(બિઝનેસ ડેસ્ક) અમદાવાદ, તા. ૨૭
ગુજરાત સરકાર 'પંચરત્ન'માંની એક ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ના બોન્ડ ઇશ્યુને જબરી સફળતાં મળી, સરસ...કુલ રૂ.૩૦૦૦ કરોડની સાઇઝ સામે રૂ.૧૦૧૦૦ કરોડની બીડ આવી, બહુ જ સરસ...પરંતુ, બોન્ડ ઇશ્યુના પ્લેસમેન્ટની સમગ્ર પ્રકિયામાં જે કાંઇ થયું છે તેમાં કશું જ સારૂં નજરે ચડતું નથી. બોન્ડ ઇશ્યૂમાં સિલેક્ટિવ બીડિંગના નામે જે નવી રીતરસમ અપનાવાઈ છે તેનાથી જીએસપીસીના ભોગે ખાનગી ખેલાડીઓને જલસાં કરાવાયા હોવાની શંકા જાગી છે. કોઇપણ પીએસયુના બોન્ડ સહિતના માર્કેટ બોરોઇંગ પ્રોગ્રામમાં આવું સિલેક્ટિવ બિડીંગ ક્યારેય થયું નથી. બીજું ઇશ્યુ મેનેજર કે એરેન્જરને જે ફી ચૂકવાઇ છે તે પણ બિલકુલ હજમ થાય એવી નથી. ત્રીજું રિઝર્વ બેંકની ધિરાણ નીતિમાં વ્યાજદર ઘટે એવું પગલું જરૂર હશે તેવી સાર્વત્રિક ધારણા હતી, તેમ છતાં ધિરાણ નીતિ આવે તેના માત્ર ત્રણેક દિવસ પહેલા બોન્ડ ઇશ્યુની "ગોઠવણ" જે રીતે કરી દેવાઇ તેમાં "અપફ્રન્ટીંગ" નો ડાઉટ જાગે છે. રૂ.૩૩ કરોડ જેવી ઉંચી ફીના બખ્ખા ઉપરાંત સેકંડરી માર્કેટમાંય આના કારણે કેટલાંક ચોક્કસ લોકોને કમસેકમ રૂ.ત્રીસેક કરોડનો તડાકો પડી જશે! આ રીતે ભરણામાં વૈદ્ય-ગાંધીનું સહિયારૂં થયું હોવાની અને કોઇક મોરલો કે મોરલાઓ કળા કરીને લાભ ખાટી ગયા હોવાની તમામ શક્યતા દેખાય છે.
ગુજરાત સરકારના શિરમોર જાહેર સાહસોમાંની એક જીએસપીસીનો બોન્ડ ઇશ્યુ ગ્રીન શૂ ઓપ્શન સહિત કુલ રૂ.૩૦૦૦ કરોડનો હતો. બોન્ડ ત્રણ પ્રકારના હતા. ૮ વર્ષના મુદ્દતી બોન્ડ ૮.૩૯ ટકા તથા ૧૦ વર્ષ માટેના બોન્ડ ૯.૪૫ ટકા વ્યાજની જોગવાઇવાળા છે. વ્યાજની ચૂકવણી ૬ માસિક ધોરણે નિર્ધારાઇ હોવાથી વાસ્તવિક ર્વાિષક વળતર નિયત વ્યાજદર કરતાંય ઉંચું બેસે છે. બંને કેટેગરીના બોન્ડ ઉપર એરેન્જર ફી ૯૦ પૈસા જ્યારે ૬૦ વર્ષની મુદ્દતવાળા વર્ચ્યુઅલ બોન્ડ ઉપર દોઢ રૂપિયો ચૂકવાયો છે.
આઠ- દસ વર્ષના બોન્ડના કિસ્સામાં જીએસપીસીના કેલિબરવાળું કંઇપણ જાહેર સાહસે ૨૦ પૈસાથી વધુ ફી ચૂકવી હોય તેવું ધ્યાનમાં નથી. તો પછી આટલી તગડી ફી કોના લાભાર્થે અને કોના ઇશારે ચૂકવાઇ તે સંશોધનનો વિષય છે.
પીએસયુના બોન્ડ ઇશ્યુમાં શક્ય હદે વધુને વધુ ઇશ્યુ એરેન્જર કે મર્ચન્ટ બેંકર્સને બોલાવાય છે. જેમની સંખ્યા ૧૦થી નીચે ક્યારેય હોતી નથી. જીએસપીસીએ પાંચ-છથી કામ ચલાવ્યું છે. બિડીંગ પ્રોસેસમાં જેટલા વધુ મર્ચન્ટ બેંકર્સને બોલાવાય તેટલી ટ્રાન્સપરન્સી વધુ રહે છે. કમિશન-ફી ઇત્યાદી કસીને નક્કી કરી શકાય છે. તૌ પછી જીએસપીસીએ સિલેક્ટિવ બિડીંગ પ્રોસેસ શા માટે અપનાવી? રૂ.૩૦૦૦ કરોડના બોન્ડના પ્લેસમેન્ટના ધંધાનો સિંહભાગ- રૂ.૨૬૦૦ કરોડ ટ્રસ્ટ કેપિટલ નામની ખાનગી એરેન્જરના ફાળે ગયો છે. આઇસીઆઇસીઆઇ બેંક તથા એક્સીસ બેંકના ભાગે રૂ.૨૦૦-૨૦૦ કરોડ આવ્યા છે. આ દેખાડો નથી?બોન્ડ ઇશ્યુમાં ફી તરીકે રૂ.૩૩ કરોડની તગડી રકમ જીએસપીસી જેવી ડબલ એ રેટિંગવાળી કંપનીને ક્યા કારણસર ચૂકવવાની ફરજ પડી તે સમજી શકાતું નથી.
મામલા ગડબડ હૈ.....!
જીએસપીસીના રૂ.૩૦૦૦ કરોડના બેન્ડ ઇસ્યૂમાં સિલેક્ટિવ બિડીંગની નવતર પદ્ધતિ અપનાવાઇ હતી, જેમાં એક જ પાર્ટીને રૂ.૨૬૦૦ કરોડના બોન્ડનું પ્લેસમેન્ટ કરાયું છે. કોઇપણ સદ્ધર પીએસયુએ ક્યારેય ના ચૂકવી હોઇ એટલી ઉંચી ફી ચૂકવી આ ખાનગી પાર્ટીને તગડો લાભ કરાવી અપાયો છે. રિઝર્વ બેંકની ક્રેડિટ બેંક પોલિસી ત્રણેક દિવસ પછી આવવાની હોવા છતાં અને તેના પગલે વ્યાજદર નીચા જવાની પૂરતી શક્યતા હોવા છતાં, ઘડિયા લગ્નની જેમ બોન્ડ ઇશ્યૂનો મામલો આટોપી દેવાયો. બોન્ડ ઉપરનું વ્યાજ ખોટી રીતે ઉંચા દરે નક્કી કરાયું. આને લઇ ચોક્કસ ખાનગી ખેલાડીઓ "અપ-ફ્રન્ટીંગ" કરી સેકન્ડરી માર્કેટમાં લાભ ખાટી શકે તેવી ગોઠવણ કરી આપવામાં આવી. આખા કિસ્સામાં ઉંચી ફી તેમજ "અપ-ફ્રન્ટીંગ"ના ખેલ દ્વારા લાગતી વળગતી ખાનગી પાર્ટી કમસે કમ મહિનાથીએ ઓછા સમયમાં રૂ.૫૦-૫૫ કરોડ આસાનીથી બનાવી લેશે. જીએસપીસીને ઉંચી એરેન્જર ફી પેટે તાત્કાલિક રૂપિયા વીસેક કરોડનું નુક્શાન ગયું છે તથા નિર્ધારીત કરાયેલા ઉંચા વ્યાજદરને લઇ ૮-૧૦ વર્ષમાં ઓછામાં ઓછો રૂ.૭૦-૮૦ કરોડનો બોજ વેઠવો પડશે તે અલગ. જાણકારો કહે છે કે, આ આખી રમત જીએસપીસીના એમ.ડી. તપન રેનું ગજુ નથી. બહું ઉચ્ચ સ્તરના કલાકારો આ ખેલમાં સામેલ હોવા જોઇએ. તેમાં એક નામ ઉર્જા મંત્રી સૌરભ પટેલનું પણ સંભળાય છે.
યે બાત ક્યા હૈ,યે રાઝ ક્યા હૈ...???
રૂ.૩૦૦૦ કરોડના બોન્ડના પ્લેસમેન્ટ માટે રૂ.૩૩ કરોડની તગડી ફી શા માટે ચૂકવાઇ?
૧૦-૧૫ મર્ચન્ટ બેંકરના બદલે ૫-૬ મર્ચન્ટ બેંકરથી પતાવી દેવાની સિલેક્ટિવ બિડીંગ પ્રોસેસ કોના લાભાર્થે હતી?
ત્રણ દિવસ પછી રિઝર્વ બેંકની ધિરાણ નીતિ આવવાની હોવા છતાં ઇશ્યુની ગોઠવણ માટે આટલી ઉતાવળ કેમ કરાઇ?
જીએસપીસી જેવી સ્ટ્રોંગ કંપનીને ૮થી ૧૦ વર્ષના બોન્ડ માટે ૯૦ પૈસાની ફી કેમ ચૂકવવી પડી?
આ પ્રકારની સદ્ધરતા ધરાવતા કોઇપણ પીએસયુએ ક્યારેય ૨૦ પૈસાથી વધુ ફી ચૂકવી નથી.
વ્યાજદરની 'સાયકલ' હવે ડાઉનવર્ડ ટ્રેન્ડમાં જવાનું નક્કી છે. ત્યાં બોન્ડ પરનો વ્યાજદર ઉંચો નથી?
રૂ.૩૩ કરોડની તગડી ફી ઉપરાંત 'અપ-ફ્રન્ટીંગ'ની રમતની ભરપૂર શક્યતા... કયાં ખેલાડીઓ આનો લાભ ખાટશે તે તપાસ કરવી જરૂરી નથી?
રૂ. ૩૦૦૦ કરોડમાંથી રૂ. ૨૬૦૦ કરોડનો ધંધો એક જ પાર્ટીને !
અપફ્રન્ટીંગમાં ખેલાડીઓ ર્વાિષક ૩૬-૪૮ ટકાના દરે કમાઈ લેશે.
ટ્રસ્ટ કેપિટલ અને તેના નિપા શેઠ કોણ છે?
બોન્ડ માર્કેટની દુનિયામાં આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ જેવા દિગજ્જ ખેલાડીઓ પછી ત્રીજું મોટું નામ ટ્રસ્ટ કેપિટલનું છે. ટ્રસ્ટ કેપિટલ તેમજ તેના ફાઉન્ડર નિપા શેઠ બોન્ડ માર્કેટમાં બહુ મોટા ગજાના ખેલાડી ગણાય છે. આમ છતાં બહારની દુનિયામાં નિપા શેઠ ભાગ્યેજ દેખાય છે. મીડિયાને તે ઈન્ટરવ્યૂ આપવાનું હંમેશા ટાળે છે અને તેમનો ફોટગ્રાફ જ્વલેજ જોવા મળે છે. તે સીએની ડીગ્રી ધરાવે છે.
જુજ લોકોને ખબર હશે કે નિપા શેઠ સૌથી મોટી ડેટ પોર્ટોફોલિયો મેનેજમેન્ટ સ્કિમ પણ ચલાવે છે. એક દાયકાથી વધુ સમય પૂર્વે નિપા શેઠે બોન્ડ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો અને તેમના ભંડોળનો મુખ્ય સોર્સ બેન્કો છે. અને આ બેન્કો બોન્ડ પરનાં રીટર્ન કરતાં પણ વધુ વ્યાજ વસુલે છે. આ ભંડોળમાંથી ટ્રસ્ટ કેપિટલ બોન્ડમાં અતિ ટુંકા સમય માટે રોકાણ કરી તેને પ્રોવિડન્ડ ફંડ,ચેરિટી ટ્રસ્ટસ, કોર્પોરેટ કંપનીઓ તેમજ હાઈ નેટવર્થવાળા ઇન્વેસ્ટર્સને વેંચી મારતાં હોવાનું કહેવાય છે. રૂ. ૩૦૦૦ કરોડના બોન્ડ ઇશ્યૂમાંથી બાકીના રૂ. ૨૦૦ - ૨૦૦ કરોડનો બિઝનેસ આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના ફાળે રહ્યો છે. જે બોન્ડ માર્કેટના લીડર એરેન્જર ગણાય છે. જ્યારે ત્રીજા ક્રમે આવતા ટ્રસ્ટ કેપિટલને રૂ. ૨૬૦૦ કરોડની ફાળવણી થઈ છે. આ બાબત સીલેક્ટિવ બિડિંગનો મૂળ આશય ટ્રસ્ટ કેપિટલને જ વધુને વધુ બિઝનેસ આપવાનો હોય તેવી શંકા પેદા કરે છે.