેરિકી નાગરિકત્વ અપાય એવી શક્યતાઓ છે. જો આવું થશે તો અમેરિકામાં ઉચાટ જીવે રહેતા બે લાખ ચાલીસ હજાર ભારતીયોને હાશકારો થશે.
ચિંતા જન્માવે એવા સમાચાર એ છે કે અમેરિકાનો ગ્રોથ રેટ ચોથા ક્વાટરમાં ઘટીને ૦.૧ ટકા થઈ ગયો છે. અમેરિકા વિશ્વની મહાસત્તા છે. અમેરિકામાં કંઈ પણ થાય તેની સીધી અસર આખી દુનિયાના દેશો પર પડે છે. એટલે જ એવું કહેવાય છે કે અમેરિકાને છીંક આવે તો ઘણા દેશોને શરદી થઈ જાય છે અને અમેરિકાને જો શરદી થાય તો અનેક દેશોને તાવ ચડી જાય છે. બીજી વખત વાજતે ગાજતે ચૂંટાયેલા અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા માટે સૌથી મોટી ચિંતા દેશને આર્થિક મંદીમાંથી બહાર કાઢવાની છે. અનેક પ્રયત્નો અને ખર્ચમાં ઘટાડા છતાં આ મંદીમાંથી કઈ રીતે બહાર નીકળવું તેનો કોઈ ચોક્કસ માર્ગ અમેરિકાને મળતો નથી.
અમેરિકન ગ્રોથ રેટનો આંકડો જોઈ ફરીથી વિશ્વમાં એ ચર્ચા ચાલી છે કે શું અમેરિકા હજુ એવી ને એવી કારમી મંદીમાં છે અથવા તો ફરીથી અમેરિકા ખરાબ હાલત તરફ ઢસડાઈ રહ્યું છે. આંકડા પર આધાર રાખીએ તો ચિત્ર કંઈક એવું જ છે. ત્રીજા ક્વાટરમાં ગ્રોથ રેટ ૩.૧ ટકાનો હતો જે ચોથા ક્વાટરમાં ઘટીને ૦.૧ નો થઈ ગયો છે. મતલબ કે છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકાની આર્થિક હાલત વધુ પતલી થઈ ગઈ છે. આ ૦.૧નો ગ્રોથ રેટ પાછો છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે.
અમેરિકન અર્થશાસ્ત્રીઓ અત્યારે આ હાલતની સમીક્ષા કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈ પણ અર્થશાસ્ત્રીએ ગ્રોથ રેટના ઘટાડાની આગાહી કરી નહોતી. એ રીતે જોઈએ તો સારા આર્થિક વાતાવરણની આગાહી કરનાર બધા જ અર્થશાસ્ત્રીઓ ખોટા પડયા છે. ૨૦૧૨ના સમગ્ર વર્ષ દરમિયાન ઇકોનોમીનો ગ્રોથ રેટ ૨.૨ ટકાનો હતો. જોકે છેલ્લા ત્રણ મહિના બહુ જ ખરાબ રહ્યા. અર્થશાસ્ત્રીઓનો એવો અભિપ્રાય છે કે અમેરિકાએ મંદીમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ પણ રીતે મિનિમમ ૩ ટકાનો ગ્રોથ રેટ જાળવી રાખવો પડશે.
ભારતમાં મંદીની અસર કેવી છે? ભારતની આર્થિક હાલત કેટલી નાજુક છે? આ અંગે ગુજરાતી અર્થશાસ્ત્રી પ્રો. આર.સી. પોપટ કહે છે કે અમેરિકા કરતાં ભારતની હાલત ઘણી સારી છે. અત્યારે છે એવી પરિસ્થિતિ રહે તોપણ ભારત દોઢ-બે વર્ષમાં મંદીમાંથી બહાર આવી જશે. ભારતને ફુગાવો અને ભાવવધારો નડી રહ્યા છે. આખી દુનિયાનો ગ્લોબલ ગ્રોથ રેટ ત્રણ ટકાથી નીચે છે. યુરોપના દેશોનો ગ્રોથ રેટ ૨ ટકાથી નીચે છે, તેની સરખામણીમાં ભારતનો ગ્રોથ રેટ ૫.૫ ટકા જેટલો છે. આપણને આ ગ્રોથરેટ નીચો લાગે છે તેનું કારણ એ છે કે અગાઉના સમયમાં ભારતનો ગ્રોથ રેટ ૯ ટકા સુધીનો હતો. એની સરખામણીએ અત્યારનો ગ્રોથ રેટ ઘણો નીચો છે. છતાં દુનિયાની કમ્પેરિઝનમાં આપણી હાલત ઘણી સારી છે.
દુનિયાના દેશોમાં મંદીની તીવ્રતા જુદી જુદી છે. અર્થશાસ્ત્રીઓ દુનિયાની આર્થિક મંદીને અલગ અલગ ગ્રૂપ પાડીને ગણતરીઓ માંડે છે. એક ગ્રૂપ ભારત અને એશિયન દેશોનું છે. બીજું ગ્રૂપ અમેરિકા અને ઇંગ્લેન્ડનું છે અને ત્રીજું ગ્રૂપ યુરોપના દેશોનું છે. સૌથી સારી હાલત એશિયન ગ્રૂપ એટલે કે ભારત, ચીન, જાપાન અને બીજા દેશોની છે. અમેરિકા અને ઇંગ્લેન્ડની હાલત નાજુક છે. જ્યારે યુરોપના દેશોની સ્થિતિ તો ગંભીર છે. ફ્રાંસે તો ઓફિશિયલ દેવાળું કાઢયું છે. ગ્રીસ સાવ ખખડી ગયું છે અને યુરોપના બીજા દેશો પણ ડચકાં ખાઈ રહ્યા છે.
ભારતમાં મંદીની અસરનાં થોડાંક પોતાનાં અને થોડાંક બહારનાં કારણો છે. ભારતનાં પોતાનાં કારણો જોઈએ તો ભારતમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (ઔદ્યોગિક ઉત્પાદન) અને એગ્રિકલ્ચર પ્રોડક્શન (કૃષિ ઉત્પાદન) ઓછું થયું છે એટલે ઓવરઓલ ગ્રોથ રેટ નીચો ગયો છે. મોંઘવારી અને ફુગાવાની મોટી અસર છે. અમેરિકા અને યુરોપની મંદી આપણને કેટલી અસર કરે છે એ વિશે પ્રો. આર.સી. પોપટ કહે છે કે ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું છે. તેનું એક કારણ વિદેશી મૂડીરોકાણ છે. યુરોપિયન દેશોની મંદીના કારણે ત્યાંની કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરતી નથી અને જે કંપનીઓ અત્યારે છે તે પણ રોકાણ ઘટાડી રહી છે. ભારત સરકારે એફડીઆઈ અને એફઆઈઆઈ જેવાં પગલાં લઈ વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે, છતાં વિદેશી મૂડીરોકાણનો ફ્લો જેટલો હોવો જોઈએ એટલો થયો નથી. મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદન ઘટે, રોજગારી ન વધે અને ઓવરઓલ આર્થિક સ્થિતિ નબળી પડે. ભારતે રેપારેટ ઘટાડવાથી માંડીને ઘણાં એવાં પગલાંઓ લીધાં છે જેનાથી મંદીની અસર ઓછામાં ઓછી થાય અને સારા ભવિષ્યની આશા બરકરાર રહે.
અમેરિકા માટે એક સારા સમાચાર ત્યાંની ઓઇલ ઇન્ડસ્ટ્રીના છે. અમેરિકાએ તેનું ધ્યાન ઓઇલ ઉત્પાદન ઉપર પણ કેન્દ્રિત કર્યું છે. ઓઇલના સારકામ માટે અમેરિકાએ વધુ પ્રયત્નો હાથ ધર્યા છે અને ઓઇલ કાઢવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. અંદાજ એવો છે કે આગામી વર્ષે અમેરિકા ૧૯૫૧ પછી ઓઇલનું સૌથી વધુ ઉત્પાદન કરશે અને બધી ગણતરીઓ જો સરખી ઊતરશે તો અમેરિકા ઓઇલનું ઉત્પાદન કરતો દુનિયાનો નંબર વન દેશ બની જશે.
ઓઇલના ઉત્પાદનમાં અત્યારે અમેરિકાનો નંબર ત્રીજો છે. પહેલા નંબરે સાઉદી અરેબિયા અને બીજા નંબરે રશિયા છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં સાઉદી અરેબિયાનો હિસ્સો ૧૨.૬ ટકા અને રશિયાનો હિસ્સો ૧૧.૧ ટકા છે. તેના પછી ૮.૯૧ ટકા સાથે અમેરિકા ત્રીજા ક્રમે છે. અમેરિકા આ વર્ષે સાત ટકાની વૃદ્ધિ સાથે ૧.૦૯ કરોડ બેરલનું ઉત્પાદન કરે એવી શક્યતા છે. આવતા વર્ષે આ ઉત્પાદન વધીને ૧.૧૪ કરોડ બેરલ થશે. સાઉદી અરેબિયા વર્ષે ૧.૧૬ કરોડ બેરલનું ઉત્પાદન કરે છે. આ રીતે અમેરિકા ઓઇલનું ભારણ ઓછું કરવાનો પ્રયત્ન કરે છે.
અમેરિકા પછી સૌથી વધુ ઓઇલ ઉત્પાદન કરતો ચોથા નંબરનો દેશ ઈરાન છે. ઈરાનનો હિસ્સો કુલ ઉત્પાદનના ૪.૭૭ ટકાનો છે. તેના પછી ચીનનો હિસ્સો ૪.૫૬ ટકા અને કેનેડાનો હિસ્સો ૩.૯૦ ટકા છે. ઓઇલના ઉત્પાદનમાં ભારત ક્યાં છે? આપણો નંબર તો છેક ૨૩મો છે. આપણે વિશ્વના કુલ ઓઇલ ઉત્પાદનમાં માત્ર ૧.૦૪ ટકાનો હિસ્સો ધરાવીએ છીએ. ઓઇલની જરૂરિયાત માટે આપણે બીજા દેશો પર આધાર રાખવો પડે છે.
આ બધાં કારણો છતાં ભારતની હાલત એટલી બધી ખરાબ નથી, કારણ કે ભારત પાસે પોતાનું જ મોટું બજાર છે. અમેરિકા એવા જોરદાર રસ્તાની શોધમાં છે જે આખું ટેબલ ટર્ન અ રાઉન્ડ કરી દે અને અમેરિકાની હાલત સુધરી જાય.
૧૯૩૦માં મહા મંદી આવી હતી. અમેરિકાનું અર્થતંત્ર ત્યારે સાવ તળિયે બેસી ગયું હતું. એ વખતે અમેરિકાના પ્રમુખપદે રૂઝવેલ્ટ હતા. પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટનું ક્યાંય ધ્યાન પડતું ન હતું. અંતે તેમણે કેમ્બ્રિજ યુનિર્વિસટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર જે.એમ. કેઇન્સને વિનંતી કરી કે અમેરિકા મંદીમાંથી બહાર નીકળે તે માટે કોઈ રસ્તો સુઝાડો. પ્રો. કેઇન્સે અર્થતંત્રનો પૂરો અભ્યાસ કરીને એક થિયરી આપી, જેના પરથી ‘જનરલ થિયરી’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું. પ્રો. કેઇન્સની થિયરી પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે ’ન્યૂ ડીલ’ના નામે લાગુ કરી અને ધીમે ધીમે અમેરિકા મંદીમાંથી બહાર આવી ગયું.
પ્રોફેસર કેઇન્સની થિયરી એવી હતી કે ૧૯૩૦ની મંદી માંગ ઘટી જવાના કારણે આવી છે. એટલે માંગમાં વધારો થાય એવું કરવું જોઈએ. માંગ એટલે ઘટી હતી કે લોકો પાસે ખર્ચ કરવા નાણાં ન હતાં. લોકોને આવક થાય એવી રાજકોષીય નીતિ લાગુ કરવામાં આવી હતી, જાહેર કાર્યો વધ્યાં. લોકો પાસે ડોલર આવ્યા, લોકો ખરીદી કરવા લાગ્યા, માંગ વધી, ઉત્પાદન ઘટયું અને મંદીમાંથી કાઢે એવું ચક્ર શરૂ થયું.
એ વખતે તો પ્રો. કેઇન્સની થિયરી કામ કરી ગઈ, પણ આ વખતની પરિસ્થિતિ અને મંદીનાં કારણો તદ્દન જુદાં અને વિચિત્ર છે. તેના માટે કોઈ એક અને સીધી સાદી થિયરી કામ લાગે એવી નથી. કોઈ સચોટ ઇલાજની જરૂર છે. અમેરિકન સરકારે ખર્ચમાં ઘટાડો અને બીજા આર્થિક પગલાંઓ ભર્યાં છે. એ જ કારણોસર પોતાની ઘણી માયાઓ સંકેલવા માંડી છે. અફઘાનિસ્તામાંથી એક વર્ષમાં સેના પણ પાછી ખેંચી લેવાનું એલાન થઈ ગયું છે. આમ છતાં નિષ્ણાતો માને છે કે માત્ર બચતના રસ્તે સ્થિતિ સુધરવાની નથી, બીજું કંઈક પણ કરવું પડશે. અત્યારે તો આ હાલતથી છુટકારો મેળવવા અમેરિકન સરકાર અને અર્થશાસ્ત્રીઓ મથી રહ્યા છે.
આખી દુનિયા હવે તો નબળી આર્થિક હાલતથી તંગ આવી ગઈ છે, બધા જ રાહ જોઈને બેઠા છે કે કંઈક ચમત્કાર થાય અને આખી દુનિયા ફરીથી પૂરા જોશમાં ધમધમવા લાગે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ઇતિહાસ ગવાહ છે કે પરિસ્થિતિ બદલતી રહી છે અને આ પરિસ્થિતિ પણ બદલવાની જ છે. આજે નહીં તો કાલે, એક રસ્તો નહીં તો બીજા રસ્તે મંદીએ જવું તો પડવાનું જ છે.
(‘સંદેશ’. તા. 6 ફેબ્રુઆરી,2013. , ‘દૂરબીન ’ કોલમ)
Subscribe to:
Posts (Atom)