Sunday, March 3, 2013

ઓલ વિમેન બેંક નવેમ્બરમાં કાર્યરત થશે


નવી દિલ્હી, તા. ૩
  • શરૂઆતમાં દેશનાં મહત્વનાં ક્ષેત્રોમાં કુલ છ બ્રાન્ચ શરૂ કરાશે
  • માર્ચના અંત સુધીમાં બેંકની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ જશે
યુપીએ સરકાર દ્વારા બજેટસત્રમાં જાહેર કરાયેલી ઓલ વિમેન બેંક હકીકતમાં પરિણમશે તેવી શક્યતા પ્રબળ બની છે. નાણામંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું કે સરકાર દ્વારા નવેમ્બર મહિના સુધીમાં જ ઓલ વિમેન બેંક કાર્યરત કરી દેવામાં આવશે. શરૂઆતના તબક્કે દેશના મુખ્ય ક્ષેત્રોમાં એટલે કે ૬ ક્ષેત્રોમાં બ્રાન્ચ શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા કરાયેલી તૈયારી પ્રમાણે શરૂઆતના તબક્કે દેશના દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, મધ્ય, ઉત્તર અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં એક એક બ્રાન્ચ શરૂ કરી દેવાશે.
મહિલા બેંક ચાલુ કરવાનો પ્રસ્તાવ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા કરાયો હતો કે કેમ તે અંગે ચિદમ્બરમે જવાબ આપવાનું ટાળ્યું હતું, તેમ છતાં તેમણે જણાવ્યું કે જયપુર અધિવેશન દરમિયાન અમે મહિલાઓની અલાયદી બેંક અંગે વિચાર્યું હતું. આ અંગે સંપૂર્ણપણે મારા વિચારો અને ઉદ્દેશોને રજૂ કરાયા હતા, તેને સમર્થન મળતાં જ મારા દ્વારા આ વિચારને અમલમાં મૂકીને મહિલાઓ માટે નેશનલ બેંક બનાવવાની જાહેરાત કરવામાં આવી.
આ મહિનાના અંત સુધીમાં આ ક્ષેત્રના તમામ માંધાતાઓની મદદથી મહિલા બેંક અંગેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. હું આ બ્લૂપ્રિન્ટને શક્ય એટલી ઝડપથી તૈયાર કરાવીને મને મળે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યો છું. મને આશા છે કે માર્ચ મહિના સુધીમાં બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ જશે અને અમે તેના પર આગળ કામ કરવા લાગીશું. આ બેંક માટે અને પ્રારંભિક ૧,૦૦૦ કરોડનાં ફંડની પણ જોગાવાઈ કરી છે.