Tuesday, January 24, 2012

માર્ટિન લ્યુથર કિંગ : આ અમેરિકન ગાંધીનો હત્યારો પકડાયો ખરો પણ શું એ સાચો હત્યારો હતો? (ટોપ ટેન)


TOP 10 - રશ્મિન શાહ
ગોરા અને કાળાના મતભેદને દૂર કરવા માટે સૌથી વધુ ચળવળ ચલાવનારા અને અમેરિકામાંથી રંગભેદનીતિ દૂર કરવા માટે લડનારા માર્ટિન લ્યુથર કિંગ જૂનિયરને કારણે માત્ર નિગ્રો જ નહીં, આજે ઇન્ડિયન પણ અમેરિકામાં શાંતિથી જીવી શકે છે 
એક સમયે અમેરિકામાં ગોરા-કાળાનો એટલે કે રંગભેદનો ભેદભાવ તીવ્રપણે રાખવામાં આવતો હતો. આ ભેદભાવને દૂર કરવાનું કામ ડો. માર્ટિન લ્યુથર કિંગે કર્યું હતું. સ્વાભાવિક રીતે તેમની કામગીરીથી કેટલાક ધોળિયા રાજકારણીઓના પેટમાં તેલ રેડાતું હતું. સત્યવચન અને સ્પષ્ટવક્તા હોવાને કારણે જ અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગનું વજન વધી રહ્યું હતું અને મોટાભાગના અમેરિકન તેમને અમેરિકાના મહાત્મા ગાંધી તરીકે ઓળખવા લાગ્યા હતા. પણ, જેમ દરેક ગાંધીની જિંદગીમાં એક ગોડસે હોય છે એવી જ રીતે આ અમેરિકન ગાંધીની લાઈફમાં પણ એક ગોડસે લખાઈ ચૂક્યો હતો. એનું નામ જેમ્સ અર્લ રે. જેમ્સ રેએ ૪થી એપ્રિલ, ૧૯૬૮ની સાંજે છ વાગ્યે માર્ટિન લ્યુથર કિંગની હત્યા કરી. અલબત્ત, આ હત્યાનો ગુનો તેણે મરતાં સુધી ક્યારેય સ્વીકાર્યો નહીં અને જો જેમ્સ સાચું બોલતો હોય તો અમેરિકી ગવર્ન્મેન્ટ ક્યારેય એના આ ગાંધીનો સાચો હત્યારો પકડી શકી નહીં.
આ એ દિવસોની વાત છે જ્યારે અમેરિકાના મેમ્ફિસ શહેરમાં રહેતાં કાળા સફાઈ કામદારો હડતાલ પર ઊતરી ગયા હતા. તેમની માંગણી હતી કે તેમને ચૂકવવામાં આવતાં વેતનમાં રંગભેદ નીતિ અપનાવવામાં આવી રહી છે. લગભગ એક મહિનાથી સફાઈ બંધ હતી અને એ સફાઈ બંધ કરાવનાર નિગ્રો હતા એટલે ૩જી એપ્રિલે માર્ટિન મેમ્ફિસ ગયા અને ત્યાં તેમણે ચોવીસ કલાકમાં કામ પર પાછા ફરવાની બધાંને વિનંતી કરતાં કહ્યું પણ ખરું કે, “આપણો વિરોધ નીતિનો હોવો જોઈએ, કામનો નહીં. આવતી કાલથી બધાં કામ શરૂ કરીશું અને શહેરના રોડ, રસ્તા, ગાર્ડન, સરકારી ઓફિસ જેવી સાર્વજનિક જગ્યાઓની સફાઈ શરૂ કરો પણ વિરોધના ભાગરૂપે અંગ્રેજોની અંગત માલિકીની જગ્યા સાફ નહીં કરતા.”
અમેરિકાના ગાંધીની હત્યા
૪થી એપ્રિલની સવારે માર્ટિન ફલાઈટમાં વોશિંગ્ટન જવાના હતા પણ માર્ટિનના પ્લેનમાં બોમ્બ હોવાની આશંકાના આધારે એ પ્લેન રદ કરવામાં આવ્યું એટલે માર્ટિન બાય-રોડ વોશિંગ્ટન જવા માટે રવાના થયા. સવારે સાડા નવ વાગ્યાથી છેક સાંજે પાંચ વાગ્યા સુધી ડ્રાઈવરે સતત ડ્રાઈવિંગ કર્યું હોવાથી માર્ટિન મેમ્ફિસ હાઈવે પર આવેલી પોતાની ફેવરિટ લોરેન મોટેલમાં રોકાયા. આ મોટેલનો ૩૦૬ નંબરનો રૂમ માર્ટિનનો ફેવરિટ રૂમ હતો. આ જ કારણે મોટેલના માલિકે પણ આ રૂમને ‘કિંગ્સ રૂમ’ નામ આપ્યું હતું. સાડા પાંચ વાગ્યે માર્ટિન રૂમની ગેલેરીમાં આવ્યા અને વોશિંગ્ટનની સવારની સ્પીચની તૈયારીમાં લાગ્યા. એક્ઝેક્ટ ૬.૦૧ મિનિટે માર્ટિન જ્યારે પોતાના બીજા માળના રૂમની ગેલેરીમાં ઊભા હતા ત્યારે તેના પર હુમલો થયો. માર્ટિનના લમણાને બદલે ગોળી માર્ટિનના ગાલમાં લાગી,સામાન્ય રીતે આવો હુમલો થયો હોય તો માણસ બચી જાય પણ એ દિવસ માર્ટિનના નસીબ હોય એમ બૂલેટ જાણે માર્ટિનના બોડીના પ્રવાસે નીકળી હોય એમ ગાલમાંથી દાખલ થયેલી બૂલેટ જડબામાં થઈને ખભામાં દાખલ થઈ અને ત્યાંથી કરોડરજ્જુના ચાર મણકા તોડીને શરીરને લોહી મોકલવાનું કામ કરતી ધોરી નસમાં ખૂંપી ગઈ. ધોરી નસ કપાઈ જવાથી માર્ટિનના હાર્ટને લોહીની સપ્લાય મળતી બંધ થઈ અને તે ગેલેરીમાં જ ધરાશાયી થઈ ગયા.
હત્યારો પકડાયો
માર્ટિનની હત્યાના ન્યૂઝ જેવા ફેલાયા કે અમેરિકાભરમાં તોફાનો શરૂ થઈ ગયાં હતાં. આ તોફાનોને અટકાવવાની સાથે પોલીસે માર્ટિનના હત્યારાની પણ એરેસ્ટ કરવાની હતી. માર્ટિનના રૂમની સામેના ભાગમાં આવેલા રૂમમાંથી તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે મોટેલનું રજિસ્ટર ચેક કર્યું ત્યારે ખબર પડી કે માર્ટિનની હત્યાની પાંચ જ મિનિટ પછી જેમ્સ અર્લ રે નામનો શખ્સ રૂમનું રેન્ટ ચૂકવ્યા વિના ભાગી ગયો છે. જેમ્સની તપાસ શરૂ કરવામાં આવી. જેમ્સ ઓલરેડી મેમ્ફિસ પોલીસના રેકર્ડ પર હતો. અગાઉ તેણે ૩૨ ઘરોમાં ચોરી અને ૮ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લૂંટ કરી હતી. પોલીસ તપાસમાં એ પણ ખૂલ્યું કે મર્ડરના બે જ દિવસ પહેલાં જેમ્સે પોતાની વાઈફના નામે એ જ ૩૦ બોરની બાયનોક્યુલર સાથેની રાઈફલ ખરીદી હતી. આ રાઈફલની ગોળી માર્ટિનને મારવામાં આવી હતી. જેમ્સને શોધવાનું કામ શરૂ થયું. અઢી મહિના પછી જેમ્સને લંડનના હિથ્રો એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો. જેવો એફબીઆઈએ જેમ્સ રેની એરેસ્ટ કરી કે તરત જ તેણે કોઈ પણ જાતની દલીલ વિના ગુનો કબૂલી લીધો, પણ રેએ કોર્ટમાં જ્યૂરી સમક્ષ સ્ટેટમેન્ટ ચેન્જ કરીને કહ્યું કે મારના ડરથી તેણે આ ગુનો કબૂલ કર્યો છે, બાકી તે નિર્દોષ છે. કિંગ અને જેમ્સ રેને આમ જોઈએ તો કોઈ સીધો વિખવાદ નહોતો એટલે જ્યૂરી પણ રેની વાત સાથે આંશિક સહમત હતી. આ જ કારણે જ્યૂરીએ રેને મોતની સજાને બદલે ૯૯ વર્ષની જેલની સજા ફટકારી. આ સજા ફટકારવાની સાથે જ્યૂરીએ નોંધ કરી હતી કે જેમ્સ રેની પાછળ કોઈ વ્યક્તિ કે સંગઠન છે, જેના કહેવાથી રેએ આ હત્યા કરી છે. શરૂઆતનાં વર્ષોમાં એફબીઆઈએ રેની પૂછપરછ ચાલુ રાખી હતી પણ પછી એ તપાસને પડતી મૂકી દેવામાં આવી, જેને કારણે માર્ટિનની હત્યાનો પ્લાન બનાવનારી વ્યક્તિ કે સંગઠન ક્યારેય ખુલ્લાં પડયાં જ નહીં. એવી ધારણા મૂકવામાં આવે છે કે માર્ટિન લ્યુથર કિંગની હત્યામાં અમેરિકાની પોલિટિક્લ પાર્ટીનો નહીં પણ અમેરિકાના શ્વેત યુવાનોનો હાથ હતો, નિગ્રોને સમાન હક મળતો જોઈને તેમને ઇર્ષ્યા થવા લાગી હતી અને પોતાનો હક મરી રહ્યો છે એવો ભાવ તેના મનમાં આવી જતાં યુવા સંગઠનોએ એકઠાં મળીને પોતાના પોકેટ મનીમાંથી માર્ટિનની સોપારી આપી હતી અને મર્ડર કરાવ્યું હતું. જોકે આ ધારણા માટે ક્યારેય કોઈ પુરાવા મળ્યા નથી.
જેમ્સ રેની સજા પૂરી થાય કે એફબીઆઈ એની વધુ ઈન્ક્વાયરી કરે એ પહેલાં ૨૩મી એપ્રિલ, ૧૯૮૮માં જેલમાં એનું મોતથયું. મરતાં પહેલાં પણ તેણે પોતાની બેરેકના સાથીઓને કહ્યું હતું કે માર્ટિનના મર્ડરમાં એનો કોઈ હાથ નથી.
ટાઈમલાઈન
* ૧૫મી જાન્યુઆરી, ૧૯૨૯ના રોજ એટલાન્ટા, જ્યોર્જિયામાં જન્મ.
* એપ્રિલ, ૧૯૪૫માં માત્ર સત્તર વર્ષની ઉંમરે પહેલી વખત રંગભેદ નીતિની આલોચના કરી અને જ્યોર્જ વોશ્ગિંટનના સ્ટેચ્યુ સામે ઉપવાસ આંદોલન કર્યું.
* ૧૮ જૂન, ૧૯૫૩ના રોજ કોરેટ્ટા સ્કોટ સાથે લગ્ન કર્યાં.
* ૧૭મી ફેબ્રુઆરી, ૧૯૫૫માં માંટગોમારી શહેરમાં ડેક્સટર એવન્યુ ચર્ચમાં પ્રવચન આપીને અમેરિકી કાયદાઓમાં રહેલી રંગભેદ નીતિનો ખુલ્લો વિરોધ કર્યો. આ આંદોલન ૩૮૧ દિવસ ચાલ્યું, જેના પછી બસમાં બધાંની માટે સમાન સીટ કરવામાં આવી.
* ૫ જૂન, ૧૯૫૫માં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી.
* ૨૨મી એપ્રિલ, ૧૯૫૮ના દિવસથી તેમણે તમામ કાયદામાં નિગ્રો લોકોનો સમાન હક માંગ્યો.
* ૭મી માર્ચ, ૧૯૬૩માં ‘માર્ચ ઓન વોશિગ્ટન’ રેલીને કરીને તેમણે કાળા લોકોને આઝાદી અને તમામ કાળાઓને નોકરી માટે માંગ કરી. આ રેલીમાં પોણા બે લાખ નિગ્રો જોડાયા.
* ૧૯૬૪માં તેમને શાંતિ માટે નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું.
* ૪થી એપ્રિલ, ૧૯૬૮ની સાંજે હત્યા કરવામાં આવી.
અમેરિકન ગાંધીનાં અવતરણો
* જ્યાં પ્રગાઢ પ્રેમ નથી હોતો ત્યાં અથાગ દુઃખ પણ ક્યારેય નથી હોતું
* સત્યના માર્ગે ચાલવા માટે પહેલાં પગથિયાંની જરૂર હોય છે, આખી સીડીની નહીં. આ રસ્તે ચાલનારાએ જાતે જ પોતાની સીડી બનાવવાની હોય છે.
* જે કાર્યમાં તકલીફ પડે કે મુશ્કેલી આવે એ કાર્ય જ વિકાસની દિશામાં આગળ લઈ જાય છે.
* તોફાનોનો અવાજ એ અગાઉ ન સાંભળેલી વિનંતીના અવાજનો પડઘો હોય છે.
* કોઇને તરછોડવું કે કોઈની અવગણના કરવી એ આ પૃથ્વીની સૌથી મોટી સજા છે. આવી સજા ફટકારવાનો હક તો ઈશ્વરના હાથમાં પણ નથી.
* અન્યાયની ભાષા હંમેશાં કાયર બોલે.
* માફ કરવાનો ગુણ ક્યારેક નહીં, હંમેશાં દેખાવો જોઈએ, કારણ કે એ ગુણ થકી જ ઈશ્વરની પ્રાપ્તિ થતી હોય છે.
* જો હિંસાથી સુખ મેળવી શકાતું હોય તો આજે આ જગતમાં કોઈ જીવતું ન હોત. હિંસા સુખ આપનારું સત્ત્વ નથી, એ તો સુખ હણનારું તત્ત્વ છે.