મુંબઈ, 7 ઓગસ્ટ
આમ તો ભારતમાં એક સ્થળેથી બીજી જગ્યાએ તેમને સરળતાથી ટ્રેન મળી જશે, પરંતુ જો તમે મહારાષ્ટ્ર ટ્રેનમાં ફરવા માંગતા હોવ તો તમને અદ્યતન આધુનિક સુવિધાઓથી સજ્જ અને જાણે તમે ફોરેનમાં ફરતાં હોવ તેવી ટ્રેનની મુસાફરી કરવાની તમને તક મળી જશે. 'પેલેસ ઓન વ્હીલ્સ' નાં આધાર પર બનાવવામાં આવેલી આલિશાન ટ્રેન તમને આખા મહારાષ્ટ્રની સફર કરાવશે. આ ટ્રેન બુધવારે મુંબઈથી નીકળી રત્નાગીરી, સિંધુદુર્ગ, ગોવા, બેલગામ, કોલ્હાપુર, પૂના, નાસિક, ઔરંગાબાદ અને અજંતા ઈલોરા થઈને મુંબઈ પરત ફરે છે. 'ડેક્કન ઓડિશી' નામની આ ટ્રેન એક લકઝરી સુવિધાઓ આપતી ટ્રેન છે. આ ટ્રેનનો વહીવટ રેલ્વે મંત્રાલયની સાથે મહારાષ્ટ્ર ટુરિઝમ કોર્પોરેશન મળીને કરે છે. આ ટ્રેનની તુલના તમે સાઉથ આફ્રિકાની બ્લૂ ટ્રેન અને યુરોપની ઓરિએન્ટ એક્સપ્રેસ સાથે ચોક્કસથી કરી શકશો. ટ્રેનમાં ટીવી, એસી, સેલ ફોન ,ચેનલ મ્યૂઝિક અને ફોરેન એક્સચેન્જની સુવિધા પણ મળી રહેશે. આ ટ્રેન બુધવારે મુંબઈથી નીકળે તો તમને સાત દિવસ સુધી મહારાષ્ટ્રની સફર કરાવે છે. આ ટ્રેન તમને સિંધુદુર્ગનો પ્રસિદ્ધ કિલ્લો, તરકાર્સ બીચ, ગોવાનાં વાસ્કો શહેર થઈને કોલ્હાપુર મહાલક્ષ્મીનાં મંદિરની બાદ ઓરંગાબાદની અજંતા ઈલોરાની ગુફાઓનાં પણ દર્શન કરાવશે. આ ટ્રેનમાં જમવાની પણ અદ્યતન સુવિધા આપવામાં આવી છે, તેની સાથે કોમ્પ્યૂટરનાં અલગ રૂમ અને જીમની પણ વ્યવસ્થા ટ્રેનમાં જ આપવામાં આવી છે. |