કાનપુર, તા. ૧૦
ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ભેગા થઈ એક સાથે રાષ્ટ્રગીત ગાવાની હરીફાઈ ચાલી રહી છે, બંને દેશ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાષ્ટ્રગીત ગાવાનો એકબીજાનો રેકોર્ડ તોડી રહ્યા છે. રવિવારે કાનપુરમાં એક લાખથી વધુ લોકોએ રાષ્ટ્રગીત ગાઈને પાકિસ્તાને સ્થાપેલો રેકોર્ડ તોડયો હતો. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(જીડબ્લ્યુઆર)ના પ્રતિનિધિ પણ હાજર હતા, જેમણે એક લાખ લોકો હાજર હોવાની પુષ્ટિ કરી હતી.
કાનપુરમાં એક લાખથી વધુ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈ ગિનિસ બુકમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો
ગિનિસ બુકના અધિકારી રાજેશ મહેરાના જણાવ્યાનુસાર, ગિનિસ રેકોર્ડની ૧૪ સભ્યની ટીમ વીડિયો કેમેરા સાથે હાજર રહી હતી અને તેમણે જ આ સમગ્ર આયોજનનું રેર્કોિંડગ કર્યું છે. તેમણે કહ્યું છે કે, 'રાષ્ટ્રગીત ગાવા એક લાખ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડને એક અઠવાડિયામાં અમારો રિપોર્ટ સોંપી દઈશું અને ત્યાર પછી સત્તાવાર રીતે તેની જાહેરાત કરીશું.'
બીજી તરફ આયોજકોે કહે છે કે, 'એક લાખ ૨૫ હજારથી વધુ લોકો રાષ્ટ્રગીત ગાવા જોડાયાં હતાં તથા દરેક વ્યક્તિનાં કાંડા પર બેન્ડ બાંધવામાં આવ્યો હતો. અમે એક લાખના આંકડાને ધ્યાનમાં રાખ્યો હતો, પરંતુ સવા લાખ લોકો જમા થઈ ગયાં હતાં. રાષ્ટ્રગીત ગાયા બાદ નાસભાગ ન થાય તે માટે અમે કાર્યક્રમ જલદી સમેટી લીધો હતો.'
ગત ઓક્ટોબરમાં પાકિસ્તાને રેકોર્ડ તોડયો હતો
અગાઉ ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનના લાહોરસ્થિત નેશનલ હોકી સ્ટેડિયમમાં ૪૪,૨૦૦ લોકોએ એકત્રિત થઈને તેમનું રાષ્ટ્રગીત ગાયું હતું અને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. આ પહેલાં સૌથી વધુ સંખ્યામાં રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ ભારતનાં નામે હતો. ભારતમાં ચાલુ વર્ષની શરૃઆતમાં ૧૫,૨૪૩ લોકોએ 'જન ગણ મન...' ગાઈને રેકોર્ડ કર્યો હતો.
- માસ નેશનલ એન્થમમાં ભારત-પાકિસ્તાન
- પાકિસ્તાન : ૫,૮૦૦ લોકોેએ એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ કર્યો.
- ભારત : ૧૫,૨૪૩ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.
- પાકિસ્તાન : ૪૪,૨૦૦ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈ ભારતનો રેકોર્ડ તોડયો.
- ભારત : એક લાખ લોકોએ ભેગા મળી રાષ્ટ્રગીત ગાઈ પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.