Monday, January 27, 2014

ભારતીય બંધારણ, વિશ્વનું સૌથી મોટું બંધારણ


Jan 25, 2014 02:34
૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે આપણા દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ભારત દેશ વાસ્તવમાં એક સાર્વભૌમ દેશ બન્યો, ત્યારથી જ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઊજવાય છે. ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું અને પરિવર્તનશીલ બંધારણ છે. ડો. ભીમરાવ આંબેડકરે બંધારણને ૮૦ હજાર શબ્દોની મદદથી ૩૯૫ કલમો, ૨૨ ખંડ અને ૮ અનુસૂચિમાં ઘડયું હતું. હાલ આ બંધારણમાં ૯૭ સંશોધન થયાં બાદ ૪૪૮ કલમો, ૨૪ ખંડ અને ૧૨ અનુસૂચિઓ છે. ૨૧૧ નિષ્ણાતો દ્વારા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસની મહેનત બાદ તારીખ ૨૬ નવેમ્બર,૧૯૪૯ના રોજ બંધારણનું ઘડતર પૂરું થયું અને ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યું.
ભારતીય બંધારણનો ઇતિહાસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ૧૯૩૫માં સૌ પ્રથમ વખત બંધારણ બનાવવાની માગણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણ બનાવવા માટે ૨૭ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સમિતિની રચના થઈ. આ સમિતિના અધ્યક્ષપદે ડો. આંબેડકર હતા, જ્યારે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી, કનૈયાલાલ મુનશી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ વગેરે આ સમિતિના સભ્યો હતા. આ સભામાં મહિલા સભ્યોના રૂપમાં સરોજિની નાયડુ અને શ્રીમતી હંસા મહેતા પણ હતાં. આ બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. આ બંધારણ હિન્દી અને ઇંગ્લિશ એમ બે ભાષામાં તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં કુલ ખર્ચ ૬૪ લાખ જેટલો થયો હતો. કોઈ પણ દેશના નાગરિક માટે તેનું બંધારણ ત્યાંના નાગરિકોને પોતાની રીતે જીવન જીવવાનો અને સમાજમાં રહેવાનો અધિકાર આપે છે.
લેખિત બંધારણની જરૂર કેમ?
ભારતમાં વિભિન્ન સંપ્રદાયના લોકો એકસાથે રહે છે. જેમની જ્ઞાતિ, ધર્મ, રીતિ-રિવાજ અને જીવન જીવવાનો તરીકો અલગ અલગ છે. આપણું બંધારણ આપણને તમામ મૌલિક અધિકાર, નૈતિકતા અને મૂળભૂત કર્તવ્યોનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે. દેશની કાનૂન વ્યવસ્થા અને દેશની અખંડિતતા તથા એકતાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે લેખિત સંવિધાનની જરૂર પડી હતી.
બંધારણ ધાર્મિક ગ્રંથની જેમ જ એક પવિત્ર ગ્રંથ છે. આ કોઈ અસ્પષ્ટતા, ખોટ અથવા જાદુઈ ફોર્મ્યુલા ઉપર આધારિત નથી. જો સંવિધાન લેખિત રૂપમાં ન હોત તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશમાં વહીવટી અરાજકતા ફેલાવી શકત. બંધારણ આપણી ન્યાયપ્રણાલી માટે એક શસ્ત્રની જેમ કામ કરે છે. તેમજ બંધારણ લોકોને એક સીમામાં રહીને એકભાવથી કામ કરવા માટે પ્રેરિત કરે છે. બંધારણ રાજ્યની જવાબદારી તથા નાગરિકોની ફરજનો સ્પષ્ટ ઉચ્ચાર કરે છે.
અન્ય બંધારણમાંથી લેવાયેલા પ્રેરણાદાયક તત્ત્વો
૧. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા - મૌલિક અધિકાર, ઉપરાષ્ટ્રપતિનું પદ, કાયદાનું સમાન રક્ષણ, સ્વતંત્ર ન્યાયપાલિકા, સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ, ન્યાયિક સમીક્ષા.
૨. આયર્લેન્ડ - નીતિ નિર્દેશક તત્ત્વ, રાજ્યસભામાં કળા, સમાજ, સેવા, વિજ્ઞાન, સાહિત્યના ૧૨ સભ્યોની નિમણૂક, કટોકટી સંબંધી જોગવાઈ.
૩. બ્રિટન - સંસદીય પ્રણાલી, સંસદીય વિશેષાધિકાર, કાયદાનું શાસન, અકલ નાગરિકતા, સંસદ તથા વિધાનસભા અને વિધાનસભા પરિષદની પ્રક્રિયા.
૪. ઓસ્ટ્રેલિયા - સંયુક્ત યાદી, કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે અધિકારોનો વિભાગ.
૫. કેનેડા - રાજ્યવ્યવસ્થા.
૬. દક્ષિણ આફ્રિકા - બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા.
૭. રૂસ - નાગરિકોની મૂળભૂત ફરજોની સ્થાપના.
૮. જાપાન - કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા.
૧૨ અનુસૂચિમાં શું છે?
પ્રથમ અનુસૂચિ - સંગઠનનું નામ તથા તેનું ક્ષેત્ર
બીજી અનુસૂચિ - રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશ જેવા પ્રમુખ પદાધિકારીઓ સંબંધી જોગવાઈ
ત્રીજી અનુસૂચિ - બંધારણીય પદ સંબંધી શપથ અને પ્રતિજ્ઞાની જોગવાઈ
ચોથી અનુસૂચિ - રાજ્યસભાનાં વિભિન્ન સ્થાનોની ફાળવણી
પાંચમી અનુસૂચિ - અનુસૂચિત જ્ઞાતિ, અનુસૂચિત જનજાતિનાં ક્ષેત્રોમાં સંચાલન અને નિયંત્રણ સંબંધી જોગવાઈ
છઠ્ઠી અનુસૂચિ - આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોના જનજાતિ વિસ્તારમાં સંચાલન સંબંધી જોગવાઈ
સાતમી અનુસૂચિ - વિભિન્ન સૂચિઓ - ૧. સંઘ સૂચી, ૨. રાજ્ય સૂચી, ૩. સંયુક્ત સૂચી
આઠમી અનુસૂચિ - ભારતની વિભિન્ન ભાષાઓ (૨૨ ભાષાઓ)
નવમી અનુસૂચિ - ચોક્કસ કાયદાઓ, નિયમો અને માન્યતાઓ અંગેની જોગવાઈ
દસમી અનુસૂચિ - પક્ષાંતર સંબંધી જોગવાઈ
અગિયારમી અનુસૂચિ- પંચાયતની સત્તા અને જવાબદારીઓ
બારમી અનુસૂચિ - નગરપાલિકાઓની સત્તા અને જવાબદારીઓ.