Monday, March 25, 2013

રાત્રે ઘુવડની જેમ જાગનારાં લોકો વધારે બુદ્ધિમાન હોય છે


લંડન, 25 માર્ચ 
જૂની કહેવત છે કે રાત્રે જલદી સૂઈ જઈને સવારે વહેલા ઊઠનારાં બાળકો વધારે બુદ્ધિમાન બને છે, પરંતુ તાજેતરમાં થયેલી એક શોધનાં પરિણામોએ આ કહેવતને નકારી દીધી છે. સંશોધન મુજબ,રાત્રીનાં ઘુવડોની જેમ જાગનારા યુવાનો બીજા યુવાનોની સરખામણીમાં વધારે બુદ્ધિમાન અને વધારે સમજદાર હોય છે.
યુનિર્વિસટી ઓફ મેડ્રિડ દ્વારા કિશોરો પર થયેલાં સંશોધનમાં જણાયું હતું કે રાત્રીના જાગીને કામ કરનાર અને સવારે મોડા ઊઠનારા કિશોરો વહેલા ઊઠનારા કિશોરોની સરખામણીએ વધારે બુદ્ધિમાન હતા. વૈજ્ઞાનિક પરિણામમાં જાણી શકાયું છે કે ઉચ્ચ પદ અને સારાં વેતનવાળી નોકરીઓમાં મોટાભાગનાં એવાં લોકો કામ કરે છે જેઓ રાત્રીના જાગવાવાળા હોય છે. ધી ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ સવારે વહેલા જાગનાર કિશોરોને સ્કૂલમાં માર્ક્સ તો સારા મળે છે પરંતુ તેમના વિચાર મૌલિક હોતા નથી.
આ સંશોધન હેઠળ, લગભગ એક હજાર કરતાં વધારે કિશોરોએ ભાગ લીધો હતો. સવારે જલદી વહેલા ઊઠનારા અને રાત્રીનાં ઘુવડની જેમ જાગનારા વિદ્યાર્થીઓની સ્કૂલમાં રજૂઆત, મહત્ત્વપૂર્ણ વિષયોમાં શૈક્ષણિક યોગ્યતાનું મૂલ્યાંન કરવામાં આવ્યું હતું. સંશોધનકારોને જણાયું કે ચારમાંથી માત્ર એક વિદ્યાર્થી વહેલો ઊઠતો હતો, જ્યારે ૩૨ ટકા વિદ્યાર્થીઓ રાત્રીના જાગનારા વિદ્યાર્થી હતા જ્યારે બાકીના વિદ્યાર્થી આ બેમાંથી કોઈ પણ શ્રેણીમાં આવતા ન હતા. સંશોધન મુજબ, રાત્રીના જાગનારાઓનું સામાન્ય જ્ઞાન વધારે સારું હોવાનો અર્થ થાય છે કે તેની પાસે મૌલિક વિચાર છે, આથી તે ઉચ્ચ પદ અને ઊંચા પગારવાળી નોકરીઓ હાંસલ કરી શકે છે.