શિકાગો, તા. ૨૫
સાપેક્ષવાદ અને ઊર્જાના જથ્થામાં એકમની ક્વોન્ટમ થિયરી વિકસાવનાર નોબેલ પ્રાઇઝ વિજેતા આલ્બર્ટ આઈનસ્ટાઈનનું મગજ હવે લોકોને અભ્યાસ માટે માત્ર ૧૦ ડૉલરમાં મળશે. આઈનસ્ટાઈન શા માટે વિચક્ષણ હતા અને તેઓ શા માટે વધુ બુધ્ધિશાળી હતા તેનો અભ્યાસ કરવા માટે આઈપેડ પર એપ્લિકેશન તરીકે તે મેળવી શકાશે. માત્ર ૯.૯૯ ડૉલરમાં તેને ડાઉનલોડ કરી શકાશે. કોઈ વૈજ્ઞાાનિકનાં મગજની ડિજિટલાઇઝ્ડ મોટી ઈમેજ ક્યાંય હજી સુધી મેળવી શકાઈ નથી આઈપેડ પર તે હવે સરળતાથી મેળવી શકાશે. શિક્ષિકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો કે જેઓ તેમનાં મગજનો અભ્યાસ કરવા માગે છે તેઓ તે સહેલાઈથી ડાઉનલૉડ કરી શકશે.
શિકાગોમાં આ અંગે મેડિકલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૯૫૫માં મૃત્યુ પામનાર આઈનસ્ટાઈનનાં મગજની સ્કેન અને ડિજિટલાઈઝ્ડ કરેલી ૩૫૦ જેટલી અમૂલ્ય સ્લાઇડ્સ મૂકવામાં આવનાર છે. જેને આઈપેડ પર ડાઉનલૉડ કરીને તેનો વિસ્તૃત અભ્યાસ કરી શકાશે.
આઈનસ્ટાઈનનું અવસાન થયું તે પછી થોમસ હાર્વી નામનાં પેથોલોજીસ્ટ દ્વારા તેના મગજ સહિત અન્ય અંગોની ઓટોપ્સી કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ બુધ્ધિશાળી વ્યક્તિનાં મગજનો અભ્યાસ કરીને તેનાં રહસ્યો ઉકેલવાનું સંશોધકો માટે આસાન બને તેવો તેનો ઈરાદો હતો. થોમસ હાર્વીએ કરેલા અભ્યાસ મુજબ આઈનસ્ટાઈનનાં મગજનો 'પેરાઇટલ લોબ' તરીકે ઓળખાતો હિસ્સો સામાન્ય માનવીનાં મગજનાં આવા જ હિસ્સા કરતાં ૧૫ ટકા વધુ મોટો અને પહોળો હતો. મગજનો આ હિસ્સો મેથ્સ, ભાષા તેમજ સ્પેટિયલ રિલેશનશિપ સમજવા માટે વધુ મહત્વનો છે.