અમેરિકાનો જીડીપી ગ્રોથ ઘટીને ૦.૧ થઈ ગયો. મંદીમાંથી બહાર નીકળવા મથતાં અમેરિકા માટે આ સમાચાર સારા નથી. અમેરિકાની અસર આખી દુનિયાને થાય છે. ભારતને પણ અમેરિકા અને યુરોપની આર્થિક મંદી અસર કરે છે. આમ છતાં ભારતની હાલત પ્રમાણમાં ઘણી સારી છે. અમેરિકા અને ભારતની મુશ્કેલીનાં કારણો અલગ અલગ છે અને મંદીમાંથી બહાર આવવા બંનેએ રસ્તા પણ જુદા જુદા અપનાવવા પડશે. ઓબામા સરકાર વહેલી તકે જો કોઈ સચોટ રસ્તા નહીં અપનાવે તો અમેરિકાની હાલત સુધરવાની નથી. આખી દુનિયા મંદી સામે ઝઝૂમી રહી છે. જોકે ભારતને બહુ વાંધો નહીં આવે એવું નિષ્ણાતો માની રહ્યા છે.
અમેરિકાથી ગયા અઠવાડિયે ભારતને અસર કરે એવા બે અહેવાલ આવ્યા. આ બેમાંથી એક સમાચાર સારા છે અને બીજા ખરાબ નહીં, તોપણ થોડીક ચિંતા જન્માવે એવા તો ચોક્કસ છે. સારા સમાચાર એ છે કે જો અમેરિકન સેનેટ મંજૂર કરશે તો અમેરિકામાં ગેરકાયદે વસતા બે લાખ ચાલીસ હજાર ભારતીયોને અમેરિકન સિટીઝનશિપ મળી જશે. ચીનના બે લાખ એંસી હજાર,ફિલિપાઇન્સના બે લાખ સિત્તેર હજાર પછી ત્રીજા નંબરે સૌથી વધુ સંખ્યા બે લાખ ચાલીસ હજાર ઇન્ડિયન્સની છે, જેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે. અમેરિકામાં કુલ ૧ કરોડ ૧૫ લાખ લોકો ગેરકાયદે વસવાટ કરે છે અને આ બધાને એક ’વિરાટ સમજૂતી’ના ભાગરૂપે કાયદેસરનું અમેરિકી નાગરિકત્વ અપાય એવી શક્યતાઓ છે. જો આવું થશે તો અમેરિકામાં ઉચાટ જીવે રહેતા બે લાખ ચાલીસ હજાર ભારતીયોને હાશકારો થશે.
ચિંતા જન્માવે એવા સમાચાર એ છે કે અમેરિકાનો ગ્રોથ રેટ ચોથા ક્વાટરમાં ઘટીને ૦.૧ ટકા થઈ ગયો છે. અમેરિકા વિશ્વની મહાસત્તા છે. અમેરિકામાં કંઈ પણ થાય તેની સીધી અસર આખી દુનિયાના દેશો પર પડે છે. એટલે જ એવું કહેવાય છે કે અમેરિકાને છીંક આવે તો ઘણા દેશોને શરદી થઈ જાય છે અને અમેરિકાને જો શરદી થાય તો અનેક દેશોને તાવ ચડી જાય છે. બીજી વખત વાજતે ગાજતે ચૂંટાયેલા અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા માટે સૌથી મોટી ચિંતા દેશને આર્થિક મંદીમાંથી બહાર કાઢવાની છે. અનેક પ્રયત્નો અને ખર્ચમાં ઘટાડા છતાં આ મંદીમાંથી કઈ રીતે બહાર નીકળવું તેનો કોઈ ચોક્કસ માર્ગ અમેરિકાને મળતો નથી.
અમેરિકન ગ્રોથ રેટનો આંકડો જોઈ ફરીથી વિશ્વમાં એ ચર્ચા ચાલી છે કે શું અમેરિકા હજુ એવી ને એવી કારમી મંદીમાં છે અથવા તો ફરીથી અમેરિકા ખરાબ હાલત તરફ ઢસડાઈ રહ્યું છે. આંકડા પર આધાર રાખીએ તો ચિત્ર કંઈક એવું જ છે. ત્રીજા ક્વાટરમાં ગ્રોથ રેટ ૩.૧ ટકાનો હતો જે ચોથા ક્વાટરમાં ઘટીને ૦.૧ નો થઈ ગયો છે. મતલબ કે છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકાની આર્થિક હાલત વધુ પતલી થઈ ગઈ છે. આ ૦.૧નો ગ્રોથ રેટ પાછો છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે.
અમેરિકન અર્થશાસ્ત્રીઓ અત્યારે આ હાલતની સમીક્ષા કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈ પણ અર્થશાસ્ત્રીએ ગ્રોથ રેટના ઘટાડાની આગાહી કરી નહોતી. એ રીતે જોઈએ તો સારા આર્થિક વાતાવરણની આગાહી કરનાર બધા જ અર્થશાસ્ત્રીઓ ખોટા પડયા છે. ૨૦૧૨ના સમગ્ર વર્ષ દરમિયાન ઇકોનોમીનો ગ્રોથ રેટ ૨.૨ ટકાનો હતો. જોકે છેલ્લા ત્રણ મહિના બહુ જ ખરાબ રહ્યા. અર્થશાસ્ત્રીઓનો એવો અભિપ્રાય છે કે અમેરિકાએ મંદીમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ પણ રીતે મિનિમમ ૩ ટકાનો ગ્રોથ રેટ જાળવી રાખવો પડશે.
ભારતમાં મંદીની અસર કેવી છે? ભારતની આર્થિક હાલત કેટલી નાજુક છે? આ અંગે ગુજરાતી અર્થશાસ્ત્રી પ્રો. આર.સી. પોપટ કહે છે કે અમેરિકા કરતાં ભારતની હાલત ઘણી સારી છે. અત્યારે છે એવી પરિસ્થિતિ રહે તોપણ ભારત દોઢ-બે વર્ષમાં મંદીમાંથી બહાર આવી જશે. ભારતને ફુગાવો અને ભાવવધારો નડી રહ્યા છે. આખી દુનિયાનો ગ્લોબલ ગ્રોથ રેટ ત્રણ ટકાથી નીચે છે. યુરોપના દેશોનો ગ્રોથ રેટ ૨ ટકાથી નીચે છે, તેની સરખામણીમાં ભારતનો ગ્રોથ રેટ ૫.૫ ટકા જેટલો છે. આપણને આ ગ્રોથરેટ નીચો લાગે છે તેનું કારણ એ છે કે અગાઉના સમયમાં ભારતનો ગ્રોથ રેટ ૯ ટકા સુધીનો હતો. એની સરખામણીએ અત્યારનો ગ્રોથ રેટ ઘણો નીચો છે. છતાં દુનિયાની કમ્પેરિઝનમાં આપણી હાલત ઘણી સારી છે.
દુનિયાના દેશોમાં મંદીની તીવ્રતા જુદી જુદી છે. અર્થશાસ્ત્રીઓ દુનિયાની આર્થિક મંદીને અલગ અલગ ગ્રૂપ પાડીને ગણતરીઓ માંડે છે. એક ગ્રૂપ ભારત અને એશિયન દેશોનું છે. બીજું ગ્રૂપ અમેરિકા અને ઇંગ્લેન્ડનું છે અને ત્રીજું ગ્રૂપ યુરોપના દેશોનું છે. સૌથી સારી હાલત એશિયન ગ્રૂપ એટલે કે ભારત, ચીન, જાપાન અને બીજા દેશોની છે. અમેરિકા અને ઇંગ્લેન્ડની હાલત નાજુક છે. જ્યારે યુરોપના દેશોની સ્થિતિ તો ગંભીર છે. ફ્રાંસે તો ઓફિશિયલ દેવાળું કાઢયું છે. ગ્રીસ સાવ ખખડી ગયું છે અને યુરોપના બીજા દેશો પણ ડચકાં ખાઈ રહ્યા છે.
ભારતમાં મંદીની અસરનાં થોડાંક પોતાનાં અને થોડાંક બહારનાં કારણો છે. ભારતનાં પોતાનાં કારણો જોઈએ તો ભારતમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (ઔદ્યોગિક ઉત્પાદન) અને એગ્રિકલ્ચર પ્રોડક્શન (કૃષિ ઉત્પાદન) ઓછું થયું છે એટલે ઓવરઓલ ગ્રોથ રેટ નીચો ગયો છે. મોંઘવારી અને ફુગાવાની મોટી અસર છે. અમેરિકા અને યુરોપની મંદી આપણને કેટલી અસર કરે છે એ વિશે પ્રો. આર.સી. પોપટ કહે છે કે ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું છે. તેનું એક કારણ વિદેશી મૂડીરોકાણ છે. યુરોપિયન દેશોની મંદીના કારણે ત્યાંની કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરતી નથી અને જે કંપનીઓ અત્યારે છે તે પણ રોકાણ ઘટાડી રહી છે. ભારત સરકારે એફડીઆઈ અને એફઆઈઆઈ જેવાં પગલાં લઈ વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે, છતાં વિદેશી મૂડીરોકાણનો ફ્લો જેટલો હોવો જોઈએ એટલો થયો નથી. મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદન ઘટે, રોજગારી ન વધે અને ઓવરઓલ આર્થિક સ્થિતિ નબળી પડે. ભારતે રેપારેટ ઘટાડવાથી માંડીને ઘણાં એવાં પગલાંઓ લીધાં છે જેનાથી મંદીની અસર ઓછામાં ઓછી થાય અને સારા ભવિષ્યની આશા બરકરાર રહે.
અમેરિકા માટે એક સારા સમાચાર ત્યાંની ઓઇલ ઇન્ડસ્ટ્રીના છે. અમેરિકાએ તેનું ધ્યાન ઓઇલ ઉત્પાદન ઉપર પણ કેન્દ્રિત કર્યું છે. ઓઇલના સારકામ માટે અમેરિકાએ વધુ પ્રયત્નો હાથ ધર્યા છે અને ઓઇલ કાઢવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. અંદાજ એવો છે કે આગામી વર્ષે અમેરિકા ૧૯૫૧ પછી ઓઇલનું સૌથી વધુ ઉત્પાદન કરશે અને બધી ગણતરીઓ જો સરખી ઊતરશે તો અમેરિકા ઓઇલનું ઉત્પાદન કરતો દુનિયાનો નંબર વન દેશ બની જશે.
ઓઇલના ઉત્પાદનમાં અત્યારે અમેરિકાનો નંબર ત્રીજો છે. પહેલા નંબરે સાઉદી અરેબિયા અને બીજા નંબરે રશિયા છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં સાઉદી અરેબિયાનો હિસ્સો ૧૨.૬ ટકા અને રશિયાનો હિસ્સો ૧૧.૧ ટકા છે. તેના પછી ૮.૯૧ ટકા સાથે અમેરિકા ત્રીજા ક્રમે છે. અમેરિકા આ વર્ષે સાત ટકાની વૃદ્ધિ સાથે ૧.૦૯ કરોડ બેરલનું ઉત્પાદન કરે એવી શક્યતા છે. આવતા વર્ષે આ ઉત્પાદન વધીને ૧.૧૪ કરોડ બેરલ થશે. સાઉદી અરેબિયા વર્ષે ૧.૧૬ કરોડ બેરલનું ઉત્પાદન કરે છે. આ રીતે અમેરિકા ઓઇલનું ભારણ ઓછું કરવાનો પ્રયત્ન કરે છે.
અમેરિકા પછી સૌથી વધુ ઓઇલ ઉત્પાદન કરતો ચોથા નંબરનો દેશ ઈરાન છે. ઈરાનનો હિસ્સો કુલ ઉત્પાદનના ૪.૭૭ ટકાનો છે. તેના પછી ચીનનો હિસ્સો ૪.૫૬ ટકા અને કેનેડાનો હિસ્સો ૩.૯૦ ટકા છે. ઓઇલના ઉત્પાદનમાં ભારત ક્યાં છે? આપણો નંબર તો છેક ૨૩મો છે. આપણે વિશ્વના કુલ ઓઇલ ઉત્પાદનમાં માત્ર ૧.૦૪ ટકાનો હિસ્સો ધરાવીએ છીએ. ઓઇલની જરૂરિયાત માટે આપણે બીજા દેશો પર આધાર રાખવો પડે છે.
આ બધાં કારણો છતાં ભારતની હાલત એટલી બધી ખરાબ નથી, કારણ કે ભારત પાસે પોતાનું જ મોટું બજાર છે. અમેરિકા એવા જોરદાર રસ્તાની શોધમાં છે જે આખું ટેબલ ટર્ન અ રાઉન્ડ કરી દે અને અમેરિકાની હાલત સુધરી જાય.
૧૯૩૦માં મહા મંદી આવી હતી. અમેરિકાનું અર્થતંત્ર ત્યારે સાવ તળિયે બેસી ગયું હતું. એ વખતે અમેરિકાના પ્રમુખપદે રૂઝવેલ્ટ હતા. પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટનું ક્યાંય ધ્યાન પડતું ન હતું. અંતે તેમણે કેમ્બ્રિજ યુનિર્વિસટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર જે.એમ. કેઇન્સને વિનંતી કરી કે અમેરિકા મંદીમાંથી બહાર નીકળે તે માટે કોઈ રસ્તો સુઝાડો. પ્રો. કેઇન્સે અર્થતંત્રનો પૂરો અભ્યાસ કરીને એક થિયરી આપી, જેના પરથી ‘જનરલ થિયરી’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું. પ્રો. કેઇન્સની થિયરી પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે ’ન્યૂ ડીલ’ના નામે લાગુ કરી અને ધીમે ધીમે અમેરિકા મંદીમાંથી બહાર આવી ગયું.
પ્રોફેસર કેઇન્સની થિયરી એવી હતી કે ૧૯૩૦ની મંદી માંગ ઘટી જવાના કારણે આવી છે. એટલે માંગમાં વધારો થાય એવું કરવું જોઈએ. માંગ એટલે ઘટી હતી કે લોકો પાસે ખર્ચ કરવા નાણાં ન હતાં. લોકોને આવક થાય એવી રાજકોષીય નીતિ લાગુ કરવામાં આવી હતી, જાહેર કાર્યો વધ્યાં. લોકો પાસે ડોલર આવ્યા, લોકો ખરીદી કરવા લાગ્યા, માંગ વધી, ઉત્પાદન ઘટયું અને મંદીમાંથી કાઢે એવું ચક્ર શરૂ થયું.
એ વખતે તો પ્રો. કેઇન્સની થિયરી કામ કરી ગઈ, પણ આ વખતની પરિસ્થિતિ અને મંદીનાં કારણો તદ્દન જુદાં અને વિચિત્ર છે. તેના માટે કોઈ એક અને સીધી સાદી થિયરી કામ લાગે એવી નથી. કોઈ સચોટ ઇલાજની જરૂર છે. અમેરિકન સરકારે ખર્ચમાં ઘટાડો અને બીજા આર્થિક પગલાંઓ ભર્યાં છે. એ જ કારણોસર પોતાની ઘણી માયાઓ સંકેલવા માંડી છે. અફઘાનિસ્તામાંથી એક વર્ષમાં સેના પણ પાછી ખેંચી લેવાનું એલાન થઈ ગયું છે. આમ છતાં નિષ્ણાતો માને છે કે માત્ર બચતના રસ્તે સ્થિતિ સુધરવાની નથી, બીજું કંઈક પણ કરવું પડશે. અત્યારે તો આ હાલતથી છુટકારો મેળવવા અમેરિકન સરકાર અને અર્થશાસ્ત્રીઓ મથી રહ્યા છે.
આખી દુનિયા હવે તો નબળી આર્થિક હાલતથી તંગ આવી ગઈ છે, બધા જ રાહ જોઈને બેઠા છે કે કંઈક ચમત્કાર થાય અને આખી દુનિયા ફરીથી પૂરા જોશમાં ધમધમવા લાગે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ઇતિહાસ ગવાહ છે કે પરિસ્થિતિ બદલતી રહી છે અને આ પરિસ્થિતિ પણ બદલવાની જ છે. આજે નહીં તો કાલે, એક રસ્તો નહીં તો બીજા રસ્તે મંદીએ જવું તો પડવાનું જ છે.
(‘સંદેશ’. તા. 6 ફેબ્રુઆરી,2013. , ‘દૂરબીન ’ કોલમ)