મુંબઈ, તા. ૨૬
હાલમાં ૨૩ બેન્કોની સેવા બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્ક પર ઉપલબ્ધ છે
હવે મોબાઇલ ફોન પરથી *૯૯# નંબર ડાયલ કરવાથી બેન્કબેલેન્સ, નવી ચેકબુક, ફંડ ટ્રાન્સફર સહિતની બેન્કિંગ સુવિધાઓ આંગળીનાં ટેરવે પ્રાપ્ત કરી શકાશે. ગયા શનિવારે પૂણેમાં યોજાયેલી નેશનલ બેન્કિંગ કોન્ફરન્સમાં આ સેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ સરકારના આર્િથક સમાવેશી કાર્યક્રમ હેઠળ આ સેવાની શરૂઆત કરી હતી.
એનપીસીઆઇના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ એ. પી. હોતાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાની મોબાઇલ બેન્કિંગ સેવા શરૂ કરવા માટે એનપીસીઆઇ દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. હાલમાં આ પ્રકારની સેવા પ્રાપ્ત કરવા માટે સ્માર્ટફોનની જરૂર પડે છે, જોકે મોટાભાગના મોબાઇલ વપરાશકારો પાસે આવો ફોન જોવા મળતો નથી, આથી સામાન્ય મોબાઇલના ઉપયોગથી સમાજના મોટાભાગના વર્ગ સુધી બેન્કિંગસુવિધા પહોંચાડી શકાય તે માટે આ સેવાની શરૂઆત કરવામાં આવી છે.
હાલમાં ૨૩ બેન્કોની સેવા બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્ક પર ઉપલબ્ધ છે. એ. પી. હોતાએ કહ્યું હતું કે, કુલ ૧૪ મોબાઈલ ઓપરેટર્સ હોવાથી આ સેવાનો સંપૂર્ણ અમલ થતાં હજુ થોડી વાર લાગશે. આ સેવાની કામગીરી અંગે જાણકારી આપતાં એ. પી. હોતાએ જણાવ્યું હતું કે, જેવી રીતે લોકો ઇમરજન્સી નંબર્સ જેવા પોલીસ માટે ૧૦૦ અને આગ માટે ૧૦૧ નંબર ડાયલ કરે છે તેવી જ રીતે બેન્કિંગ માટે *૯૯# નંબર કામ કરે છે. એનપીસીઆઇને બેન્કિંગ માટે પણ આવા પ્રકારના સામાન્ય નંબરની જરૂર હતી. તમામ બેન્કોનાં ખાતાંની વિગતો મેળવવા માટે *૯૯# યુનિવર્સલ કોડ હશે. આ પ્રોજેક્ટની ત્રણ મહિના પહેલાં પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એનપીસીઆઇ હાલમાં ટેલિકોમ કંપનીને દરેક વ્યવહારદીઠ ૨૫ પૈસા ચૂકવી રહી છે.