સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ
હું ૧૯૯૩થી ૧૯૯૫ દરમિયાન ચંડીગઢના આકાશવાણી કેન્દ્ર પર કાર્યરત હતો ત્યારે મારે મિટિંગ માટે ત્રિવેન્દ્રમ જવાનું હતું. દિલ્હીથી ત્રિવેન્દ્રમ પહોંચવા ચોપનેક કલાકની મુસાફરી કરવાની હતી. આટલો લાંબો નિરાંતનો સમય ભાગ્યે જ મળે. બે કામ સાથે રાખ્યાં. મેં નિર્મલ વર્માની હિન્દી નવલકથા ‘એક ચીથડા સુખ’ના ગુજરાતીમાં કરેલા અનુવાદની હસ્તપ્રત સાથે રાખી, જેથી ટ્રેનમાં એના પર નિરાંતે કામ કરી શકું. દળદાર નવલકથા ‘શિંડલર્સ લિસ્ટ’ વાંચવા માટે લીધી. મને ખબર હતી, ટ્રેનમાં આટલા કલાકો એકલો હોઇશ ત્યારે મને કોઇપણ જાતનો વિક્ષેપ નડશે નહીં.
હું જતાં-આવતાં બંને કામ સંતોષજનક રીતે પૂરાં કરી શક્યો. થોડા સમય પહેલાં હું શતાબ્દી એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત જતો હતો. એક ગુજરાતી વાર્તાસંગ્રહ સાથે રાખ્યો હતો. હું એ વાંચી શક્યો નહોતો. બંને ઘટનાઓ વખતે ફરક માત્ર એટલો જ હતો કે ત્રિવેન્દ્રમના પ્રવાસ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ એટલો વ્યાપક બન્યો નહોતો. સુરત જતો હતો ત્યારે ડબામાં ચારે બાજુ જુદા જુદા પ્રવાસીઓ સેલફોન પર સતત વાતો કરતા હતા.કેરેન એક્સકોર્ન નામના અમેરિકાના કોર્પોરેટ ટ્રેઇનિંગ કન્સલટન્ટ ટ્રેઇનિંગ સેમિનારમાં ભાગ લેવા આવતા લોકોની વર્તણૂંક વિશે લેખ લખ્યો છે.
એમણે સેમિનાર શરૂ થયો તે પહેલાં પાર્ટિસપિેન્ટ્સને સેલફોન સ્વિચઓફ કરવા વિનંતી કરી. એમની વિનંતીની ખાસ અસર થઇ નહોતી. બીજા દિવસે તેઓ જાતે દરવાજા પર ઊભા રહ્યા અને અંદર આવનાર દરેકને નાની થેલી આપીને કહેતા હતા. તમારો સેલફોન થેલીમાં મૂકી દો. તમારું નામ લખી દો. લંચ બ્રેક વખતે ફોનનો ઉપયોગ કરી શકશો. કેટલાય લોકોએ કહ્યું કે અમે સેલફોન સાઇલન્સ મોડ પર મૂકી દેશું. વિક્ષેપ નહીં થાય. એ સંમત થયા. વ્યાખ્યાન દરમિયાન કેટલાય જણ માથું નીચું રાખી, ખોળામાં મૂકેલા ફોન પર મેસેજ મોકલતા હતા અને આવેલા મેસેજ વાંચતા હતા.
લંચ પછી ફરજિયાતપણે બધાના સેલફોન થેલીઓમાં કેદ કરવા પડ્યા હતા.સમુદ્રકિનારે અઠવાડિયા માટે યોગ-શિબિરનું આયોજન થવાનું હતું. એક મોટી કંપનીના સી.ઇ.ઓ.ને સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે એ શિબિરમાં જવું અનિવાર્ય લાગ્યું. જાણવા મળ્યું કે શિબિરમાં સેલફોન કે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાશે નહીં. એ ગભરાઇ ગયા. ફોન વિના કે કમ્પ્યુટર વિના ચાલે જ કેમ. એ શરતમાંથી રાહત આપવા આયોજકોને વિનંતી કરી. આયોજકોએ જણાવ્યું શિબિરનો હેતુ માનસિક શાંતિ માટે છે. ભાઇએ કહ્યું, દિવસમાં એકાદ કલાક માટે તો છુટ આપો. જવાબ મળ્યો.
અમે નેટવર્ક મળે જ નહીં એવી જગ્યા શિબિર માટે પસંદ કરી છે. કોઇ ઉપાય નથી? છેને, દર સાંજે ટેક્સી ભાડે કરી, વીસ-ત્રીસ માઇલ દૂર જજો. ત્યાં તમને નેટવર્ક મળશે. મોટી કંપનીના વડા સેલફોનના વિરહનો સ્ટ્રેસ સહન કરી શકે તેમ નહોતા.દરેક આધુનિક સાધનોના અનેક ફાયદા છે, સેલફોન પણ એવું સાધન છે. પરંતુ એના ઉપયોગના અતિરેક-એડિકશનને લીધે ફાયદાની સરખામણીમાં ગેરફાયદા વધારે થાય છે. સંગીતસભામાં બેઠેલા લોકો ફોન બંધ રાખી શકતા નથી. પૂજારી પૂજા કરાવતો કરાવતો મોબાઇલ ફોન પર વાતો કરે છે, ટ્રેનમાં વહેલી સવારે ઊતરવાનું સ્ટેશન આવતું હોય ત્યારે થોકબંધ રિંગ ટોન સંભળાવા લાગે છે ને બીજા મુસાફરોની ઊંઘ ઊડી જાય છે.
અમારા પડોશીએ દસમા ધોરણમાં સારી રીતે પાસ થયેલા દીકરાને મોબાઇલ ફોન ભેટ આપ્યો, બારમા ધોરણની પરીક્ષા સમયે એ ખૂંચવી લેવો પડ્યો. દીકરાનું અભ્યાસમાં ધ્યાન જ રહેતું નહોતું. સેલફોનના અતિરેકને લીધે થતી શારીરિક તકલીફોની વાત રહેવા દઇએ. વ્યક્તિના જીવનમાંથી ચોરાઇ જતી સ્વતંત્રતાનું શું? સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ. મગજને જરૂરી આરામ મળતો નથી. જો તમે રોજના સો મેસેજ મોકલતા હો તો તમે એટલો સમય એકલા રહેવાની સ્વતંત્રતા ગુમાવો છો. મેસેજ લખો, જવાબ વાંચો, પાછો જવાબ લખો. આપણે કોઇ જાતના બાહ્ય વિક્ષેપ વિના વિચારવાની કે મગજને આરામ આપવાની તક સેલફોન જેવી સવલતોને આધીન કરી દીધી છે.
આખો દિવસ ખૂબ કામ કરીને રાતે અગિયાર-સાડા અગિયારે ઊંઘવા જવું એ જન્મસિદ્ધ અધિકાર છે. આંખ મીંચાઇ નથી ત્યાં રિંગ સંભળાય છે કે મેસેજ આવવાનો સંકેત મળે છે. ડિનર વખતે આખું કુટુંબ દિવસમાં પહેલીવાર સાથે મળ્યું છે. એ વખતે પણ લોકોનું ધ્યાન મોબાઇલ ફોનમાં જ હોય છે. મહેમાન આવ્યા છે, ડ્રોઇંગરૂમમાં બેઠેલા જણે જણનો ફોન એક પછી એક રણક્યા કરે છે. હવે તો કુટુંબના બધા સભ્યો પાસે સેલફોન છે. પત્નીને ગુડ નાઇટ કિસ નહીં કરીએ તો ચાલશે. સેલફોનને દિવસમાં થોડા થોડા સમયે ગુડ બાય કિસ કરીને સ્વિચ ઓફ કરી દેવાની ટેવ પાડવા જેવી છે. કોઇએ કહ્યું છે, સેલફોન તમારા શરીરનું અવિભાજય અંગ નથી. ‘
સેલફોનના અતિરેકને લીધે જીવનમાંથી ચોરાઇ જતી સ્વતંત્રતાનું શું? સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ.
વીનેશ અંતાણી