Wednesday, October 10, 2012

અહીં પેટ્રોલ પોણા સાત રૂપિયે લિટર વેચાય છે


લંડન, તા. 8
પેટ્રોલની વધતી કિંમતોના સમાચારો વચ્ચે જો તમને કોઈ એમ કહે કે એક જગ્યાએ પેટ્રોલ માત્ર ૬.૭૫ રૃપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે તો કદાચ વિશ્વાસ નહિ બેસે, પરંતુ આ હકીકત છે. હાલમાં જ વેનેઝુએલાને વિશ્વમાં સૌથી સસ્તા ભાવે પેટ્રોલ વેચતો દેશ ગણાવવામાં આવ્યો છે. આ દેશમાં પહેલેથી જ પેટ્રોલપંપ પર સસ્તું પેટ્રોલ મળવાની પરંપરા રહી છે, કારણ કે તે વિશ્વમાં સૌથી મોટો ઇંધણભંડાર છે, જોકે હવે આ સસ્તું ઇંધણ સ્મગલર્સને પણ લલચાવી રહ્યું છે.
એક તરફ વેનેઝુએલામાં પેટ્રોલ સસ્તું છે તો બીજી તરફ તેના પાડોશી દેશ કોલમ્બિયામાં વધુ કિંમતે પેટ્રોલ મળે છે, જેથી ટેક્સીડ્રાઇવર્સ સહિત અનેક લોકો વેનેઝુએલામાંથી જ પેટ્રોલ ખરીદવાનો પ્રયાસ કરતા હોય છે. વેનઝુએલાના ઇંધણભંડાર માનવામાં આવતાં શહેર મેરાકાઇબો કોલમ્બિયાની સરહદેથી ૬૦ માઇલ દૂર છે, પરંતુ કોલમ્બિયા અને વેનેઝુએલાની પેટ્રોલની કિંમતોમાં ખૂબ મોટો તફાવત છે.
એક સ્થાનિક ટેક્સીડ્રાઇવર કહે છે કે, 'અહીં પેટ્રોલ સસ્તું છે જ્યારે અહીંની સરખામણીમાં કોલમ્બિયામાં પેટ્રોલ ૧૦ ગણું મોંઘું છે. મારે કોલમ્બિયા જવાનું વારંવાર થાય છે પણ હું પેટ્રોલ વેનેઝુએલામાંથી જ પુરાવું છું.'
માત્ર સ્થાનિક ટેક્સીડ્રાઇવર્સ જ પેટ્રોલ ભરાવવાનો પ્રયાસ કરે છે તેવું નથી. આ દેશમાં મળતું સસ્તું પેટ્રોલ દાણચોરોને પણ લલચાવી રહ્યું છે. વેનેઝુએલાની સરકારનું અનુમાન છે કે, વર્ષે એક લાખ બેરલ તેલની ચોરી થાય છે, જેનાથી સરકારી તિજોરીને કરોડો ડોલરનું નુકસાન થાય છે.
ખર્ચની મર્યાદા ૪૦ લિટર
કોલમ્બિયા સરહદ નજીકના વિસ્તારોમાં ખરીદીમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે મુજબ દરેક ગાડી પર એક ચીપ લગાડવામાં આવી હોય છે. આ ચીપના આધારે પેટ્રોલપંપ પર લોકો પેટ્રોલ ભરાવી શકે છે. એક કારમાં ૪૦ લિટર પેટ્રોલ ભરાવવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મેરાકાઇબો શહેરમાં બાર જેટલા પેટ્રોલપંપમાંથી સાત પેટ્રોલપંપે ચીપને આધારે પેટ્રોલનું વેચાણ શરૃ કરી દીધું છે.