નવી દિલ્હી, 7 એપ્રિલ
નાણામંત્રાલય ટૂંક સમયમાં માન્યતા આપે તેવી શક્યતા
યુનિક આઇડેન્ટિફિકેશન (યુઆઇડી) આધાર કાર્ડ નંબર હવે પાન કાર્ડ મેળવવા માટેના પુરાવામાં પણ માન્ય ગણાશે, પાન કાર્ડ મેળવવા માટે જે પુરાવા માન્ય રાખવામા આવ્યા છે તેમાં આધાર કાર્ડને પણ માન્યતા આપવા માટે યુઆઇડી ઓથોરિટીએ ભારતના નાણામંત્રાલયને પોતાની પ્રપોઝલ મોકલી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નાણામંત્રાલય આ પ્રપોઝ અંગે નિયમો ઘડશે. ટેક્સની ચૂકવણી માટે આઇટી વિભાગ દ્વારા અપાતા પાન કાર્ડ મેળવવામાં લોકો ખોટા પુરાવા પણ રજૂ કરતા હોય છે, જો આધાર કાર્ડને પાનકાર્ડના પુરાવામાં સમાવવામાં આવશે તો પાન કાર્ડ મેળવવામાં થતી ગેરરીતિઓને રોકી શકાશે. જો આધાર કાર્ડને માન્ય ગણવામા આવશે તો પાન કાર્ડમાં થતી ગેરરીતિઓને રોકવામાં આઇટી વિભાગને પણ મદદ મળશે.
નાણાવિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આધાર કાર્ડને માન્યતા આપવા માટે હાલ કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ માટે નિયમો જાહેર કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે હાલ આધાર કાર્ડ આપવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે, જો ખરેખર નાણામંત્રાલય પાન કાર્ડ માટે આધાર કાર્ડને માન્યતા આપશે તો પાન કાર્ડ માટે જે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે અન્ય પુરાવા માન્ય હતા તેમાં આધાર કાર્ડનો પણ સમાવેશ થઇ જશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ મંત્રાલયે પાન કાર્ડ મેળવવા માટેના ફોર્મ ૪૯એ ફોર્મ માન્ય રાખ્યું છે, જેમાં આધાર કાર્ડ નંબર દર્શાવવા માટે પણ એક સેક્સન આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં ડિસેમ્બર ૨૦૧૨ સુધીમાં ૧૬.૪૯ કરોડ પાન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે.