Wednesday, January 16, 2013

વૈભવી પેસેન્જર જહાજ 'ક્વીન એલિઝાબેથ-ર' અલંગમાં ભંગાશે!


ભાવનગર તા.૧૬
  • દુબઈથી જહાજની અંતિમ સફરને લઈને શરૂ થયેલી અનેક અટકળો
  • દરિયાઈ પરિવહનમાં ઐતિહાસિક સફર ખેડનારું
'ટાઈટેનિક' પેસેન્જર જહાજ તેની પહેલી અને અંતિમ સફરને લઈ ઈતિહાસનાં પાનાંમાં કંંડારાવાની સાથે આજે પણ દુનિયાભરમાં વિખ્યાત છે. દરિયાઈ પરિવહનક્ષેત્રે ચાલતાં હજારો જહાજોમાંથી આજે પણ કેટલાંક ગણ્યાગાંઠયા જહાજ આગવી ખાસિયત સાથે નામના ધરાવે છે, આવું જ એક ઐતિહાસિક જહાજ એટલે પેસેન્જર જહાજ ક્વીન એલિઝાબેથ-ર. સને-૧૯૬૭માં નિર્માણથી લઈ સાડા ચાર દાયકાની સમુદ્રી સફર બાદ હાલ આ જહાજની દુબઈથી અંતિમ સફરને લઈને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે. પેસેન્જર જહાજ ક્વીન એલિઝાબેથ-રની આખરી સફરના સમાચાર કવરેઝ કરવા દુનિયાભરના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પણ તલપાપડ બની રહ્યા છે. દુબઈસ્થિત જહાજના સત્તાવાળાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જહાજને ભારતમાં વેચવા માટે પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે ત્યારે જો બધુ સાંગોપાંગ ઊતરે તો આગામી નજીકના દિવસોમાં અલંગ જહાજવાડામાં ક્વીન એલિઝાબેથ-ર જહાજ ભંગાવા આવે તો નવાઈ નહીં. અલંગશિપ બ્રકિંગ ટ્રેડ સાથે સંકળાયેલા કેટલાક ઉદ્યોગપતિઓએ પણ જહાજને અલંગ લાવવા આંતરિક પ્રયત્નો શરૂ કરી દીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે, જો ક્વીન એલિઝાબેથ-ર અલંગ જહાજવાડામાં ભંગાણ માટે આવે તો વર્ષ-ર૦૦૬માં આવેલા પેસેન્જર જહાજ 'બ્લૂ લેડી' પછી બીજા નંબરના વૈભવી જહાજ તરીકે ઓળખાશે.
ઈંગ્લેન્ડના મહારાણી ક્વિન એલિઝાબેથ બીજાના નામ સાથે જોડાયેલા અને તેમના હસ્તે જ ર૦મી સપ્ટેમ્બર-૧૯૬૭માં ઉદ્દઘાટન કરી ખુલ્લા મૂકવામાં આવેલા ક્વિન એલિઝાબેથ-રનું નિર્માણ કાર્ય સ્કોટલેન્ડની જહોન બ્રાઉન એન્ડ કંપની દ્વારા હાથ ધરવામાં આવ્યુ હતુ. સને-૧૯૬૭થી પેસેન્જર જહાજ તરીકે કાર્યરત થયેલા ક્વિન એલિઝાબેથ-ર અત્યાર સુધીમાં ૮૦૦ વાર એટલાન્ટીક મહાસાગર પાર કરવાની સાથે ર.પ મિલિયનથી વધુ પેસેન્જરોની પરીવહન કરવાનો રેકોર્ડ પણ આ ઐતિહાસિક જહાજના નામે છે. સને-ર૦૦૮ સુધી ક્યુનાર્ડ લાઈન લી. કંપની દ્વારા પેસેન્જર જહાજ તરીકે ચલાવાયા બાદ ર૭મી નવેમ્બર-ર૦૦૮ દુબઈના એક ઉદ્યોગપતીએ ખરીદ્યુ હતુ.
પેસેન્જર જહાજ તરીકે ઉપયોગમાં લેવાવાની સાથે વર્ષ-ર૦૦૭માં લકઝરી ફલોટીંગ હોટલ તરીકે ઉપયોગમાં લેવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. જો કે કોઈ કારણોસર જે શક્ય ન બન્યુ ન હતુ. છેલ્લ વર્ષ-ર૦૧૧માં નવા વર્ષની ઉજવણીમાં ઉપયોગમાં લેવાયા બાદ દુબઈના સત્તાવાળાઓને જહાજનો નિભાવ ખર્ચ વધારે પડતો લાગતા લંડન પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો. લંડનના સત્તાવાળાઓએ પ્રસ્તાવ સ્વીકારી ૧૪ માસ માટે વિચારણાનો સમય માંગતા હાલ જહાજ તોડવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે. ક્વિન એલિઝાબેથ-ર જહાજના માલીકે જંગી રોકાણના નાણા પરત મેળવવા જહાજ ભંગાણાર્થે મોકલવાની તૈયારી કરી છે ત્યારે ચાઈના કે પછી ભારતમાં જહાજને ભાંગવામાં આવે તેવી સંભાવના છે.
 
ક્વીન એલિઝાબેથ-ર જહાજની પ્રોફાઈલ
*           જહાજનો પ્રકાર : પેસેન્જર જહાજ
*           જહાજનું લોન્ચીંગ : ર૦મી સપ્ટેમ્બર-૧૯૬૭
*           આઈએમઓ નંબર : ૬૭૨૫૪૧૮
*           જહાજની લંબાઈ : ૯૬૩ ફૂટ
*           જહાજની ઊંચાઈ : ૧૭૧ ફૂટ
*           જહાજમાં ડેકની સંખ્યા : ૧ર
*           જહાજમાં પેસેન્જરની
ક્ષમતા : ૧,૭૭૭
*           જહાજના ટનેજ : ૭૦,૩૨૭ જીટી