Monday, September 17, 2012

વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય છે (ચિંતનની પળે)


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
સિતારા ખરે કે ખરે પાંદડાં, જરા ડાળને તું હલાવી તો જો,રમત આદરી છે તો કંઈ પણ થશે, હથેળીથી પાસાં ફગાવી તો જો.
- રમણિક સોમેશ્વર
દરેક માણસમાં એક જિનિયસ જીવતો હોય છે પણ દરેકને એ મળતો નથી. આપણી ખૂબી ઘણી વખત આપણને જ ખબર હોતી નથી, જો ખૂબીની ખબર ન હોય તો ખામીની તો ક્યાંથી ખબર હોય? દરેક પોતાની જાતને પરફેક્ટ જ માને છે, આપણામાં જરાસરખો ચેન્જ લાવવાની આપણી તૈયારી જ નથી હોતી. તમે ક્યારેય તમારા મિત્રને કે અંગત વ્યક્તિને પૂછયું છે કે તને મારામાં શું ખામી કે કમી લાગે છે? હું શું કરું તો વધુ સારો થઈ શકું?
તમને કોઈ એમ કહે કે તમારામાં ઘર કરી ગયેલો કોઈ એક અવગુણ કહો, તો તમે કયા અવગુણનું નામ આપો? બીજો પ્રશ્ન એ કે તમે તમારા આ અવગુણને દૂર કરવા માટે શું પ્રયત્ન કર્યો ? આપણને બધાને ખબર છે કે કોઈ માણસ સંપૂર્ણ નથી, પરંતુ કેટલા લોકોને એ ખબર હોય છે કે પોતાનામાં શું ખૂટે છે? પોતાની ખામી શોધવાનું કામ સૌથી વધુ અઘરું છે. અને જો એ મળી જાય તો તેને દૂર કરવાનું કામ વળી તેનાથી પણ અઘરું છે, કારણ કે આપણને આપણી ખામીઓ અને મર્યાદાઓ પણ વાજબી લાગતી હોય છે.
જો ભાઈ, હું જેવો છું એવો છું, મારામાં કંઈ ફેર નહીં પડે, લોકોને મારા વિશે જે માનવું હોય તે માને, મને કંઈ ફેર નથી પડતો,આવી ગાંઠ ઘણા લોકો પોતાના વિશે જ બાંધી લેતા હોય છે. આપણે ક્યારેય એ વિચારતા નથી કે જે હું છું એ બરાબર છું? જે વસ્તુમાં આરામથી બદલાવ લાવી શકાય એમાં પણ આપણે બદલાવ લાવી નથી શકતા. એક એવી પણ છાપ છે કે જિનિયસ લોકો થોડાક ક્રેઝી અથવા તો ભેજાંગેપ હોય છે. લોકો દાખલા અને ઉદાહરણો આપે છે. આઈઝેક ન્યુટનની જ વાત કરોને! ન્યુટનની બિલાડીને બચ્ચાં આવ્યાં. ન્યુટનને થયું કે આ બચ્ચું હવે ઘરની બહાર કેમ જશે? દરવાજા ઉપર બિલાડીની અવરજવર માટે મોટું હોલ હતું તેની બાજુમાં ન્યુટને બિલાડીનાં બચ્ચાં માટે બીજું નાનું હોલ બનાવ્યું, બચ્ચાંના આવવા જવા માટે. આવડો મોટો વિજ્ઞાની એવું નહીં વિચારી શક્યો હોય કે મોટા બાકોરામાંથી બચ્ચાં આરામથી અવરજવર કરી શકશે. ન્યુટનની મહાનતા બાજુએ રાખીને વિચારીએ તો કહી શકાય કે આ તો મૂર્ખામી છે. બીજા કોઈએ કર્યું હોત તો આપણે એમ કહેત કે, સાવ બુદ્ધિ વગરનો છે. પણ આ તો ન્યુટન હતા એટલે એને બધું માફ. હા, તમે મહાન કામ કરો તો દુનિયા તમારી નાની નાની ભૂલ અને મૂર્ખાઈ માફ કરી દેતી હોય છે પણ માત્ર મૂર્ખામીથી મહાન થઈ જવાતું નથી.
દરેક માણસમાં એક જિનિયસ જીવતો હોય છે પણ દરેકને એ મળતો નથી. આપણી ખૂબી ઘણી વખત આપણને જ ખબર હોતી નથી, જો ખૂબીની ખબર ન હોય તો ખામીની તો ક્યાંથી ખબર હોય? દરેક પોતાની જાતને પરફેક્ટ જ માને છે, આપણામાં જરાસરખો ચેન્જ લાવવાની આપણી તૈયારી જ નથી હોતી. તમે ક્યારેય તમારા મિત્રને કે અંગત વ્યક્તિને પૂછયું છે કે તને મારામાં શું ખામી કે કમી લાગે છે? હું શું કરું તો વધુ સારો થઈ શકું? કઈ પત્નીએ પતિને અને પતિએ પત્નીને પૂછયું છે કે હું મારામાં શું બદલાવ કરું તો તને વધુ વ્હાલી કે વ્હાલો લાગું? પ્રયત્ન કરી જોજો. તમને ખબર નહીં હોય એવી ઈન્ટરેસ્ટિંગ બાબતો તમારી સામે આવશે.
આપણને આખી દુનિયા પાસે એવી અપેક્ષા હોય છે કે આપણી ઇચ્છા મુજબ તેમાં પરિવર્તન અને બદલાવ આવે. આપણે બધું જ સુધારી દેવું હોય છે. માત્ર આપણે જ સુધરવું હોતું નથી. દુનિયા તમારી મરજી મુજબ બદલાવાની નથી. હા, દુનિયા તમારી મરજી હોય એવી થઈ શકે છે પણ સાથોસાથ તમારે પણ એની મરજી મુજબનું થવું પડે છે. તમે તમારી રીતે જ જીવવા માંગો તો બદલાવ શક્ય નથી.
એક કંપનીમાં એક સિનિયર ઓફિસરની બદલી થઈ. સહકર્મચારીઓએ વિદાય સમારોહ યોજ્યો. બધાં વારાફતી એ અધિકારીનાં ગુણગાન ગાતાં હતા. તમારો સ્વભાવ બહુ સરળ છે, તમારી પાસેથી અમને ઘણું શીખવાનું મળ્યું, તમારા જવાથી અમને એક ઉમદા સિનિયરની ખોટ પડશે. આવી બધી રાબેતા મુજબની વાતો થઈ. એ અધિકારી શાણો માણસ હતો. એક વ્યક્તિ બોલવા ગઈ ત્યાં જ તેણે કહ્યું કે તમને બધાને હું એક વિનંતિ કરું છું, મારામાં શું સારું છે એ કહેવાની જરૂર નથી, તમે બધા પ્લીઝ મને મારી એક એક ખામી કહો જેથી હું નવી જગ્યાએ એને સુધારી શકું. હું ખાતરી આપું છું કે હું કોઈની વાતનું ખરાબ નહીં લગાડું. એ પછી બધા કર્મચારીઓએ ઘણી એવી વાત કરી જે એને પોતાને ખબર ન હતી. એકે કહ્યું કે, સાહેબ, અમે તમને કોઈ વાત કરીએ ત્યારે તમારું ધ્યાન ક્યાંક બીજે હોય છે, બીજાએ કહ્યું કે તમે આંખમાં આંખ મિલાવીને વાત નથી કરતા, ત્રીજાએ કહ્યું કે ફોન આવે તો તમે કોઈ સામે બેઠું છે તેની દરકાર નથી કરતા, ચોથાએ કહ્યું કે તમારા અમુક શબ્દો અમને તીરની જેમ વાગ્યા છે... બીજા લોકોએ પણ જુદી જુદી વાતો કરી અને કહ્યું કે જો તમારામાં આટલા ચેન્જીસ થઈ જાય તો તમારા જેવું કોઈ ન બની શકે. અધિકારીએ છેલ્લે કહ્યું કે, થેંક્સ ફોર નાઈસ ફેરવેલ ગિફ્ટ. આઈ પ્રોમિસ, હું આ બધામાં પરિવર્તન લાવીશ અને ભવિષ્યમાં જ્યારે મારી નવી જગ્યાએથી વિદાય લેવાની હશે ત્યારે મારા વિદાય સમારોહમાં આમાંથી એકેય વાત મારામાં નહીં હોય.
તમારો એટિટયુડ જ તમને સારા નરસા, સફળ- નિષ્ફળ, લાયક- ગેરલાયક કે પ્રિય - અપ્રિય બનાવે છે. આપણે કોઈને આપણી ખામી પૂછતાં નથી અને કોઈ કહે તો આપણે સહન કરી શકતા નથી. કોઈની વાત સાંભળવી એ સૌથી મોટી કળા છે. મને બધી જ ખબર પડે છે, તમારે કંઇ કહેવાની જરૂર નથી, એવો એટિટયુડ રાખશો તો લોકો તમને સાચી વાત કહેવાનું બંધ કરી દેશે.
માત્ર સારી વાત કહેવાવાળા લોકો રિસ્કી હોય છે. સાથોસાથ એ પણ જરૂરી છે કે તમે તમારા લોકોને એટલી સ્પેસ આપો કે એ પોતાના દિલની વાત ખુલ્લા દિલે કરી શકે.
આપણે જે માનતા હોઈએ એ બધું જ સાચું હોય એ જરૂરી નથી. હા, આપણે આપણી દરેક આદતો અને સ્વભાવ બદલી શકતા નથી. પણ જે બદલી શકાય એવું હોય તેને બદલવામાં કંઈ પ્રોબ્લેમ હોતો નથી. દરેક માણસમાં થોડાક વધુ સારા થવાની ક્ષમતા હોય જ છે. ઓલિમ્પિક રમતોત્સવ પછી એક ખેલાડીએ કહેલી વાત સમજવા જેવી છે. તેણે કહ્યું કે ગોલ્ડન અને સિલ્વર વચ્ચે માત્ર થોડીક ક્ષણોનો જ ફર્ક હોય છે, તમારે બસ એ બેચાર પળ સંભાળી લેવાની જરૂર હોય છે. બેટર અને બેસ્ટ, બેમાંથી કેવા રહેવું એ તમારે નક્કી કરવાનું હોય છે.
કોઈ પરફેક્શન એકદમ સીધું જ આવી જતું નથી. બધાં જ નિશાન એકદમ પરફેક્ટ ટાર્ગેટ પર લાગતાં નથી. સતત સુધારો જ માણસને પરફેક્ટ બનાવે છે. તમારી નબળાઈને હટાવી દો એટલે તમારી સબળાઈ ઓટોમેટિક બહાર આવશે. ફૂલનું ઝાડ વાવો તો સાથોસાથ ઘાસ પણ ઊગી નીકળતું હોય છે. ફૂલને ખીલવવા માટે ઘાસ દૂર કરવું પડે છે. આપણી જિંદગીમાં અને આપણી માન્યતાઓમાં પણ જો સાફસફાઈ ન કરીએ તો ઘાસ ઊગી નીકળે છે અને બાવા ઝાળાં બાઝી જાય છે.
મેં બધું કરી લીધું અને હું જે કરું છું એ જ બેસ્ટ છે એવું જ્યારે કોઈ માનવા લાગે ત્યારે તેનો વિકાસ અટકી જાય છે. મોટા ભાગે માણસ પોતાની જાતને જ બાંધી લેતો હોય છે. પોતાની સીમા પોતે જ નક્કી કરી લેતો હોય છે. જિંદગીમાં ગોલ સેટ કરો પણ જો એ ગોલ વહેલો સેટ થઈ જાય તો વધુ ઊંચો અને અઘરો ગોલ નક્કી કરો.
સંબંધોમાં પણ એવું જ હોય છે. સાવ નાની અમથી વાત જ નડતી હોય છે. તમારી વ્યક્તિમાં તમને શું નથી ગમતું? એ વિચાર કરજો. પછી થોડોક એ વિચાર પણ કરજો કે એવામાં સારું શું છે? ઘણું મળી આવશે. તમે એની ખામીને નજરઅંદાજ કરો તો તેની સારપ જ દેખાશે પણ આપણે એ નથી જોતા. આખા સફેદ કપડામાં એક કાળો ડાઘ જ આપણને દેખાતો હોય છે અને આપણે આપણી નજર ત્યાંથી ખસેડતા જ નથી. જિંદગીમાં જરાક નજર, જરાક વર્તન અને જરાક વિચાર બદલી શકાય તો આખી જિંદગી બદલી શકો છો. થોડાક બદલાવ બધા લોકોમાં શક્ય છે. ગાંઠ છોડી નાખો તો જ મોકળાશ અને હળવાશ થશે. ખરાબ કંઈ જ નથી, જો સારું જ જોવાની તમારી તૈયારી હોય તો.
છેલ્લો સીન :
મનની શાંતિ અનુકૂળ પરિસ્થિતિઓ દ્વારા નહીં, પરંતુ આંતરિક પરિવર્તન દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ.