નવી દિલ્હી, તા. ૨૫
- વડાપ્રધાનના સલાહકાર સામ પિત્રોડાએ ટ્વિટર પર લોકોના સવાલોના જવાબ આપ્યા
- 'માહિતીનું લોકશાહીકરણ' વિષય પર પ્રેસ કોન્ફરન્સ હતી
પૂર્વોત્તરનાં લોકો વિરુદ્ધ અફવાઓ, ગાંધી પરિવાર- કોંગ્રેસ વિરુદ્ધ દુષ્પ્રચારનાં અભિયાન જેવા મુદ્દાઓને પગલે ટ્વિટર, ફેસબૂક, યૂ ટયૂબ જેવી સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર નિયંત્રણની વાતો કરનાર યુપીએ સરકારને આખરે આ સાઇટ્સનું મહત્ત્વ સમજાયું છે. સરકારે મંગળવારે પોતે ટ્વિટર પર પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પબ્લિક ઇન્ફોર્મેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન્સ પર વડાપ્રધાન મનમોહનસિંહના સલાહકાર તથા ભારતમાં સંચાર ક્રાંતિના જનક મનાતા સામ પિત્રોડાએ મંગળવારે ૩.૩૦થી ૪.૪૫ સુધી ટ્વિટર પર તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.ભારતમાં માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર સરકાર દ્વારા સૌપ્રથમ વખત કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ટ્વિટર પરની પ્રથમ પ્રેસ મિટિંગ દરમિયાન પિત્રોડાએ 'માહિતીનું લોકશાહીકરણ' વિષય પર પત્રકારોના વિવિધ પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યા હતા.
ઓનલાઇન કોન્ફરન્સની શરૂઆતમાં જ પિત્રોડાએ તેમના #DoI હેન્ડલનો ઉપયોગ કરી ટ્વિટ કર્યું હતું કે, 'સંસદ, કારોબારી અને ન્યાયાલયની જેમ માહિતી પણ લોકશાહીનો ચોથો સ્તંભ હોવાનું હું દૃઢપણે માનું છું.'
પિત્રોડાને અનુસરીને ભવિષ્યમાં અમલદારો અને કેન્દ્રીયપ્રધાનો પણ ટ્વિટર, ફેસબુક, ગૂગલ પ્લસ જેવી વિવિધ સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સનો પ્રેસ કોન્ફરન્સ માટે ઉપયોગ કરી શકે છે.
નેટ પર લાઇવ ચેટ કરનાર મોદી ભારતના પ્રથમ નેતા
ગત ૩૧મી ઓગસ્ટે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલ પ્લસનાં માધ્યમથી દેશભરનાં લોકો સાથે લાઇવ ચેટ કરી હતી, જેને લીધે ગૂગલ પ્લસની સુવિધા ખોરવાઇ હતી. નેટિઝન્સ સાથે ઓનલાઇન ચેટ કરી હોય તેવા મોદી પહેલા રાજકારણી છે. આ ટ્વિટર પ્રેસ મિટિંગનો નિર્ણય પણ મોદીની લાઇવ ચેટને પગલે આયોજિત કરાઈ છે.
ટ્વિટર પર રાજકારણીઓ
હાલ કેટલાક પ્રધાન અને નેતાઓ ટ્વિટર પર સક્રિય છે, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી, જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહ, રમત અને યુવા બાબતોના કેન્દ્રીય પ્રધાન અજય માકન ટ્વિટર પર સક્રિય છે. ઉપરાંત પૂર્વ પ્રધાનોમાં મિલિંદ દેવડા અને શશિ થરુર પણ ટ્વિટર પર સક્રિય છે. ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ),પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઇબી) અને વિદેશ મંત્રાલય પણ માહિતી પ્રસાર માટે ટ્વિટરનો ઉપયોગ કરે છે. જોકે આ કાર્યાલયો વન-વે ઇન્ફોર્મેશન શેરિંગ જ કરે છે.