કવર સ્ટોરી - માનસી પટેલ
ફેબ્રુઆરી અને માર્ચ, બે મહિના, બમણો સ્ટ્રેસ
ફેબ્રુઆરી અને માર્ચ, આ બે મહિનાઓ દરમિયાન બાળકોની પરીક્ષાના આયોજન અને માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને પેદા થતી ફાઇનાન્શિયલ કટોકટીના ભારણથી મહિલાઓનો તણાવ વધતો હોય છે. બમણો સ્ટ્રેસ લઈને આવતા આ બે મહિનામાં મહિલાઓ કઈ રીતે તાણના ત્રાસવાદને નાથી શકે અને કૂલ રહી શકે, એ જોઈએ...
કાલથી ફ્રેબુઆરી મહિનો શરૂ થશે. છોકરાંવની બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે. સ્વાભાવિક રીતે જ તેનું ટેન્શન મમ્મીઓને રહેવાનું, માર્ચમાં એક બાજુ પરીક્ષાઓ હશે અને ઉપરથી યર એન્ડિંગ. ફ્રેબુઆરી અને માર્ચ મહિનો ગૃહિણી હોય કે ર્વિંકગ વુમન બંનેને બહુ અઘરો અને આકરો લાગતો હોય છે. કુલ મિલાકર કહે તો મહિલા જગતે ફ્રેબુઆરી-માર્ચ મહિના દરમિયાન અતિશય તાણમાંથી પસાર થવું પડશે!
ખરેખર મહિલા મોરચા માટે આ બે મહિના ભારે કટોકટીભર્યા રહેતા હોય છે. તેનું કારણ? અરે, સ્ત્રીઓને આ મહિનાઓ દરમિયાન તાણગ્રસ્ત કરતાં એક નહીં ઘણાં કારણો છે તેમાંનું કારણ નંબર એક.
ગૃહિણીઓને તાણગ્રસ્ત કરતાં ઘણાં બધાં કારણોમાંનું એક અને મુખ્ય કારણ છે બાળકોની પરીક્ષા. પછી ભલેને તેમના ચિન્ટુ,પિન્ટુ નર્સરીની પરીક્ષા આપવાના હોય કે બોર્ડની એક્ઝામ આપવાના હોય! આ બંને વીઆઇપી પરીક્ષાર્થીની મમ્મીઓ હંમેશાં હાઈ એલર્ટની સ્થિતિમાં જ રહેતી હોય છે. આ સમય દરમિયાન સ્ત્રીઓને બાળકોની પરીક્ષાનું ટેન્શન, બાળકોના ખાવા-પીવાના ટાઇમિંગ સાચવવાથી માંડીને બાળકોની સ્કૂલ અને ક્લાસીસના ટાઇમિંગ સાચવવાના
હોય છે. વળી બાળકોને અભ્યાસ કરવાનો હોય એટલે મમ્મીઓએ પોતાની ફેવરિટ ટીવી સિરિયલ જોવાનો પણ ત્યાગ કરવો પડે. જો મમ્મી સહેજ પણ ટીવીની સ્વિચ ઓન કરવા તરફ વળે તો, બાળકો પણ હમ ભી કમ નહી કહેતાં લાઇન લગાવીને ગેઇમ રમવા કે ફેવરિટ ટીવી શો જોવા ટાંપીને બેસી જ જતાં હોય છે. જેવું મમ્મીએ ટીવી ચાલુ કર્યું નથી કે બાળકો ટીવી સામે ગોઠવાઈ ગયાં નથી. એટલે મમ્મી અને બાળકોના કકળાટથી તંગ આવીને પપ્પા એન્ડ કંપની ગુસ્સે થઈને કેબલ કનેક્શન કઢાવીને નાદારી નોંધાવી દે છે! ‘ન રહેગા બાંસ ન બજે બાંસુરી’ સિમ્પલ.અત્યારે ઘણાં ઘરોમાં આ જ ક્ન્ડિશન હશે એની સો ટકા ગેરંટી.
સ્ત્રીઓને તણાવ થઈ જવાનું બીજું કારણ એ કે ફ્રેબુઆરી એન્ડિંગમાં બજેટ આવશે. ઓલરેડી મોંઘવારીએ માઝા મૂકી છે તેવી પરિસ્થિતિમાં હવે ક્યાં ક્યાં કાપ મૂકવો પડશે? એ બાબતનું ટેન્સન જ ત્રાહિમામ્ પોકારાવી દેતું હોય છે.
જ્યારે માર્ચ મહિનો આવશે એટલે પતિદેવો માર્ચ એન્ડિંગના કામમાં વ્યસ્ત થઈ જાય છે. કોઈ પણ કામ કરવાનું કહેશો તો પણ સ્ટાન્ડર્ડ જવાબ આપી દેશે કે મારે માર્ચએન્ડિંગનું કામ ચાલે છે હમણાં સમય નથી ને ટ્રેજેડી એવી હોય કે બરાબર આ જ સમયે બાળકોની પરીક્ષા માથા પર ગાજતી હોય છે.
ર્વિંકગ વૂમનની પરિસ્થિતિ તો ઔર કપરી થવાની, બાળકોની પરીક્ષા, બજેટ, માર્ચ એન્ડિંગનાં કામ, પૈસાની વ્યવસ્થા કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય. ઘણી વાર તો ર્વિંકગ વૂમન પોતાની તથા પતિની બધી જ ફાયનાન્શિયલ બાબતો સંભાળતી હોવાથી સઘળી જવાબદારી તેની ઉપર આવી જતી હોય છે. બધી બાજુએથી જવાબદારીઓની ભીંસ વધી જાય છે. એના પરિણામે સ્ત્રીનું અતિશય તણાવગ્રસ્ત થઈ જવું એકદમ સહજ છે.
દર વર્ષે આ બે મહિના મહિલાઓ માટે માથાનો દુખાવો બની જતા હોય છે, કારણ કે મોટા ભાગે જાન્યુઆરી મહિનો નવા વર્ષની તાજગીમાં લગ્ન પ્રસંગમાં કે તહેવારમાં સરળતાથી ક્યાંય પસાર થઈ જાય છે, પરંતુ જેમ જેમ ફેબ્રુઆરી મહિનો આવે તેમ તેમ બાળકોની પરીક્ષાનું ટેન્શન, ફાયનાન્શિયલ બાબતોને સંભાળવાની જવાબદારી વધતી જાય છે. તેમાંય જ્યારે મોટા ભાગની જવાબદારી એકલા હાથે સંભાળવાની હોય ત્યારે સ્ત્રીઓ કામના ભારણ અને આયોજનના અભાવે નાસીપાસ થઈ જતી હોય છે. તેના લીધે માનસિક નુકસાન સ્ત્રીએ જ ઉઠાવવું પડે છે. આવી પરિસ્થિતિ ટાળવા તમે આ મહિનાઓ દરમિયાન પારિવારિક, સામાજિક તથા આર્થિક બાબતોનું આયોજન તણાવ વિના એ રીતે કરો કે જેથી કરીને તમારે તણાવ તથા ઉચાટનો સામનો ન કરવો પડે. અથવા તો કંઇક અંશે તમારો તણાવ ઓછો થઈ શકે તેવું આયોજન તો કરવું જ જોઈએ. શક્ય હોય તો તમે કાઉન્સેલિંગ કરાવી શકો. અથવા તો સાઇકિયાટ્રિસ્ટની મદદ પણ લઈ શકો. અને હા, એક બાબત ચોક્કસપણે યાદ રાખવી. ઉચાટભર્યા જીવે કામ કરશો તો કામ બેવડાઈ જશે. તેના બદલે સ્વસ્થ ચિત્તે કામનું આયોજન કરી તણાવમુક્ત બનો.
અકળાવ નહીં, આયોજન કરો
સ્ત્રીઓને બાળકોથી માંડીને ઘરના મોટેરાંઓ જોડે કામ પાર પાડવાનાં હોય છે. હવે આ બધાં કામમાં જ્યારે મુશ્કેલીઓ ઊભી થવા લાગે, કોઈ તેની મદદમાં ન હોય ત્યારે અકળાઈ જવું. તણાવગ્રસ્ત થઈને ચીડાઈ જવું કે ગુસ્સે થવું એ ખૂબ સ્વાભાવિક પ્રત્યાઘાત હોય છે. સ્ત્રીઓનો સ્વભાવ કામ વ્યવસ્થિત રીતે પૂરું કરવાનો હોય છે અને જ્યારે બધાં જ કામ તથા ઘરનું શિડયૂલ અસ્તવ્યસ્ત થઈ જાય ત્યારે તે કામ ન પતવાની ચિંતા કરીને તણાવ હેઠળ આવી જતી હોય છે. આવી સ્થિતિમાં સ્ત્રીઓએ સ્ટ્રેટ મેનેજમેન્ટ અપનાવવું જરૂરી બની જાય છે. કેટલીક ટ્રીક્સ રૂટિન લાઇફમાં અપનાવવી ખૂબ સરળ છે.
- સવારે અથવા સાંજે ટીવી જોવાને બદલે એકાદ કલાક એવો રાખો, જ્યારે તમે અને તમારાં બાળકો યોગ, વોકિંગ કે ડાન્સ જેવી પ્રવૃત્તિમાં અડધો કલાક આપી શકો. જ્યારે બીજા અડધા કલાક દરમિયાન તમે શાકભાજી સમારવા કે ઘરનાં અન્ય કામ બાળકો સાથે તેના અભ્યાસને લગતી વાત કરતાં કરતાં કરી શકો.
- સતત તેને વાંચવા માટે કે અભ્યાસ કરવા માટે ટોર્ચર ન કરવાને બદલે બાળકનું પરીક્ષાલક્ષી હેલ્ધી શિડયૂલ ગોઠવી આપો.
- જો તમારું બાળક નાનું હોય તો તમારું કામ બગાડીને સતત તેને ભણવા બેસાડી ન રાખશો. નાનું બાળક અડધો કલાક કે કલાક સરખું ભણ્યું હોય તો તેને ૧૫- ૨૦ મિનિટ માટે ફ્રી કરી દેવું. તમે તેને પકડીને બેસી રહેશો તો તે બે ત્રણ કલાક સળંગ નહીં ભણે. અને તમે બંને કંટાળી જશો.
- તમારા કામ પતાવવા માટે સતત ઘાંટાઘાંટ ન કરો, આમ કરવાથી માથું દુખ્યા કરશે અને મગજ શાંત નહી રહેવાથી સતત ઉચાટ રહ્યા કરશે.
- બાળકની પરીક્ષાને લગતી બિનજરૂરી ચિંતા કરવાને બદલે તેનું હેલ્ધી શિડયૂલ ગોઠવાય તે તરફ ધ્યાન આપો.
ર્વિંકગ મધર ન થાય નાસીપાસ
- ર્વિંકગ મધરે ઘરે જઈને તરત જ બાળકોની ઉલટતપાસ કરવાનું ટાળવું જોઈએ કે કેટલું વાંચ્યું? ક્લાસીસ અટેન્ડ કર્યા હતા કે નહીં? પરીક્ષા લેવાઇ હતી તો શું રિઝલ્ટ આવ્યું વગેરે.
- ર્વિંકગ મધર ટયુશન ક્લાસીસના ટીચર સાથે સંપર્ક કરી, બાળકોનો પ્રોગેસ જાણી વિના કારણના ઉચાટથી મુક્ત રહી શકે છે.
- શક્ય હોય તો માતાપિતાએ સમજીને રજાનું એવું આયોજન કરવું જોઈએ જેથી બાળકની પરીક્ષાના ટેન્શનથી માતાને રાહત રહેશે.
આર્થિક ધુરાની જવાબદારી સુપેરે નિભાવો
સ્ત્રીને ઘરની નાણામંત્રી કહેવાય છે, કારણ કે ઘરમાં નાણાકીય કટોકટી હોય કે પ્રમાણસર આવક હોય તો પણ સ્ત્રી પોતાની આવડતથી ઘર ચલાવી જાણે છે. આ મહિનાઓ દરમિયાન જ નાણાકીય આયોજન કરવાનાં હોય છે. આ સમય દુકાળમાં અધિક માસ જેવો હોય છે, માટે સમજીને નાણાનું પ્લાનિંગ કરવું.
જાન્યુઆરીથી મે સુધીના સમયે પ્રમાણમાં તહેવારના અને સામાજિક ખર્ચા ઓછા હોય છે જૂન -જુલાઇથી બાળકોની ફી વગેરેની વ્યવસ્થા કરવાની હોવાથી નાણાંનું રોકાણ એ જ પ્રમાણે કરવું જોઈએ.
બાળકો માટે એજ્યુકેશન લોન લેવી અને તેમને તેનાથી માહિતગાર કરવા. જેથી તેમને એ બાબતની ગંભીરતા સમજાય.
બર્થ ડે અથવા તો અન્ય કોઈ પણ ઉજવણી, બહારની ખાણીપીણી, કપડાં માટે જરૂર ન હોય તો ગજા ઉપરાંત ખર્ચ ન કરવો.
એસઆઇપી (સિસ્ટેમેટિક ઇનવેસ્ટમેન્ટ પ્લાનમાં)નાણાં રોકવાં જોઈએ.