Jan 12, 2013
કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડવૃક્ષ જે રીતે જૂનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે એ જ રીતે માણસે પણ તાજા જ રહેવું જોઈએ. પ્રકૃતિના નિયમ મુજબ તાજી વસ્તુ જીવંત છે અને વાસી વસ્તુ મૃત થઈ જાય છે
હમણાં એક ફિલ્મ આવી 'ઓ માય ગોડ!' આજના યુવાનોને આ ફિલ્મે ઘણું ઘેલું લગાડયું. ફિલ્મમાં રૂઢીવાદી ધાર્મિકતા ઉપર ઘણા પ્રહારો કરાયા છે અને યુવાનોને વિચારતા કરી દે એવા પ્રશ્નો ઉઠાવાયા છે.
આપણે અહીં એ ફિલ્મની વાત કરવી નથી, પરંતુ એમાંથી એક વસ્તુ એ શીખવા જેવી છે કે માનવજીવનને આગળ વધારતા રહેવા માટે જરીપુરાણા ખ્યાલોને વળગી રહેવાને બદલે નવા જ્ઞાન માટે જગ્યા કરતા રહેવી જોઈએ.
જે સંસ્કારોમાં આપણે જન્મ્યા હોઈએ છીએ અને ઉછર્યા હોઈએ છીએ તે નકામા છે એમ જાણતા હોવા છતાં આપણે તેને ત્યજી શકતા નથી. સદીઓ પહેલાં આપણાં પૂર્વજો જે કાંઈ કરતા હતા એ એમના માટે જરૂરી હશે, પરંતુ આજે પણ આપણે એ જ રીતે જીવવું જરૂરી નથી.વૃક્ષ જે રીતે જૂનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે એ જ રીતે માણસે પણ તાજા જ રહેવું જોઈએ. પ્રકૃતિના નિયમ મુજબ તાજી વસ્તુ જીવંત છે અને વાસી વસ્તુ મૃત થઈ જાય છે.
દુનિયા બહુ ઝડપથી આગળ ધસી રહી છે. વિજ્ઞાન-ટેક્નોલોજીમાં જે ઝડપથી સંશોધનો થઈ રહ્યાં છે એ અકલ્પનીય છે. ખાસ કરીને આજના યુવાનો એનાથી વંચિત ન રહે એ માટે એમને વૈજ્ઞાનિક અભિગમ કેળવતાં શીખવવું જોઈએ.
વિજ્ઞાન સત્યને જાણવા માટે છે. આપણે આપણે નક્કી કરી નાખેલાં કાલ્પનિક આધાર વિનાનાં મનઘડંત સત્યોને સાબિત કરવા માટે નથી. મોટા ભાગના માણસો વિજ્ઞાન દ્વારા કશું નવું શીખવાને બદલે પોતે જે કાંઈ માનતા હોય અથવા તો જૂની રૂઢીઓ એમના મનમાં જડ ઘાલીને બેઠી હોય, એને પુષ્ટિ આપવા માટે જ એનો ઉપયોગ કરતા હોય છે.
નવી વાતને આપણે જલદી સ્વીકારી કે પચાવી શકતા નથી. બાળક જ્યારે પહેલી વાર જાણે છે કે માથા ઉપરનો આસમાની ઘુમ્મટ માત્ર ખાલી જગ્યા છે ત્યારે તે આઘાત અનુભવે છે. આકાશ-જેને તે પોતાની નજરે જુએ છે, તે માત્ર ખાલી જગ્યા કઈ રીતે હોઈ શકે? અને ખાલી જગ્યા હોય તો કેટલી હશે? પછી શું હશે? એની સમજમાં કોઈ રીતે એ વાત ઊતરતી નથી.
એવું જ જ્ઞાન અને વિજ્ઞાનની દરેક બાબતનું છે. દરેક નવી વાતથી માણસ આઘાત અનુભવે છે, પરંતુ સાચી વાત એના શુદ્ધ સ્વરૂપે સ્વીકારવામાં જ માનવજાતનું ભલું થયું છે. સત્યનો જ્યારે આપણે સ્વીકાર કરતા નથી ત્યારે આપણને નુકસાન જ જાય છે. સત્યનો ઇનકાર કરવાથી એનું અસ્તિત્વ મટી જતું નથી.
ગેલિલિયોએ પોતાની કીમતી જિંદગી ખરચી નાખીને અનેક સંશોધનો કરીને અનેક વખત ખાતરીઓ કર્યાં પછી જ્યારે જાહેર કર્યું કે, સૂર્યમાં ડાઘ છે ત્યારે લોકો એના ઉપર ઉકળી ઊઠયા. સૂર્યને તો લોકો દેવ માનતા હતા એમાં ડાઘ કઈ રીતે હોઈ શકે?
ગેલિલિયોએ ઘણા માણસોને સૂર્યમાં રહેલા ડાઘ બતાવ્યા, છતાં લોકો એ વાત સ્વીકારવા તૈયાર નહોતા. સૂર્ય દેવમાં ડાઘ હોઈ શકે જ નહીં, દૂરબીન ખોટું. ગેલિલિયોને એમણે ધાર્મિક માન્યતાઓની વિરુદ્ધમાં વાત કરવા બદલ જેલમાં પૂરી દીધો. લોકોને ગેર રસ્તે દોરવા બદલ અને જૂઠી વાતો કરવા બદલ ધર્મગુરુઓએ તેને માફી માગવા કહ્યું. ગેલિલિયો શરૂઆતમાં તો પોતાની વાત ઉપર અડગ રહ્યો, પરંતુ એને એટલો ત્રાસ અપાયો કે આખરે એ ભાંગી પડયો અને છેવટે એણે કબૂલ કરી લીધું કે, સૂર્યમાં ડાઘ હોવાની વાત ખોટી છે. પોતે પાપ કરેલ છે અને એ બદલ પોતે માફી માગે છે.
જગતના મોટા ભાગના સંશોધકોની બાબતમાં આવું જ બન્યું છે. કેટલાકને મારવામાં આવ્યા છે, તો કેટલાકની કતલ પણ કરી નાખવામાં આવી છે. સાચી વાત કહેવા બદલ જગતના મહાન સંશોધકોએ આપણે આજે તો કલ્પી પણ ન શકીએ એવાં એવાં જુલમ અને યાતનાઓ સહન કર્યાં હતાં.અને આવી યાતનાઓ આપનારા એમના સમયના મોટા પંડિતો અને વિદ્વાનો જ હતા. એવા પંડિતો કે જેમનાં મગજ જૂની વાતોથી ભરાયેલાં હતાં. નવા જ્ઞાન માટે એ મગજમાં કોઈ જગ્યા જ નહોતી.
અહીં એક જાપાનીઝ ઝેન સાધુની નાનકડી વાત યાદ આવી જાય છે.એક વાર ઝેન ગુરુ નાન-ઇન પાસે એક વિદ્વાન પ્રોફેસર આવ્યા. ઝેન ગુરુ તો શાંત અને સ્વસ્થ ચિત્તે પોતાનામાં લીન હતા.
પ્રોફેસરે કહ્યું, "ગુરુ, મને ઝેન વિષે જ્ઞાન આપો."
નાન-ઇને કહ્યું, "ચાલો, પહેલાં આપણે થોડી ચા પીએ."
બંને બેઠા. ઝેન ગુરુએ ચાની કીટલી લઇને કપમાં ચા રેડવાનું શરૂ કર્યું. કપ ભરાઈ ગયો છતાં તેમણે તો ચા રેડવાનું ચાલુ જ રાખ્યું.
એ જોઇને પ્રોફેસરથી એકદમ બોલી જવાયું, "અરે, કપ તો ભરાઈ ગયેલો છે. ચા તો એમાંથી ઉભરાઈને બહાર ઢોળાય છે."
"હું પણ એ જ કહું છું" ઝેન સાધુએ કહ્યું, "જે (મગજ) ભરાઈ ગયેલું હોય, એમાં કઈ રીતે નવું કશું સમાઈ શકે?"
જે પોતાની જાતને વિદ્વાન માને છે એનું મગજરૂપી પાત્ર હંમેશાં છલોછલ ભરેલું જ રહે છે એટલે એમાં નવું કશું ઉમેરી શકાતું નથી. અને જે જૂનું હોય છે એ વાસી થઈ ગયેલું હોય છે. હંમેશાં વાસી વસ્તુઓ કાઢતાં રહેવું જોઈએ અને તાજી વસ્તુઓ માટે જગા કરતાં રહેવું જોઇએ.
અગાઉ રાજા મહારાજાઓ માત્ર એક જ વસ્ત્ર પહેરતા. ઉપરનું શરીર ઉઘાડું રાખતા. હાથ ઉપર બાજુબંધ અને કડાં પહેરતા. શરીરે ઘરેણાંનો ઠઠારો કરતા. આજે એવું વસ્ત્ર પરિધાન કોઈ કરતું નથી-માત્ર ટીવી સિરિયલો કે નાટક, ફિલ્મમાં જ એ જોવા મળે છે. એવો પહેરવેશ પહેરીને આજે કોઈ પોતાના વેપાર-ધંધાના સ્થળે કે સરકારી કચેરીઓમાં જતું નથી અને જાય તો?
એક વખત જે પ્રતિષ્ઠા આપનારી વસ્તુ હોય છે એ જ વસ્તુ વખત જતાં કેટલીક વાર હાસ્યાસ્પદ પણ બની જતી હોય છે એટલે જૂની માન્યતાઓ, રૂઢીઓ અને અજ્ઞાનને સંગ્રહી રાખવાના બદલે એને તજી દેતાં શીખવું જોઇએ.
કેટલાંક એવા વિદ્વાનો પણ હોય છે જે માહિતીનો ભંડાર હોવાનો દેખાવ કરવા માટે નવા જ્ઞાનને પોતાના મગજના કમ્પ્યુટરમાં સંઘરી રાખે છે અને એનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કે પોતાની માન્યતાઓને સાચી સાબિત કરવા માટે એક દલીલ તરીકે જ કરે છે. આવા માણસોને વિજ્ઞાનનું જ્ઞાન હોવા છતાં, એ જ્ઞાનનો કોઈ ફાયદો મળતો નથી. બહુ ઓછા માણસો આધુનિક જ્ઞાનનો પોતાની જ્ઞાનની પ્યાસ બુઝાવવા માટે અભ્યાસ અને સ્વીકાર કરતા હોય છે.
ફીલ બોસ્મન્સનું એક પુસ્તક છે- Give happyness a chace- સુખને એક અવસર તો આપો. સત્યને પામવા માટે, હું અહીં વિજ્ઞાનને એક અવસર આપવાની વાત કરું છું. સત્યને આવકારવા માટે તમારાં મનનાં કમાડ હંમેશાં ખુલ્લાં રાખજો. સત્યનો સ્વીકાર કરનારને હંમેશાં ફાયદો થાય છે. માનવજાતે જે કાંઈ પ્રગતિ કરી છે એ વિજ્ઞાન અને સત્યને આભારી છે.
બાકી તો, સત્યના પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન થયા જ કરે છે. આપણે જો એનો ઉપયોગ કરી શકીએ તો આપણાં દિલમાં દીવો થઈ શકે છે. અને જો ઉપયોગ ન કરી શકીએ તો આપણે અંધારામાં આથડતા રહીએ છીએ. જ્ઞાનની નદી તો વહેતી જ રહે છે, એ આપણી ઓશિયાળી નથી. જે એમાં ડૂબકી મારે છે એ સ્વચ્છ થાય છે કે જે એમાંથી પાણી પીએ છે એની તરસ છીપે છે.
અહીં એક વાત યાદ રાખવાની જરૂર છે. વિજ્ઞાનની માન્યતાઓ પણ બદલાયા કરે છે. એક વ્યક્તિ આજે જે સાબિત કરે છે તે વાત કાલે ખોટી પડી શકે છે. આપણે ધીરજપૂર્વક સત્યનો સ્વીકાર કરવો જોઈએ,આંખો બંધ ન કરી દેવી જોઈએ. આ જગતને બાળકના કુતૂહલથી જોતાં શીખવું જોઇએ