Sunday, October 14, 2012

લો હવે ટ્રેનમાં પણમાં શોપિંગની મજા માણી શકાશે


નવી દિલ્હી, તા. ૧૪
  • લાંબા અંતરની શતાબ્દી ટ્રેનમાં લક્ઝરી પ્રોડક્ટ વેચવાની રેલવેની યોજના
  • ભોપાલ શતાબ્દીમાં સૌપ્રથમ સુવિધા શરૂ કરવામાં આવશે
લાંબા અંતરની શતાબ્દી ટ્રેનોની સફર હવે વધુ સુવિધાજનક થવા જઈ રહી છે. રેલવેએ શતાબ્દીની મુસાફરી દરમિયાન કેટલીક લક્ઝરી પ્રોડક્ટ્સનાં વેચાણની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર,શતાબ્દી ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ તથા ચેર કાર્સમાં પરફ્યુમ,ત્વચા પર લગાવવામાં આવતાં ક્રીમ, હેન્ડબેગ, ઘડિયાળ, જ્વેલરી તથા ગિફ્ટમાં આપવામાં આવતી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, ચોક્લેટપ્રેમીઓ માટે ઘણી સ્વાદિષ્ટ પ્રોડક્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શતાબ્દી ટ્રેનમાં પાઇલટ આધાર પર એક મહિના માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી છે. આ સુવિધા ટૂંક સમયમાં જ ભોપાલ શતાબ્દીમાં શરૂ થશે અને તેને મળનારી પ્રતિક્રિયાઓ બાદ મુંબઈ-અમદાવાદ તથા અન્ય શતાબ્દી ટ્રેનોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.રેલવે દીર્ઘકાલીન આધાર પર પ્રત્યેક શતાબ્દી ટ્રેનમાં બે ટ્રોલીની સુવિધા આપવામાં આવશે. શતાબ્દી ટ્રેનોમાં નિયમિત રીતે ખરીદીની સુવિધા અંગે કંપનીઓની પસંદગી માટે ટેન્ડરપ્રક્રિયા પણ શરૂ કરાશે.
રેલવે શતાબ્દી ટ્રેનોમાં મનોરંજનની સુવિધા પણ શરૂ કરાવવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં મુસાફરો સેટેલાઇટ મારફતે સિનેમા અને ટીવી સિરિયલ દેખી શકશે. આ ઉપરાંત ચાલુ ટ્રેનમાં સાફસફાઈ વધુ સારી બનાવવાના પ્રયાસ પણ રેલવે દ્વારા થઈ રહ્યા છે. અધિકારીએ ઉમેર્યું છે કે, અમારું લક્ષ્ય ટ્રેનોમાં મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવાનું છે.