Monday, December 17, 2012

બઢતીમાં અનામત ખરડો રાજ્યસભામાં બહુમતીથી પસાર


નવી દિલ્હી, તા. ૧૭
  • ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ ખરડાની તરફેણમાં મતદાન કર્યું
  • ક્વોટા બિલવિવાદ : સમાજવાદી પક્ષે નાખ્યું મુસ્લિમ કાર્ડ
  • સચર કમિટીના અહેવાલનો હવાલો આપી એસપીએ સૂત્રોચ્ચાર કર્યા
એસસી અને એસટીના કર્મચારીઓને સરકારી નોકરીમાં બઢતીમાં અનામત આપવા બંધારણીય સુધારાનો ખરડો આજે રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યો હતો. રાજ્યસભામાં હાજર રહેલા ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે માત્ર ૧૦ સભ્યોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. આ ખરડાના વિરોધમાં સમાજવાદી પાર્ટીના નવ અને એક અપક્ષ સાંસદ મોહમ્મદ અદિબે મતદાન કર્યું હતું જ્યારે ખરડાનો વિરોધ કરી રહેલા શિવસેનાના તમામ ચાર સભ્યો ગૃહમાં હાજર રહ્યા નહોતા. યુપીએ સરકારને બહારથી સમર્થન આપી રહેલા બહુજન સમાજપાર્ટી આ ખરડાને પસાર કરવા જોરશોરથી માગણી કરી રહી છે જ્યારે સમાજવાદી પાર્ટી તેના વિરોધમાં છે. અગાઉ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીએ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમોને અનામત મામલે હોબાળો મચાવતાં ગૃહની કાર્યવાહી અડધો કલાક માટે મુલતવી રાખવી પડી હતી.
લોકજનતા પક્ષ(એલજેપી)ના અધ્યક્ષ રામવિલાસ પાસવાન અને રાષ્ટ્રીય જનતાદળ(આરજેડી)ના સભ્યોએ સમાજવાદી પક્ષનું સમર્થન કર્યું હતું. આ પહેલાં શૂન્યકાળ દરમિયાન સમાજવાદી પક્ષના સભ્યોએ ચેરમેનની ખુરશી નજીક પહોંચી જઈ સચર કમિટીના અહેવાલના અમલીકરણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ ગૃહના ચેરમેન હામિદ અન્સારીએ તેમને(સપના સભ્યો) અપીલ કરી હતી કે, તેઓ વેલ સુધી ન આવે. ત્યાં સુધી આવવાની પરવાનગી નથી પણ તેમ છતાં તેઓ શાંત ન થતાં ગૃહને અડધા કલાક માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
સમાજવાદી પાર્ટીએ મુસ્લિમ કાર્ડ ઉતાર્યું
રાજ્યસભામાં સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવે શૂન્યકાળ દરમિયાન મુસ્લિમ અનામતનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે,રાજેન્દ્ર સચર કમિટીએ તેના અહેવાલમાં ટાંક્યું છે કે, મુસ્લિમોની પરિસ્થિતિ દલિતો કરતાં પણ બદતર છે અને તેથી મુસ્લિમ અનામતની સુવિધા પૂરી પાડવા માટે બંધારણીય સુધારો જરૃરી છે, જો સરકારી નોકરીમાં પ્રમોશનમાં એસસી/એસટી અનામત માટે બંધારણીય સુધારો કરી શકાય તો પછી મુસ્લિમ માટે બિલમાં સુધારો શા માટે ન થવો જોઈએ.
સચર સમિતિના અહેવાલમાં શું છે ?
વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા વર્ષ ૨૦૦૫માં ભારતીય મુુસ્લિમોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિ જાણવા દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાજેન્દ્ર સચરની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી. છ સભ્યોની સમિતિએ ભારતમાંના મુસ્લિમોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિ અંગે રજૂ કરેલા અહેવાલમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે, ભારતીય મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં લોકોની પરિસ્થિતિ કરતાં ખરાબ છે.
બંધારણમાં ૧૧૭મો સુધારો
એસસી અને એસટી જાતિના કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટે બંધારણમાં ૧૧૭મો સુધારો કરાયો હતો. બંધારણમાં સુધારો કરવા માટે ૨/૩ બહુમતીની જરૃર હોય છે. આજે રાજ્યસભામાં હાજર રહેલા ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ બંધારણના સુધારાની તરફેણમાં મતદાન કરતાં સ્પષ્ટ બહુમતી મળી હતી.