Friday, December 30, 2011

અસલી સર્જન હવે ઓનલાઈન (સમયાંતર)


સમયાંતર - લલિત ખંભાયતા
કેમ્બ્રિજ યુનિર્વિસટીએ સર આઇઝેક ન્યૂટને કરેલી સંશોધનોની હસ્તપ્રતો વેબસાઈટ પર મૂકીને ઓપન ફોર ઓલ કરી દીધી છે. ગુરુત્વાકર્ષણના શોધક ન્યૂટનની ૪૦૦૦ કરતાં વધુ મેન્યૂસ્ક્રીપ્ટ હવે ક્લિકવગી બની છે. આ પહેલાં પણ ડાર્વિનગેલેલિયો વગેરેના દસ્તાવેજો ઓનલાઈન મુકાયા છે. કેટલીક ગુજરાતી સામગ્રી પણ હવે ક્લિકવગી બની છે!
આજે બહુ સહજ લાગતો ગુરુત્વાકર્ષણનો નિયમ સર આઈઝેક ન્યૂટને વૂલ્સથોર્પ મનોર (લિંકનશાયર,બ્રિટન)ના પોતાના આવાસના વરંડામાં બેઠાબેઠા શોધેલો. દરેક વસ્તુ ગુરુત્વાકર્ષણથી ખેંચાણ અનુભવે અને જેમ પદાર્થનું દળ મોટું હોય એમ એનું ગુરુત્વાકર્ષણ બળ વધુ બળવત્તર હોય એ સાદી વાત વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી હતી. ન્યૂટને એ વાતને નિયમ તરીકે રજૂ કરી અને બધાને ગળે ઊતરી ગઈ. આજનું વિજ્ઞાન જે થોડા-ઘણા પાયાઓ પર ઊભું છે એ પાયાઓ પૈકીનો એક પાયો એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ. આગળ વાત કરતાં પહેલાં જરા નિયમ સમજી લઈએ...
આપણે કોઈ પથ્થર ઉછાળીએ તો એ પાછો પૃથ્વી પર આવે છે, કેમ કે પથ્થરને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પોતાની તરફ ખેંચે છે. પણ ધારો કે આપણે પથ્થર અમુક લાખ કિલોમીટર સુધી ઉછાળી શકીએ અને એ પથ્થર ગુરુની સપાટી પાસે પહોંચી જાય તો શું થાય? એ પથ્થર પાછો પૃથ્વી પર નહીં આવે, કેમ કે ગુરુનું બળવાન ગુરુત્વાકર્ષણ તેને પોતાની સપાટી તરફ ખેંચી લેશે. બસ આ છે ગુરુત્વાકર્ષણની સાદી સમજ. પણ એ સમજ ન્યૂટનના મનમાં કેમ આવી? સિદ્ધાંત વિચારતી વખતે ન્યૂટને કેવી કેવી નોંધો કરી હશે? કાગળ પર શું ચિતરામણ કર્યાં હશે? એ બધા સવાલોના જવાબો હવે ઓનલાઈન મળી શકે એમ છે.
કેમ્બ્રિજ યુનિર્વિસટીએ પોતાના ‘ડિજિટલ લાયબ્રેરી’ પ્રોગ્રામ હેઠળ ન્યૂટનનાં કામકાજના અસલ કાગળો, હસ્તલિખિત લખાણો, ડ્રોઈંગ્સ વગેરેhttp://cudl.lib.cam.ac.uk/ વેબસાઈટ પર મૂકી દેવાયું છે. આગામી થોડા મહિનાઓ સુધી હજુ લગભગ ૮,૦૦૦ જેટલા ન્યૂટનના બહુમૂલ્ય દસ્તાવેજો ઓનલાઈન મૂકવાની કાર્યવાહી ચાલતી રહેશે. કોઈ પણ વ્યક્તિ એ વેબસાઈટ પર ડોક્યુમેન્ટ જોઈ શકશે અને જરૂર પડયે ડાઉનલોડ પણ કરી શકશે. પીળાં પડી ગયેલાં એ પાનાંઓ પર ઝાંખા થઈ ગયેલા અક્ષરો અને કાળના પ્રવાહમાં ચિમળાઈ ગયેલી રેખાઓ ઓનલાઈન કરવાનું કામ કેમ્બ્રિજ યુનિર્વિસટીએ ૨૦૧૦થી આરંભી દીધેલું. રોજનાં ૨૦૦ પાનાંઓ વેબસાઈટ પર ચડાવાતાં હતાં ત્યારે હવે એ કામ ઓનલાઈન કરી શકાય એવા તબક્કે પહોંચ્યું છે.
ગુરુત્વાકર્ષણ તો બહુ જાણીતી શોધ છે, પણ એ સિવાય ન્યૂટનનું સાયન્સમાં ઘણું પ્રદાન છે. તેમણે લખેલું પુસ્તક ‘પ્રિન્સિપિઆ મેથેમેટિક્સ’ ગણિત ઉપરાંત વિજ્ઞાનમાં પણ માઈલ સ્ટોન ગણાય છે. આ પુસ્તકમાં જ ન્યૂટનના ત્રણેય સિદ્ધાંતોનું વિવરણ અપાયું છે. તેમનું આખું કામ વેબસાઈટ પર ‘કલેક્ટ નોટબુક’ અને ‘વેસ્ટ નોટબુક’ એમ બે ભાગમાં ઉપલબ્ધ કરાવાયું છે. કલેક્ટ નોટબુકમાં તેમનાં પુસ્તકો છે, જ્યારે વેસ્ટ નોટબુકમાં તેમની રફનોટો છે. કેમ્બ્રિજે ન્યૂટનની સામગ્રી ઓનલાઈન કરી સાયન્સની બહુ મોટી સેવા કરી છે અને સાથે સાથે પોતાની ફરજ પણ પૂરી કરી છે. ન્યૂટન કેમ્બ્રિજમાં ૧૬૬૧માં વિદ્યાર્થી તરીકે દાખલ થયેલા. ૧૬૬૫ સુધીમાં તેમણે ગ્રેજ્યુએશન પૂરું કરેલું તો વળી ૧૬૬૯થી ૧૭૦૧ સુધી અહીં તેમણે ગણિત પર સંશોધન કરેલું. જીવનનો છેલ્લો પડાવ ન્યૂટને રોયલ સોસાયટીના પ્રમુખ તરીકે ગુજારેલો. ૧૭૦૩માં તેઓ વિજ્ઞાન જગતમાં ખાંટું ગણાતી રોયલ સોસાયટીના પ્રેસિડેન્ટ બન્યા અને ૧૭૨૭માં તેમના મૃત્યુ સુધી એ ખુરશી સંભાળી.
ચાર્લ્સ ડાર્વિન http://darwin-online.org.uk
આખી સૃષ્ટિને એક જ લીટીમાં સમજાવતો ‘સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ’ (જેનું ન સમજાય એવું ગુજરાતી ‘યોગ્યતમ ચિરંજીવિતાનો સિદ્ધાંત’ એવું થાય છે) સિદ્ધાંત ગાલાપાગોસ ટાપુની મુલાકાત વખતે સર્જેલો. ડાર્વિનને ખાસ કંઈ કામધંધો મળતો ન હતો એટલે એમણે ‘બિગલ’ જહાજ સાથે રખડવા ઊપડી જવાનું નક્કી કર્યું.
૧૮૦૯માં જન્મેલા ચાર્લ્સને તેના પિતા પોતાની માફક તબીબ બનાવવા માંગતા હતા. પણ ડાર્વિનને માનવ શરીરની તપાસ કરતાં માનવની ઉત્પત્તિ તપાસમાં વધારે રસ હતો. સ્કૂલકાળમાં તેમને પંખીઓનો અભ્યાસ કરવામાં મજા પડતી. એક વખત તો તેમને ભણવામાં નબળા હોવાને કારણે સ્કૂલમાંથી ઉઠાડી મુકાયેલા. પણ ડાર્વિનને દિશા મળી કેમ્બ્રિજ યુનિર્વિસટીની ક્રાઈસ્ટ કોલેજથી. ત્યાં ડાર્વિનને પોતાના જેવા સહરસિકો મળી રહ્યા. જીવનના આ તબક્કા સુધીમાં ડાર્વિન સમજી ચૂક્યા હતા કે બાઈબલમાં વર્ણન કર્યું એમ રાતોરાત પૃથ્વી કે જીવજગતનું સર્જન થઈ શકે નહીં. એટલે એમનું મગજ તો ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની દિશામાં દોડતું થઈ ગયેલું. એમાં વળી કોલેજમાંથી જ તેમને બ્રિટિશ જહાજ એચએમએસ બિગલ સાથે વોયેજમાં જોડાવાની તક મળી. એ જહાજ જ્યારે દક્ષિણ અમેરિકા ખંડના દેશ ઇક્વેડોરથી ૯૭૨ કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં આવેલા ગાલાપાગોસ ટાપુ સમૂહ પાસે પહોંચ્યું ત્યારે ડાર્વિનને પોતાના મગજમાં ચાલતા વિચારો સાચા હોવાના પુરાવા મળી ગયા. એ પુરાવાઓના આધારે સરવાળે તેમણે પોતાનો સિદ્ધાંત ઘડી કાઢયો. શું હતો એ સિદ્ધાંત! એ સિદ્ધાંત એવો હતો કે પૃથ્વી પર કોઈ પણ સજીવ-વૃક્ષો વગેરેની એ જ પ્રજાતિ ટકી શકે જે સમય-સંજોગો પ્રમાણે પરિવર્તન કરી શકે. જેમ કે એક સમયે માણસોને પૂંછડું હતું જે હવે નથી. તેના બદલે ક્યારેક એપેન્ડિક્સ (આંત્રપૂંછ)ની સમસ્યા થાય છે. પહેલા આજનો માણસ વાનર હતો માટે તેના શરીરને બેલેન્સ કરવા પૂંછડાની જરૂર હતી. આજે નથી. સિમ્પલ.
એમણે બિગલ પ્રવાસ દરમિયાન પોતાના વિચારો-સંશોધનો-અવલોકનો-માહિતી વગેરેની નોંધ બનાવેલી. ૧૮૫૯માં તેમની એ નોંધો પરથી પુસ્તક તૈયાર થયું: ઓન ધ ઓરિજિન ઓફ સ્પિસીસ. બસ એ પુસ્તકે જ તેમને આખા જગતમાં પ્રકૃતિવિદ્ તરીકે ખ્યાત કરી દીધા. ૧૮૮૨માં અવસાન બાદ ડાર્વિનનો મૃતદેહ ભલે વેસ્ટ મિનિસ્ટર એબીમાં દફનાવી દેવાયો હોય પણ તેમની હસ્તપ્રતો સચવાયેલી છે. http://darwin-online.org.uk/ વેબ પર તમને ડાર્વિનના હાથે લખાયેલા લખાણ સાથેના કાગળો જોવા મળશે. ડાર્વિનને ડિજિટલ ‘દેહ’ આપવાનું કામ કેમ્બ્રિજે નથી કર્યું પણ બધી જ અસલ હસ્તપ્રતો તો કેમ્બ્રિજની લાઇબ્રેરીમાંથી આવી છે. ડાર્વિનના એકાદ લાખ કાગળો પૈકી ૨૦ હજાર દસ્તાવેજો આ વેબ પર મુકાયા છે.
ગેલેલિયો http://www.imss.fi.
પૃથ્વીવાસીઓને ૪૦૦ વર્ષ પહેલાં અવકાશ દર્શન કરાવનાર ઇટાલિયન વિજ્ઞાની ગેલેલિયો ગેલેલી પણ ઓનલાઈન ઉપલબ્ધ છે. જોકે તેમની મર્યાદિત સ્ક્રિપ્ટ જ મૂકી શકાઈ છે. http://www.imss.fi.it/ વેબ પર ગેલેલિયોના ૩૦૦ કરતાં વધારે પાનાંઓ અપલોડ થયાં છે. ગણિતજ્ઞા, ખગોળશાસ્ત્રી, ફિલોસોફર એમ મલ્ટિપલ રોલ ભજવી જનાર ગેલેલિયો મુખ્યત્વે તેમના અવકાશ દર્શન માટે જાણીતા છે. ૧૬૧૦માં તેમણે હાથે બનાવેલા ટેલિસ્કોપ વડે અવકાશ તરફ મીટ માંડેલી. એ વખતે પદાર્થને ૩૦ ગણો મોટો બતાવનારું એ ટેલિસ્કોપ તેમને ગુરુના ચાર ઉપગ્રહ, સુપરનોવા સહિતનાં ખગોળીય આકર્ષણો બતાવી શક્યું હતું. એમની એ બધી નોંધો પૈકી કેટલીક સામગ્રી હવે ઓનલાઈન છે.
ગેલેલિયો લ્યુટ નામના વાજીંત્રને બહુ સારી રીતે વગાડી જાણતા તો વળી વેનિસમાં તેમણે સંગીતનો પણ અભ્યાસ કરેલો. ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવા ગેલેલિયોએ પીઝાના ઢળતા મીનારા પરથી પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. તેમની બધી વાતો સાચી હતી એવુંય નથી. આઈન્સ્ટાઈન સહિતના આધુનિક વિજ્ઞાનીઓએ ગેલેલિયોની કેટલિક થિયરીઓમાં છીંડા શોધી કાઢયા છે. અલબત્ત, તેનાથી ગેલેલિયોએ કરેલી શોધોનું મહત્ત્વ ઓછું થઈ જતું નથી. એમની પહેલા ટેલિસ્કોપ વડે કોઈકે અવકાશ દર્શન કરેલું પણ ગેલેલિયોનું અવલોકન ઇતિહાસમાં ખ્યાતિ પામ્યું છે એ વળી જુદો વિષય છે. તેમણે લશ્કરી કમ્પાસ, થર્મોમિટર અને યુનિવર્સલ ક્લોક પર પણ કામ કર્યું હતું. ટૂંકમાં એ ખરા અર્થમાં મલ્ટિટેલેન્ટ હતાં.
ગુટેનબર્ગનું બાઈબલ http://darwin-online.org.uk
પ્રિન્ટિંગ પ્રેસનો જન્મ આપવાનો યશ જર્મન સંશોધક જહોનિસ ગુટેનબર્ગને જાય છે. ૧૪૫૦ના દાયકામાં કોઈક વર્ષે તેમણે પહેલો પ્રિન્ટિંગ પ્રેસ બનાવી બાઈબલ છાપવામાં સફળતા મેળવેલી. પ્રિન્ટિંગ યુગનું પહેલું પ્રકરણ એ રીતે ગુટેનબર્ગના બાઈબલથી શરૂ થયું હતું. એમણે દરેક પાનામાં ૪૨ લાઈન સમાઈ શકે એવું બાઈબલ તૈયાર કરેલું. એને બાઈબલ પ્રત્યે કેટલો લગાવ હોય એ તો રામ જાણે પણ બાઈબલ એ વખતે સર્વાધિક ‘સેલિબ્રિટી’ ગ્રંથ હોઈ તેના પબ્લિસિંગે તેને ધારી પ્રસિદ્ધિ અપાવી. એ ગ્રંથની બધી તો નહીં પણ ૨૧ કોપીઓ સચવાયેલી પડી છે. એ માટે અહીં જવું રહ્યું www.bl.uk/treasures/gutenberg/
homepage.html.
ગુટેનબર્ગના નામે વધુ સરસ કામ પ્રોજેક્ટ ગુટેનબર્ગ હેઠળ થઈ રહ્યું છે. ૧૯૭૧માં માઈકલ હાર્ટ નામના ભાઈએ અમેરિકાની સ્વાતંત્ર્ય ઘોષણા ઓનલાઈન મૂકવા સાથે પ્રોજેક્ટ ગુટેનબર્ગનો આરંભ કર્યો. પ્રોજેક્ટ હેઠળ આખેઆખાં પુસ્તકો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનું કામ આરંભ્યું છે. http://www.gutenberg.org પર જઈને તમે ૩૮,૦૦૦ કરતાં વધારે ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન જોઈ શકો છે. એમાં મય સંસ્કૃતિના દસ્તાવેજો પણ છે અને જાપાનીઝ કાગળિયાઓ પણ છે. એમાંય વળી તમારે કોઈ દસ્તાવેજ એકથી વધુ ફોર્મેટમાં જોઈએ તો તેનીય સુવિધા ઉપલબ્ધ છે. ઈનશોર્ટ ઘેર બેઠા ગંગા તો નહીં પણ પુસ્તકોની એમેઝોન નદી આ સાઈટે ઉપલબ્ધ કરાવી છે. હવે તો ઓડિયો બુક (સાંભળી શકાય એવું પુસ્તકનું સ્વરૂપ), સીડી-ડીવીડી પણ ઉપલબ્ધ છે. ગુટેનબર્ગની શોધ ઓલટાઈમ ગ્રેટ ડિસ્કવરીઝમાં અગ્નિ અને પૈડા બાદ ત્રીજા ક્રમે આવે છે. આજે સંખ્યા બંધ પુસ્તકો, સામયિકો, તમે વાંચો છો એ આ પાનું વગેરે સાહિત્ય છાપવાનું શક્ય બન્યુ એ માટે ગુટેનબર્ગનો આભાર માનવો રહ્યો. એમણે પ્રેસ ઉપરાંત લુહારીકામ, સોનીકામ, ટાઇપિંગ વગેરે શ્રેત્રે પણ સંશોધનો કરેલા. ગુટેનબર્ગનું પ્રેસ ૧૫૬૮ની સાલમાં એક કલાકમાં ૨૪૦ કાગળો પ્રિન્ટ કરી શકતું હતું. આજે તો જગતના સૌથી ઝડપી પ્રિન્ટરો એક કલાકમાં એક લાખ નકલો (દર ૨૮ સેકન્ડે એક કોપી) છાપી શકે એવા સમૃદ્ધ છે. ક્રાંતિકારીઓમાં તેમનું નામ કદાચ ક્યારેય નહીં લેવાય પણ એ ક્રાંતિકારી જ હતા. આજનો પ્રિન્ટિંગ ઉદ્યોગ અને જ્ઞાન આધારિત અર્થતંત્ર હકીકતે તો ગુટેનબર્ગના જ ભેજાની પેદાશ છે ને!
ભગવદ્ગોમંડલ પણ ઓનલાઈન છે!
ગુજરાતી ભાષાના વિશ્વસનીય શબ્દકોશ-જ્ઞાનકોશ તરીકે ભગવદ્ગોમંડલનો કોઈ વિકલ્પ ગુજરાતી પ્રજા પાસે નથી. હવે દસેક હજાર પાનાંમાં ફેલાયેલો અને ૨.૮૧ લાખ શબ્દો (અર્થ સાથે ૮.૨૨ લાખ) ધરાવતો આ મહાકોશ ઓનલાઈન ઉપલબ્ધ છે. એક ને બદલે ભગવદ્ ગ્રંથની બબ્બે વેબસાઈટ ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાની સાચી-ખોટી ચિંતા કરનારાઓ ઓનલાઈન ગુજરાતી ભાષાની ઉપલબ્ધિના કેટલાક મુદ્દાઓ ગમે તે કારણસર ચાતરી જાય છે. ગુજરાતી ડિક્શનરી, ભગવદ્ગોમંડલ,દુર્લભ ગુજરાતી ગીતો. વીસમી સદી અને પ્રકૃતિ જેવાં મેગેઝિનો જો વેબસાઈટ પર મળી શકતાં હોય તો એ સંજોગોમાં ગુજરાતી ભાષા મરી રહી છે એવું કહેવું જરા વધારે પડતું ગણાશે. એની વે, આપણે વાત કરતાં હતા ભગવદ્ગોમંડલની. કોઈ પણ ગુજરાતી શબ્દનો અર્થ શોધવો હોય તો એક સમયે ભગવદ્ગોમંડલના નવ ભાગો ફંફોસવા પડતા. હવે એ કામ www.bhagavadgomandalonline.com અને www.bhagavadgomandal.com/ વેબસાઈટ કરી આપે છે.
સુસંસ્કૃત કલેક્શન
છ ખંડોમાં પથરાયેલી કેમ્બ્રિજ લાઇબ્રેરી તેના બેજોડ કલેક્શન માટે જાણીતી છે. સંસ્કૃત દેવ ભાષા, સંસ્કૃત મૂળ ભાષા, સંસ્કૃત આપણી ભાષા એવું ગૌરવ આપણે લેતા રહીએ છીએ પણ સંસ્કૃત સાચવણીમાં આપણે બહુ ડાંડ છીએ. એ કામ જોકે કેમ્બ્રિજે બખૂબી કર્યું છે. પાંદડાંઓ પર સંસ્કૃત ભાષા લખાતી એ વખતની સંસ્કૃત હસ્તપ્રતો કેમ્બ્રિજ યુનિર્વિસટી પાસે છે. એ જગતની સૌથી પ્રાચીન મેન્યુસ્ક્રીપ્ટ પૈકીની એક ગણાય છે. એ ઉપરાંત યુનિર્વિસટીએ દક્ષિણ ભારતમાંથી ૨ હજાર હસ્તપ્રતો એકઠી કરી છે. એ બધી ઓનલાઈન કરવાનું કામ કેમ્બ્રિજે આરંભી દીધું છે.
ઓફલાઈન પણ ઉપયોગી
અમદાવાદસ્થિત એલ.ડી. ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડોલોજીએ સંસ્કૃત અને પ્રાકૃત દસ્તાવેજોની દસેક હજાર હસ્તપ્રતો સાચવી રાખી છે. જોકે આ દસ્તાવેજો ઓનલાઈન ઉપલબ્ધ નથી, છતાં હાથવગા છે, કેમ કે કોઈએ સંશોધન કરવું હોય કે પ્રાચીન હસ્તલિપિઓ જોવી હોય તો અમદાવાદમાં જ એ મળી શકે. એટલે એક રીતે તો ગુજરાતીઓ માટે એ હાથવગું સાહિત્ય કહેવાય. ગાંધીજીના હસ્તાક્ષરો આમ તો દુર્લભ નથી, કેમ કે એમના હાથે લખાયેલાં સુવાક્યો ઠેર ઠેર જોવા મળી જતાં હોય છે. છતાં પણ અમદાવાદસ્થિત સાબરમતી આશ્રમમાં ગાંધીજીએ હાથે લખેલા કાગળો ક્વોલિટી સાઈઝમાં જોઈ શકાય છે. એમાં તો ગાંધીજીના અક્ષરો (ઉકલી શકે તો) ઉકેલી શકાય એવી મોટી સાઈઝ છે.
સરકારી પ્રયાસ
http://www.namami.org/ એ ભારત સરકારનો પ્રયાસ છે. ૨૦૦૩થી ‘નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રીપ્ટ’ ચાલુ કરાયું છે. જોકે એ સરકારી કામકાજ છે અને એમાંય પાછી ભારતની સરકાર એટલે વેબસાઈટ પર તમને મેન્યુસ્ક્રીપ્ટ ઉપલબ્ધ થાય એ વાત તો ભૂલી જ જવાની. તો પણ વેબસાઈટના દાવા પ્રમાણે આ જગતનું સૌથી મોટું મેન્યુસ્ક્રીપ્ટ સંગ્રહાલય છે. એટલે રસિકોને તેમાં જાતજાતની સામગ્રી મળી રહે એ વાત નક્કી. હા નમૂના માટે કેટલીક પાંડુલિપિ ઓનલાઈન મુકાઈ છે ખરી.