Wednesday, December 28, 2011

વર્કોહોલિક હોવું એટલે શું? & મિટિંગ માટે હંમેશાં રેડી રહો & યુનિવર્સિટી ઓફ મિશિગન એન આર્બર


વર્કોહોલિક હોવું એટલે શું?



Cover Story - Khushali Dave
નવા નવા પડકારોને ઝીલતાં જે હંમેશાં પોતાની ક્ષમતાને સાચી દિશામાં વાપરીને સફળ પરિણામ મેળવવા માટે કાર્યરત રહે તેને કહેવાય વર્કોહોલિક. વર્કોહોલિક કહેવડાવવું જરા પણ અઘરું નથીપણ વર્કોહોલિક હોવું એકચ્યુઅલી લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે...
વિદ્યાર્થીઓ માટે કદાચ ઓછો પણ પ્રોફેશનલિઝમમાં હાલમાં ઘણો પ્રચલિત શબ્દ છે, વર્કોહોલિક. વર્કોહોલિક હોવાનું છોગું પોતાના માથે લટકે તેને કોઈ પણ વિદ્યાર્થી કે પ્રોફેશનલ વ્યક્તિ ગૌરવ સમાન પણ માને છે. અલબત્ત, આવા વર્કોહોલિક્ની નાતમાં કોનો સમાવેશ કરવો એ ઘણું અઘરું છે,કારણ કે આઠ કલાક એક્શનમાં રહેતા, પણ ચોવીસ કલાક એ કામના એક્શન પ્લાન વિશે વિચારતા માણસોને પણ આપણે વર્કોહોલિકની વસ્તી ગણતરીમાં સામેલ કરવા જ રહ્યા અને ઓફિસમાં વગર કારણે માથું ઊંચું ન કરતા બેફિઝુલ કામમાં દસ કલાકનો સમય પસાર કરતા અને ઉપજાઉ પરિણામ ન આપતા હોય, તેવાને પણ વર્કોહોલિક કહેવાય. વિદ્યાર્થીઓની દૃષ્ટિએ વિચારીએ તો વર્કોહોલિક એટલે એવા વિદ્યાર્થીઓ કે જેમની ધગશ માત્રને માત્ર પ્રથમ નંબરે આવવું હોય અને પાછો એ પ્રથમ નંબર પરીક્ષાલક્ષી પરિણામો મેળવવા માટે નહીં, પણ તેમનાં સંશોધનો અને એક્સપરિમેન્ટ દ્વારા આવ્યો હોય.
સાચી દિશા
અભ્યાસક્રમમાં ન હોય એવા વિષયો પાછળ વિદ્યાર્થી મહેનત કરે? ન જ કરે. તમે જાણતા હો કે પરીક્ષામાં એક સવાલ પાંચ માર્કનો પુછાશે એને વાંચવામાં તમે ત્રણ દિવસ બગાડો?
નહીં ને? આ માત્ર ઉદાહરણ છે. તમે કામ કરો, પણ તે સાચી દિશામાં કરો અને સાચા રસ્તે કરો. કોઈ વિષય પાછળ કેટલી મહેનત કરવા જેવી છે, કેટલો સમય બગાડવા જેવો છે, એ કાર્યની આગળ અને પાછળ ક્યાં ક્યાં સંલગ્ન કાર્યો થવાં જોઈએ એ અંગે સ્ટ્રેટેજી હોવી જોઈએ.
જીત વિશે વિચારો
ઓલિમ્પિક કુસ્તી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક વિજેતા ડેન ગેબલને ગોલ્ડ મેડલ મળ્યો તે પછી તેણે એ મેડલ મેળવવા માટે શું કર્યું એ પ્રશ્નનો સરળ અને સરસ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે હું ખૂબ જ થાકી જતો અને આ કાર્ય (કુસ્તી માટેની તૈયારી) છોડીને આરામ કરવાની ઇચ્છા થતી ત્યારે હું હંમેશાં વિચારતો કે આ સમયે મારો પ્રતિસ્પર્ધી શું કરતો હશે? જ્યારે હું એને કામ કરતાં જોતો ત્યારે મારો થાક ભૂલી જઈ નવા જોમ અને જુસ્સાથી ફરી પ્રેક્ટિસ કરવા લાગતો. જ્યારે હું એને (પ્રતિસ્પર્ધીને) થાક ઉતારવા આરામ કરતો જોતો ત્યારે હું વધુ મારી જાતને વધુ મહેનત કરવા માટે પ્રેરતો. મને થતું કે તે આરામ કરે છે એટલે મારું કામ વધુ ઝડપથી સફળતા તરફ જઈ રહ્યું છે.
કામ જ રિલેક્સેશન
મહાન વાયોલિનવાદક ક્રિટ્ઝ કિટલરને એમના કાર્યક્રમ પછી એક શ્રોતાએ પૂછયું તમે રિલેક્સ ક્યારે થાઓ છો? ક્રિટ્ઝે કહ્યું હું ચોવીસ કલાક રિલેક્સેશનમાં જ કાઢું છું. હમણાં જે કાર્યક્રમ પૂરો થયો એ મારા માટે રિલેક્સેશનનો સમય હતો. ટૂંકમાં દિવસ - રાત, ટ્વેન્ટિ ફોર બાય સેવન તમારે ક્યારેક કામ કરવું પણ પડે તો તેને ટેક ઈઝ ઇઝી લો. પોતાના કામને પોતાનું રિલેક્સેશન બનાવશો તો પણ તમને દુનિયા તો વર્કોહોલિક કહેશે જ.
 વર્કોહોલિક હોવું સારું છે
વર્કોહોલિક હોવાને નકારાત્મક્ પાસું ગણવામાં આવે છે, પરંતુ વર્કોહોલિક હોવું એક અર્થે તમારા કાર્ય પ્રત્યેની લગન દર્શાવે છે અને અહીં વર્કોહોલિક હોવાને પોઝિટિવ પાસું માનીને ચાલીએ તો વિદ્યાર્થીઓએ શિક્ષણના ગાળામાં પસંદ કરેલા ક્ષેત્ર પ્રત્યે વર્કોહોલિક થવું જોઈએ અને પ્રોફેશનલ વ્યક્તિએ પોતાના કાર્યસ્થળે કામના કલાકો દરમિયાન હંડ્રેડ પર્સન્ટ કાર્યરત રહેવું જોઈએ.
સમયનું મહત્ત્વ
સફળતામાં સિદ્ધિ ખરી, પણ એ સફળતા પ્રાપ્ત કરવા તમે જે મહેનત કરો, કામ કરો કે પ્રયત્ન કરો એ ગાળામાં જ પોણા ભાગની સિદ્ધિ સમાયેલી છે, કારણ કે એ કામના આરંભથી અંત સુધીમાં જ તમને કંઈક ગુમાવવાનો ભય હોય છે. જે તમારે ખોવાઈ જવા દેવું નથી અને તમે નિષ્ફળ રહો તો તેને ઠીક કરવા માટેનો સમય શક્યતઃ પાછો આવવાનો નથી કે તમને મળવાનો નથી. એટલે જ કામ કરો તો એવી રીતે કરો કે તે સમયસર પૂરું થાય અને સાચા સમયે તેના સકારાત્મક પરિણામનો સ્વાદ ચાખી શકો.
જેટલું થાય તેટલું કરી લઉં
પાણીમાં મધદરિયે વાવાઝોડાનો ભય ચોક્કસ રહેલો છે, પણ કોઈ વહાણને બંદરે પડયા પડયા લાંગરેલી સ્થિતિમાં કટાઈ જવા કરતાં મધદરિયે વાવાઝોડા સામે ઝઝૂમવું વધારે પસંદ પડશે. માણસની કામ કરવાની વૃત્તિ પણ આ જહાજ જેવી હોવી જોઈએ. પોતાનામાં રહેલી આવડત એમ ને એમ વેડફાઈ જાય એ કરતાં તે વાપરવામાં ધ્યાન કેન્દ્રિત કરો. એ જ છે સાચી કામની ધગશ.
પ્લાનિંગ કરો
ઘેંટાદોડમાં ભાગ લેતા ઘેંટાની જેમ ભાગ્યા જવાથી અંતે થાક લાગે. તમે પોઝિટવ વર્કોહોલિક ન ગણાવ. એના કરતાં સહેલો ઉપાય એ છે કે જો નિશ્ચિત હોય કે તમારે આ ક્ષેત્રમાં જ શિક્ષણ મેળવીને આગળ ઉપર કારકિર્દી બનાવવી છે તો તેમાં પ્લાનિંગથી મહેનત કરો.
રસ - રુચિ
તમે પોતાને વર્કોહોલિક ગણાવતા હો તો પહેલાં બે સવાલોના જવાબ આપો. પોતાને શા માટે વર્કોહોલિકની કેટેગરીમાં મૂકો છો? પહેલો જવાબ હોય કે તમે જે ભણી રહ્યા છો કે નોકરી કરો છો એમાં તમને એટલો રસ પડે છે કે તમને એ સિવાય કંઈ કરવું ગમતું નથી અને સૂઝતું પણ નથી. એથી અલગ કંઈ તમને મજા આપી શકે તેમ નથી. બીજો જવાબ તમારો એ હોઈ શકે કે સક્સેસફુલ થવા, બોસની ધમકીઓથી ડરીને, મમ્મી - પપ્પાને ખુશ રાખવા તમે સફળ બનવાની રેસમાં આંખે પાટા બાંધીને કામ કરે જાઓ છો. સફળતા મેળવવા રીતસર ભાગો છો. બન્ને કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ અને જોબર્સને સમાંતરે વર્કોહોલિક હોવાની પદવી આપણે પ્રદાન કરીએ, પણ સમય જતાં સેકન્ડ કેટેગરીના વર્કોહોલિકનું મગજ અને મન એમને સંતોષ આપી શકશે? એનો જવાબ અત્યારે જ આપી દઉં, ‘ના’. એનું કારણ માનો તો કારણ અને પરિણામ માનો તો પરિણામ માત્ર એ હશે કે રસ - રુચિ વગર તમે કરેલું કામ ભવિષ્યમાં તમને સંતોષ નહીં આપી શકે તો પછી તમારી સાથે જોડાયેલા મિત્રો, માર્ગદર્શક કે તમારા બોસને ક્યાંથી સંતોષ આપી શકે. ટૂંકમાં તનતોડ મહેનત એળે ન જાય તેમ વર્કોહોલિક બનો.

મિટિંગ માટે હંમેશાં રેડી રહો

Grooming – Abhishek
ઓફિસમાં કે ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે તમારે તમારી ઇમ્પ્રેશન જાળવવી ઘણી જરૂરી હોય છેકારણ કે ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે તમારા માટે તમારી પહેલી ઇમ્પ્રેશન જ તમારી છેલ્લી ઇમ્પ્રેશન હોય છે. ઓફિસમાં પણ તમને અને તમારી પ્રોફેશનલ લાઈફને જોઈને સૌ એ અનુસરે તો કોને ન ગમે. એટલે જ અહીં અમુક સ્ટેપ્સ આપવામાં આવ્યા છે. એને ફોલો કરશો તો ક્યારેય તમારે જાહેરમાં સંકોચમાં નહીં મુકાવું પડે અને તમારો સારો પ્રભાવ પડશે એ ગેરંટી.
પહેરવેશ અંગે સાવચેત રહો
ઓફિસે પહોંચો એવી જ તમારે જ્યારે કોઈ મિટિંગ અટેન્ડ કરવાની હોય તો? તમને પહેલો વિચાર એ આવશે કે તમે મિટિંગ માટે સારા દેખાવ સાથે તૈયાર છો કે નહીં? કારણ કે ઘરેથી નીકળ્યા પછી ઓફિસે જતાં કે ઇન્ટરવ્યૂ પ્લેસ પર પહોંચતાં સુધીમાં તમારા વાળ કદાચ વિખરાઈ ગયા હોય કે કપડાંમાં કરચલી પડી હોય. તો એવે વખતે જ્યાં કાચ દેખાય ત્યાં જ વાળને સરખા કરવાની ભૂલ ન કરશો, કારણ કે ઘણી નજરો તમને જોતી હશે અને કોણ તમને જોઈ રહ્યું છે એનો તમને ખ્યાલ પણ નહીં હોય. પોતાને મિટિંગમાં જવાલાયક બનાવવા માટે ફ્રેશરૂમ જ સારો રહેશે. ખાસ કરીને બોસ કે મેનેજરનો હોદ્દો તમે સંભાળતા હો તો ઓફિસમાં પોતાના પદની ગરિમા જાળવી રાખવા માટે તમારે પોતાનો પ્રોફેશનલ અપિઅરન્સ મેઈન્ટેઈન રાખવો જ પડશે. તો આ વાતને ફેસ કરતાં પણ શીખો. મિટિંગમાં જતાં જતાં ચાલતી વખતે ક્યારેય તમારા શર્ટની સ્લિવ્ઝ કે કોટનાં બટન બંધ ન કરવાં.
* તમારા કપડાં જ્યારે મિટિંગમાં જાવ ત્યારે તમારા શરીર પર ફિટ થતા હોવા જોઈએ.
* સાફ સૂતરા ડાઘ વગરના કપડાં પહેરવાની આદત રાખો. ભડકીલા કપડાં ન પહેરો.
* તમારા કપડાં ઇસ્ત્રી થયેલાં હોવા જોઈએ કારણ કે લોન્ડ્રીબેગ અને ધોણ પડવાથી તેમાં રહેલી કરચલીઓ જો દૂર નહીં થઈ હોય તો તમે ફિટ છો એવો લુક નહીં આપે
* તમારા કપડાંમાંથી કોઈ પણ જાતની વિચિત્ર વાસ ન આવતી હોય તેનું ધ્યાન રાખો.
* જરૂરી નથી કે તમે બ્રાન્ડેડ શર્ટ કે ટ્રાઉઝર જ પહેરો પરંતુ તે વ્યવસ્થિત અને સારી સિલાઈ ધરાવતાં હોય એ મહત્ત્વનું છે.
* તમે જે કપડાં કે શૂઝ પહેરો તે ટાઇટ પણ ન હોવા જોઈએ અને ઢીલાં પણ ન હોવા જોઈએ.
પેપરવર્ક
મિટિંગમાં જતા પહેલાં એક વખત એ ચોક્કસ ચકાસી લો કે તેમાં જરૂરી કાગળ તમારી પાસે રેડી છે કે નહીં. લેપી, ટેબીનો ઉપયોગ કરતા હો તો તમારે મિટિંગમાં જરૂરી ગેઝેટ્સ ક્યાંક તમારી ટાંય ટાંય ફિસ્સ ન કરવા જોઈએ. ગેઝેટ્સ ચાર્જ હોવા જોઈએ અને એને સંલગ્ન એક્સેસરીઝ જેવી કે હાર્ડડિસ્ક, પેન ડ્રાઈવ, વાયર્સ, ડીવીડી વગેરે પણ ફ્યિસ્કો ન કરે તે માટે ચેક કરીને રાખો.
પર્ફ્યુમ
 વ્યક્તિ હંમેશાં પોતાનું મનગમતું પર્ફ્યુમ જ છાંટવાનં પસંદ કરે છે એ વાત સો ટકા સાચી પરંતુ જ્યારે તમારે પોતાને સો ટકા પ્રોફેશનલ લુક આપવાનો હોય કે તમારી છાપ પ્રોફેશનલ તરીકેની ઉપસાવવાની હોય ત્યારે તમારા હોદ્દાને અનુરૂપ પર્ફ્યુમની પસંદગી કરો. શક્ય છે કે ઓફિસમાં રોજ તમે જે પર્ફ્યુમ વાપરીને આવો છો તેનાથી કલિગ્સ પોતાના નાક પર રૂમાલ મૂકી દેતા હોય. એવું ન બને એ માટે કાળજી રાખો કે તમે જે પર્ફ્યુમ વાપરો તે વધુ પડતી સ્ટ્રોંગ કે વધારે સ્વિટ સ્મેલ ન ધરાવતું હોય. નોકરી મેળવવા ઈચ્છુકોએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કે પર્ફ્યુમની સ્ટ્રોંગ ટોપ નોટ્સ પસંદ ન આવવાના કારણે તમારા પ્રત્યે ઇન્ટરવ્યૂઅરને પૂર્વગ્રહ બંધાઈ શકે છે. જો તમે નક્કી ન કરી શકતા હો કે તમારે કેવું પર્ફ્યુમ વાપરવું તો લાઇટ સ્મેલ્ડ બ્રાન્ડેડ પર્ફ્યુમ જ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે એ મનમાં ગાંઠ વાળી લો.

યુનિવર્સિટી ઓફ મિશિગન એન આર્બર


Uni. Watch - Dr. Sudhir Shah
યુએસની મુખ્ય યુનિર્વિસટીઓમાંની ‘યુનિર્વિસટી ઓફ મિશિગન એન આર્બર’ એક છે. ભારતના હોશિયાર વિદ્યાર્થીઓ અને એમાં પણ જેઓ કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સનો કોર્સ કરવા ઇચ્છતા હોય એમની આ યુનિર્વિસટી માનીતી છે. મિશિગન સ્ટેટ્ના વિદ્યાર્થીઓ માટે આ યુનિર્વિસટીની ફી લગભગ ૧૨,૬૩૪ અમેરિકન ડોલર છે. પણ બહારના વિદ્યાર્થીઓ માટે એની ફી અધધ... ૩૭,૭૮૨ ડોલર જેટલી છે. ઉપરાંત વાર્ષિક રહેવાનો અને ખાવાનો ખર્ચ ૯,૫૦૦ અમેરિકન ડોલર જેટલો અંદાજવામાં આવે છે. અહીં અન્ડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની સંખ્યા ૨૬,૦૦૦ જેટલી હોય છે. આ યુનિર્વિસટીમાં ૪૦૦ વિદ્યાર્થીઓ એક સાથે બેસી શકે એવા પાંચ વ્યાખ્યાન ખંડો છે, પણ એના ક્લાસરૂમ તો ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ બેસી શકે એટલા નાના હોય છે, કારણ કે આ યુનિર્વિસટીમાં કોઈ પણ ક્લાસમાં એક સાથે વીસથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નથી આવતો. આ જ કારણસર આ યુનિર્વિસટીમાં ભણતા દરેકે દરેક વિદ્યાર્થી ઉપર એમના પ્રોફેસરો જાતે ધ્યાન આપી શકે છે.
પ્રોફેસરો એમના બધા જ વિદ્યાર્થીઓને નામથી ઓળખતા હોય છે અને વિદ્યાર્થીઓ પણ પ્રોફેસરોને પર્સનલી ઓળખતા હોય છે. ભારતમાં એક ક્લાસમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ભણતા હોય છે, આથી આપણા વિદ્યાર્થીઓ જ્યારે યુનિર્વિસટી ઓફ મિશિગન એન આર્બરમાં ભણવા જાય છે ત્યારે એમના ક્લાસમાં અલ્પ સંખ્યામાં વિદ્યાર્થીઓને જોઈને તેઓ અચંબામાં પડી જાય છે.
આ યુનિર્વિસટી ફક્ત ભણતરની બાબતમાં જ આગળ છે એવું નથી, એક લાખથી વધુ બેઠકો ધરાવતું યુનિર્વિસટીનું સ્ટેડિયમ એન આર્બર મિશિગનમાં જ આવેલું છે અને અહીં રમત-ગમતને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે. ઈ.સ. ૧૮૧૭માં સ્થાપવામાં આવેલી આ યુનિર્વિસટીઓમાં અઠયાવીસમું સ્થાન આપ્યું છે.   અહીં ભણતા વિદ્યાર્થીઓ અમેરિકાનાં પચાસ સ્ટેટ તેમજ દુનિયાના લગભગ બધા જ દેશોમાંથી આવે છે. કમ્પ્યુટર સાયન્સ ઉપરાંત મિશિગન યુનિર્વિસટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ એન્ડ ઓપરેશન્સ, અર્થશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ, સાઈકોલોજી તેમજ અંગ્રેજી ભાષા આ સર્વે વિષયો શીખવવામાં આવે છે. અહીં આ હોશિયાર વિદ્યાર્થીઓને લગભગ ૧૩,૦૦૦ ડોલર જેટલી આર્િથક સહાય મળી શકે છે. આ યુનિર્વિસટીમાં ભણતાં ભણતાં તમને કેમ્પસ ઉપર કામ મળી રહેવાની શક્યતાઓ છે, અને ભણી રહ્યા બાદ નોકરીની ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય છે. એન આર્બર એક સુંદર અને પ્રાચીન શહેર છે, અને પરદેશી વિદ્યાર્થીઓ અહીં ભણતાં ભણતાં આ શહેરની સુંદરતાના મોહમાં જકડાઈ જાય છે. જો અહીં કોઈ પણ પ્રકારની અગવડ હોય તો એ જ છે કે અહીંનો શિયાળો બહુ કાતિલ હોય છે. પણ ઉચ્ચ કક્ષાનું ઉમદા શિક્ષણ જો મેળવવું હોય તો ઠંડી સહન કરવી જ રહી, અને આમે અમેરિકામાં અને એમાં પણ એન આર્બરમાં આવેલી મિશિગન યુનિર્વિસટીનું બિલ્ડિંગ,એન ક્લાસરૂમો અને લાઇબ્રેરી સુવિધાસજ્જ હોય છે. ભારતીય વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર સાયન્સ યા એન્જિનિયરીંગમાં વધુ અભ્યાસ કરવો હોય તો મિશિગનમાં આવેલી એન આર્બરમાં આવેલી આ યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરવી જોઈએ. અહીં જો તમને પ્રવેશ મળશે તો અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા સહેલા થઈ પડશે.