Thursday, June 21, 2012

જીવન


(૧) જીવન શું છે ? ...
http://desais.net/das/wp-content/uploads/2012/06/LIFE.4.jpg
 જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. 
જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? 
સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ? 
તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી.
ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. 
ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ?
તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ?
 તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો.
 કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત.
જીવન જૂઠું બોલતું નથી.
(૨)  ભૂલો અને માફ કરો....
એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી.
તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અદ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું !
બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટાટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધા બટેટા સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું.
 વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે.
 નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.
 ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે.  બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે.

ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક ઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે.  લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે.

માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે