
કોલકાતા, 15 એપ્રિલ
૧,૬૦૦ રૃપિયાની કિંમતનું આ શર્ટ તમારો સેલફોન, ટેબ્લેટ, આઇપેડ ચાર્જ કરી શકશે
કોલકોતામાં એક વિજ્ઞાનીએ 'સોલર સમર શર્ટ'નો કોન્સેપ્ટ રજૂ કર્યો છે, જેમાં સોલર સેલ્સ અને પંખા લગાવવામાં આવ્યા હશે. આ શર્ટ પહેરતાં જ ગરમીમાં ઠંડકની અનુભૂતિ કરી શકાશે. ફોટોવોલ્ટિક સિસ્ટમ એન્જિનિયરિંગ અને ડિઝાઇનના સ્પેશિયાલિસ્ટ શાંતિપદા ગણચૌધરીએ કહ્યું છે કે, 'અમે એક એવી ટેક્નોલોજી વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેના દ્વારા શર્ટને ફાઇબર અથવા તેનાં પોકેટમાં સોલર સેલ લગાવી શકાય.'
બંગાળ એન્જિનિયરિંગ અને સાયન્સ યુનિર્વિસટીમાં ભણાવતા અને એશ્ડેન એવોર્ડથી સન્માનિત ગણચૌધરીએ આ અંગેની તેમની રિસર્ચ પ્રપોઝલને કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટને સોંપ્યું છે. સોલર શર્ટની કિંમત વિશે તેઓ કહે છે કે, આમ તો સામાન્ય શર્ટની કિંમત ૧,૦૦૦ રૃપિયા હોય છે, તો સોલર સેલ્સ ધરાવતા આ શર્ટની કિંમત લગભગ ૧,૬૦૦ રૃપિયા હશે.
૪૦૦ વોટ વીજઉત્પાદન થઈ શકે છે
ગણચૌધરી કહે છે કે, સોલર સેલ્સની મદદથી ૪૦૦ વોટ વીજળી પેદા કરી શકાય છે. શર્ટમાં એટલી ઊર્જા હશે કે તેનાથી સેલફોન, ટેબ્લેટ, આઇપેડ તથા અન્ય ડિજિટલ ડિવાઇસિસને ચાર્જ કરી શકાશે, જો કોઈ વ્યક્તિ ૫.૫ ફૂટ ઊંચાઈ ધરાવતી હશે તો તેનાં શરીરના પ્રત્યેક સ્ક્વેરફૂટ પર પડતાં સૂર્યનાં કિરણ સોલર સેલનાં માધ્યમથી ૪૦૦ વોટ ઊર્જા પેદા કરવા માટે પૂરતાં છે.
આવું હશે શર્ટ
શર્ટમાંના સોલર સેલ્સનો આકાર ૨.૫થી ત્રણ ઇંચ સુધીનો હશે. શર્ટમાં બે લેયર હશે, જેમાંથી એક લેયરમાં બેથી ચાર નાનકડા પંખા લગાવાયેલા હશે, જે સૌરઊર્જાથી સંચાલિત હશે. આ પંખાનો આકાર કમ્પ્યૂટરમાં હોય છે તેવા પંખાથી નાનો હશે.
કોઈ નકારાત્મક અસર નહિ
શર્ટથી માનવશરીર પર કોઈ પણ પ્રકારની આડઅસરની સંભાવનાનો ગણચૌધરીએ ઇનકાર કર્યો છે. તેઓ કહે છે કે, વિશ્વભરમાં સૌરઊર્જા ક્ષેત્રે વધુને વધુ રિસર્ચ થઈ રહ્યાં હોવાથી આ ઊર્જાની કિંમતમાં પણ ઘટાડો થશે.