Tuesday, March 11, 2014

સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ છે

સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ છે
આત્મખોજ કરવાની આવશ્યકતા છે કે આપણી દિનચર્યામાં દિવસનું અજવાળું કેટલું?
'જ વા દોને યાર, ટાઇમ જ ક્યાં છે?’ અસંખ્ય લોકો પાસેથી સાંભળવા મળતું આ વાક્ય છે. વાચવું છે પણ સમય નથી. સવારે વહેલા ઊઠીને કસરત કરવી છે પણ સમય નથી. કંઇક કામ કરવું છે પણ સમય નથી. દેશ અને સમાજ માટે કરવું છે પણ સમય નથી.એક મિત્ર કહે, 'કામ ખૂબ ચડી ગયું છે. જરા પણ સમય મળતો નથી. દિવસ ૨૬ કલાકનો થઇ જાય તો કેવું’ બીજા મિત્રો પૂછ્યું, 'એ શક્ય બનાવી શકાય. બોલો હું કહું એમ કરશો?’ આશ્ચર્ય પામેલા મિત્રએ કહ્યું, 'હા’.

બીજો મિત્ર કહે, 'આવતી કાલથી સવારે સાતને બદલે પાંચ વાગે ઊઠો... એટલે રોજનાં કામના બે કલાક વધુ મળશે. બોલો, થઇ ગયોને દિવસ ૨૬ કલાકનો’ દિવસ લાંબો કે ટૂંકો કરવો એ આપણા હાથમાં છે. આત્મખોજ કરવાની આવશ્યકતા છે કે આપણી દિનચર્યામાં દિવસનું અજવાળું કેટલું? કામમાં કેટલા કલાક વીતે છે અને ઊંઘવામાં કેટલા કલાક વીતે છે? જોન રસ્કિને કહ્યું છે, 'દિવસની શરૂઆતમાં કરવા યોગ્ય સારામાં સારી પ્રાર્થના એ છે કે આપણે એ દિવસની એક પણ ક્ષણ વ્યર્થ ખોઇએ નહીં.’

આપણા દેશના એક મોટા બંધ પર જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જાપાનનાં મશીનો લગાવવામાં આવેલાં. એને શીખવવા માટે એક જાપાની એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. ભારતીય એન્જિનિયરોએ જાપાની એન્જિનિયર સાથે બીજે દિવસે સવારે ૧૦ વાગે બંધ પર પહોંચવાનું નક્કી કર્યું. જાપાની એન્જિનિયર બીજે દિવસે બરાબર ૧૦ વાગે સ્થળ પર પહોંચ્યો, ત્યાં એક પણ ભારતીય એન્જિનિયરને આવેલા ન જોઇને તેને ખૂબ આશ્ચર્ય થયું.લગભગ અડધા કલાક પછી ભારતીય એન્જિનિયરો ત્યાં પહોંચ્યા.

એમને જોઇને જાપાની એન્જિનિયર ગુસ્સાથી લાલચોળ થઇ ગયો અને તાડુક્યો, 'તમે મને ૧૦ વાગ્યાનો સમય આપ્યો હતો. હું અડધા કલાકથી અહીં આવીને ઊભો છું. તમારે સાડા દસ વાગે આવવું હતું તો મને દસ વાગ્યાનો સમય કેમ આપ્યો? તમને સમયની કદાચ કિંમત નહીં હોય. મારે મન એકએક મિનિટનું મૂલ્ય છે.’ ભારતીય એન્જિનિયર માથું ઝુકાવી સાંભળી રહ્યા. આ આક્ષેપ કહો તો આક્ષેપ પણ જીવનની... સામાન્ય માણસના જીવનની વાસ્તવિકતાનું આ ચિત્રણ છે. અને આ આક્ષેપ લાગુ પડે છે સમય બગાડનારાઓ માટે, સમય બચાવનારાઓ માટે નહીં.

આ આક્ષેપ એમના માટે છે જે કહે છે... 'મારે સમય પસાર કેવી રીતે કરવો એ પ્રોબ્લેમ છે... I want to kill the time.’‍.પ્ત સમય એ kill કરવાની વસ્તુ છે કે ‘Skillfully use’ કરવાની? સમયને આવતો જ ઝડપો. વીતી ગયેલી પળની કોઇ કિંમત નથી. શેક્સપિયરે એક ચિત્ર બનાવ્યું હતું. માણસના ચહેરા જેવી પણ આંખ, કાન, નાક વગરની માત્ર રેખાકૃતિ ચહેરાના આગળના ભાગમાં વાળનો ગુચ્છો અને પાછળ ટાલ હતી. નીચે લખ્યું હતું- 'સમય’.

ચિત્ર જોનારા સમજી શકતા ન હતા કે સમયનું આ તે કેવું ચિત્ર? કોઇએ પ્રશ્ન કર્યો ત્યારે શેક્સપિયરે કહ્યું કે, 'સમયને આવતો ઝડપવાથી જ તે ઝડપાય છે, પાછળથી પકડવાથી તો માત્ર ટાલ જ હાથમાં આવે છે’ 'સમય નથી’ કહેનારા બહુ મોટી આત્મવંચના કરે છે. એમાંના મહદંશે આળસ કે પ્રમાદના શિકાર હોય છે. સમય તો છે પણ એની યથાર્થતા, એની ઉપયોગિતા સમજાતી નથી અને માટે એનો સદુપયોગ પણ થતો નથી. સમયના યોગ્ય ઉપયોગ માટે પ્રખર ઇચ્છાશક્તિની જરૂર છે.

પૈસા અને ઘીની જેમ એનો ઉપયોગ કરવાની છે... Time is money, Time is everything. સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ નાતો છે. કર્તવ્યશીલ વ્યક્તિ સમયને ઓળખે છે, પ્રમાદી વ્યક્તિને સમય ઓળખે છે. સમયની પ્રત્યેક પળનો ઉપયોગ કરનાર કર્મનો આનંદ અનુભવે છે. વેડફનાર અંતે તો હતાશ નિરાશાની ગર્તામાં ધકેલાય છે, વિષદ સમયનું મૂલ્ય ન સમજનાર અનેકોનો સમય બગાડે છે... પરિણામસ્વરૂપ તે સમાજનો દ્રોહી છે.

સમયનો સદુપયોગ મનને આનંદ આપે છે. Time Management વર્તમાનયુગનો એક મહત્ત્વનો વિષય બન્યો છે. સમયના સંતુલનને યોગ્ય રીતે સમજનારો માણસ પોતાની દિનચર્યા પણ સંતુલિત રીતે ગોઠવે છે. એવા માણસની દિનચર્યામાં ગજબનું સામંજસ્ય હોય છે. પોતાને કરવાનાં કામોનું પ્રમાણ, પોતે પ્રાપ્ત કરવાનું ધ્યેય અને પોતાની પાસે ઉપલબ્ધ સમય... એના સુભગ સમન્વય માટેનો એનો પ્રયત્ન હોય છે. અને એટલે જ શૂન્યમાંથી સર્જન કરનારા સફળ થઇ શકે છે સફળતાની અમૂલ્ય ચાવી સમયને ઓળખવામાં છે.

સમય ત્રણે કાળ-વર્તમાન, ભૂત અને ભવિષ્યનો સાક્ષી છે. સમયનાં સાંનિધ્યમાં આકાર લેતી ઘટનાઓમાં ક્યાંક પુરુષાર્થનો તો ક્યાંક પ્રારબ્ધનો પ્રભાવ જણાય છે. ઇચ્છાશક્તિ અને પુરુષાર્થ દ્વારા, વિચાર અને મનની શક્તિના પ્રભાવ દ્વારા ઘટતી ઘટના આત્મસંતોષ નામના તત્ત્વને જન્મ આપે છે. સમય એ એક પ્રકારની મૂડી છે જેનું યોગ્ય રોકાણ (કખ્ત્ર્‍જ્ઞ્ક્ર્‍ખ્ઞ્) કરવાથી મૂડી વધે છે. દિવસની ક્ષણેક્ષણનો રચનાત્મક ઉપયોગ થવો જોઇએ. પોતાની રુચિ-પ્રકૃતિ અનુસાર પ્રવૃત્તિનું રોચક અને રસિક આયોજન આપણે જરૂર કરી શકીએ.

એક અમેરિકન વ્યંગકારે કહ્યું છે, 'તમારે જો કોઇ કામ પતાવવું હોય, ને ઝડપથી પતાવવું હોય તો કોઇ અતિ વ્યસ્ત માણસને એ સોંપી દેજો. એ ગમે તેમ કરીને, સમય કાઢીને સમયસર તમારું કામ જરૂર પતાવી દેશે.’ વિશ્વયુદ્ધના સમયમાં ચર્ચિ‌લ રોજ બાવીસ કલાક કામ કરતો અડધી દુનિયાની જવાબદારીવાળો આ માણસ એ પછી પણ ચિત્રકામ માટે સમય કાઢતો સર એવબરી એમને પૂછતા: 'કલાસાધના માટે તમે સમય ક્યાંથી કાઢો છો?’ ચર્ચિ‌લે કહ્યું, 'માત્ર આળસુઓ જ સમયના અભાવની ફરિયાદ કરે છે. જેઓ કામગરા છે એમને સમયાભાવ કદી નડતો નથી.’'

કિશોર મકવાણા