Thursday, December 13, 2012

ફેબ્રુઆરી મહિનાથી સમગ્ર દેશમાં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવાનો અમલ



નવી દિલ્હી, ૧૩
હાલ માત્ર પોતાના સર્કલમાં જ નંબર પોર્ટેબિલિટીનો લાભ મળે છે
ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઇ જશે. આ સેવાનાં કારણે મોબાઇલ વપરાશકાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરશે તો પણ તેને પોતાનો મોબાઇલ નંબર બદલવો નહીં પડે. 'ઇન્ડિયા ટેલિકોમ ૨૦૧૨'ની બેઠકમાં સિબ્બલે જણાવ્યું હતું કે, નેશનલ ટેલિકોમ પોલિસીનું સમયસર અમલીકરણ થાય તે માટે દૂરસંચાર વિભાગે ડિસેમ્બર ૨૦૧૨થી ફેબ્રુઆરી ૨૦૧૩ સુધી આગામી ત્રણ માસ માટે વિસ્તૃત એજન્ડા તૈયાર કર્યો છે.
વધુમાં સિબ્બલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીમાં સ્પેક્ટ્રમ ફાળવણીને મંજૂરી અને તેની કિંમત, એકરૂપ લાઇસન્સ વ્યવસ્થા, સ્પેક્ટ્રમ વહેંચણી અંગેની માર્ગર્દિશકાને આખરી સ્વરૂપ, આર એન્ડ ડી માટે ભંડોળ ઊભું કરવું અને રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી જેવી અત્યંત મહત્ત્વની બાબતો અંગે કામગીરી શરૂ કરાશે.
હાલના તબક્કે મોબાઇલ વપરાશકાર નંબર પોર્ટેબિલિટી હેઠળ માત્ર તેના સર્કલની અંદર જ જુદા જુદા મોબાઇલ ઓપરેટર્સ પાસેથી પોતાનો નંબર જાળવી રાખીને સેવા પ્રાપ્ત કરી શકે છે, જોકે નેશનલ ટેલિકોમ પોલિસી ૨૦૧૨ હેઠળ સરકાર રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનો અમલ કરાશે. આ યોજના અંતર્ગત મોબાઇલ વપરાશકાર અલગ અલગ સર્કલમાં પણ પોતાનો મોબાઇલ નંબર જાળવી રાખીને પણ મોબાઇલ કંપનીઓની સેવા પ્રાપ્ત કરી શકશે. ભારતમાં આ પ્રકારનાં ૨૨ જુદાં જુદાં સર્કલ આવેલાં છે.