પેટાચૂંટણીઓનોરસપ્રદ ઇતિહાસ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો ઈતિહાસ જેટલો રોચક છે એટલો જ વિધાનસભાની પેટાચૂંટણીનો ઈતિહાસ રસપ્રદ છે. સામાન્ય ચૂંટણી બાદ વિધાયકોનાં રાજીનામાં, અવસાન કે અન્ય કોઈ કારણથી ખાલી પડતી બેઠક પર યોજાતી પેટાચૂંટણી પણ મતદારો અને ઉમેદવારો માટે આટલી મહત્ત્વની હોય છે. ગુજરાત રાજ્યની વર્ષ ૧૯૬૦માં સ્થાપના થઈ એ પૂર્વે દ્વિભાષી રાજ્ય મુંબઈ અને સૌરાષ્ટ્ર રાજ્યમાં રહેલા પ્રદેશો અને પ્રાંતોમાં ૬ વર્ષો દરમિયાન પેટાચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણીપંચ પાસે જે વિગતો ઉપલબ્ધ છે એ મુજબ જોઈએ તો ૧૯૫૨ના વર્ષમાં મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ અમદાવાદ સિટીની બેઠક પરથી સોમનાથ પ્રભાશંકરનાં રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
વર્ષ ૧૯૫૨માં સૌરાષ્ટ્ર રાજ્યમાં રહેલા સાયલા, ચોટીલા, જામનગર સિટી, જામનગર, મોરબી- માળિયા તથા તળાજા-દાઠા બેઠક પર બે વખત પેટાચૂંટણી યોજાઈ હતી. તળાજા-દાઠા બેઠક પરની પ્રથમ પેટાચૂંટણીમાં લાલુભાઈ મણિયાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સૌરાષ્ટ્ર સરકારમાં એ બાદ ૧૯૫૬માં ઉપલેટા અને ધ્રાંગધ્રા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. મુંબઈ રાજ્યની બેઠક લાઠી પર ૧૯૫૭ અને ભિલોડા ૧૯૫૮માં પેટાચૂંટણી યોજાઈ હતી. જ્યારે તળાજા બેઠક પર ફરી ૧૯૬૦માં પેટાચૂંટણી આવી હતી. ગુજરાત રાજ્યની રચના બાદ વર્ષ ૧૯૬૨માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ. એ બાદ પ્રથમ વખત ૧૯૬૪માં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી ચીખલી અને અમરેલી બેઠક માટે યોજાઈ હતી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી જીવરાજ મહેતાના રાજીનામા બાદ ખાલી પડેલી અમરેલી બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. એ બાદ ૧૯૭૦માં તત્કાલીન વિરોધપક્ષના નેતા ભાઈલાલભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલી સારસા બેઠક પર આ પ્રકારે ચૂંટણી થવા પામી હતી.
૧૯૭૫ની સામાન્ય ચૂંટણીમાં એક મહત્ત્વપૂર્ણ બનાવ બન્યો. વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડતા ગોવિંદભાઈ હરિભાઈ પટેલ નામના ઉમેદવારનું ચૂંટણી દરમિયાન જ મૃત્યું થયું હતું. એટલે, નિયમોનુસાર એ બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી હતી. બાદમાં ફરી ચૂંટણી યોજવામાં આવી હતી.
૧૯૭૮માં ખેડબ્રહ્મા, ૧૯૮૦માં રાજુલા, ઘોઘા, બરોડા, ૧૯૮૨માં લીમડી, જોડિયા, પાટડી અને ૧૯૮૪માં જેતપુરમાં તત્કાલીન ધારાસભ્ય શામજીભાઈના અવસાનથી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
૧૯૮૫માં સયાજીગંજ, ૧૯૮૭માં મોડાસા, ૧૯૮૮ પાબારી જમનાદાસ ગોકુલદાસના અવસાનથી ખાલી પડેલી દ્વારકા અને ભરતભાઈ નારાયણભાઈના મૃત્યુથી ખાલી પડેલી માળિયા, ૧૯૯૧માં જામનગર, અમરેલી, ગોધરા, બોરસદ અને વાગરામાં બાય ઈલેકશન થયું હતું. ૧૯૯૭માં સરખેજ, ૧૯૯૮માં ભરૂચ, ૧૯૯૯માં જેતપુર અને જોડિયા, ૨૦૦૦માં ચોટીલા, ભાદરણ અને શહેર કોટડા, ૨૦૦૧માં સાબરમતી, ૨૦૦૨માં મહુવા અને રાજકોટ-૨ તથા સયાજીગંજ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.
એ જ રીતે વર્ષ ૨૦૦૩માં સોનગઢ અને જમાલપુર ૨૦૦૪માં ભાણવડ, ખેડબ્રહ્મા, બોરસદ, વ્યારા અને ધરમપુર, ૨૦૦૯માં ચોટીલા, જસદણ, ધોરાજી, કોડીનાર, દહેગામ, સમી અને દાંતા ૨૦૧૦માં ચોટીલા અને કઠલાલ ૨૦૧૧માં ખાડિયા તથા ૨૦૧૨માં માણસા બેઠક પર ચૂંટણી યોજાઈ હોવાનું ચૂંટણી વિભાગ પાસે ઉપલબ્ધ વિગતો પરથી જ્ઞાત થાય છે. ગુજરાત રાજ્યના પ્રથમ વખત ૧૯૮૦ની સામાન્ય ચૂંટણી કુતિયાણા બેઠક પરથી મહંત વિજયદાસજી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.