Sunday, March 10, 2013

બેન્કલોન નહિ ભરનાર લોકોના ફોટો હવે અખબારોમાં છપાશે



નવી દિલ્હી, તા. ૧૦
SBIએ ડિફોલ્ટર્સને ખુલ્લા પાડવાની પહેલ કરી
બેન્કો પાસેથી જંગી રકમની લોન લઈને તે પરત નહિ કરવાના કિસ્સા હમણા વધી રહ્યા છે ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આવા લોનડિફોલ્ટર્સને ખુલ્લા પાડવાની પહેલ કરવામાં આવી છે,જે લોકોએ બેન્કની લોન ભરવામાં ઠાગાઠૈયા કર્યા હશે તેમનાં નામ,સરનામાં અને ફોટો હવે અખબારોમાં પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેન્કો લોન લેનારાઓને નોટિસ બજાવે તે પછી ૧૫ દિવસમાં જો લોન પરત કરવાનાં પગલાં ન લેવાય તો તેવા કિસ્સામાં ગેરંટરનો ફોટો તેમજ નામ અને સરનામું અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જે લોકો જાણી જોઈને બેન્કલોન ચૂકવતા નથી તેવાં લોકોના ફોટો અને અન્ય વિગતો તેઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં પ્રસિદ્ધ કરવાનો કેટલીક બેન્કોએ નિર્ણય લીધો છે. સ્ટેટ બેન્કે નવી દિલ્હીમાં આવા પાંચ ડિફોલ્ટર્સના ફોટા અને વિગતો જાહેર કરી છે. લોન લેનારાઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં વધુ વંચાતાં અને વેચાતાં અખબારોમાં આવી વિગતો જાહેર કરાશે.
જેઓ પાસે પૂરતા પૈસા છે પણ જાણી જોઈને લોન પરત કરતા નથી કે હપ્તા ચૂકવતા નથી તેવાં લોકોને આરબીઆઈના નિયમો મુજબ લોન ચૂકવવામાં કસૂરવાર જાહેર કરવામાં આવે છે. રિઝર્વ બેન્ક દ્વારા આવા ડિફોલ્ટર્સ નક્કી કરવા અને તેમની વિગતો જાહેર કરવા માર્ગરેખાઓ જાહેર કરવામાં આવી હતી, જે લોકો રૂ. ૨૫ લાખથી વધુ લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા હોય તેવાં લોકોનાં નામ, સરનામાં અને ફોટો જાહેર કરવા બેન્કોને કહેવાયું હતું.