Monday, December 26, 2011

બોઈંગ એવરેટ ફેક્ટરી જ્યાં વિશ્વનાં સૌથી મોટાં વિમાનો બને છે!


MEGA - ફેક્ટરી
વોશિંગ્ટનમાં આવેલી બોઈંગ એવરેટ ફેક્ટરી વિશ્વની સૌથી મોટી ફેક્ટરી છે. ૧,૩૩,૮૫,૩૭૮ ઘન મીટર અથવા ૪૭,૨૩,૭૦,૩૧૯ ઘન ફીટમાં ફેલાયેલા આ કારખાનામાં બોઈંગ ડ્રિમ લાઈનર સહિતનાં વિમાનો બને છે.
૧૯૬૬માં બોઈંગ કંપનીને પાન અમેરિકન એરલાઈન્સે ૨૫ ‘૭૪૭’ સિરિઝનાં વિમાનો માટે ઓર્ડર આપ્યો. ૫૨.૫ કરોડ ડોલરનો એ ઓર્ડર બોઈંગ માટે પહેલો સૌથી મોટો ઓર્ડર હતો. એ ઓર્ડર પૂરો કરવા જોકે કંપનીને વિશાળ વર્કશોપની જરૂરિયાત હતી. પરિણામે કંપનીએ એરવેટ વિસ્તારમાં ૭૮૦ એકર જમીન ખરીદી. જાન્યુઆરી ૧૯૬૭માં પહેલો કામદાર અહીં કામે લાગ્યો અને એક જ વર્ષમાં એસેમ્બલી બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. એ જ વર્ષે કંપનીએ કામ ચાલુ કરી દીધું.
કંપની જોકે સપ્ટેમ્બર ૧૯૬૮માં આખા જગતમાં ચમકી જ્યારે તેણે પહેલું ૭૪૭ વિમાન બનાવીને લોકો સામે રજૂ કરી દીધું. એ પછી આજદિન સુધીમાં ત્યાં ૧,૪૦૦ બોઈંગ ૭૪૭ પ્રકારનાં વિમાનો બની ચૂક્યાં છે. હવે કંપની ૭૪૭-૮ ફ્રેઈટર અને ૭૪૭-૮ ઈન્ટરકોન્ટિનેન્ટલ પર કામ કરે છે. ૭૪૭ સીરિઝ ઉપરાંત કંપનીએ ૭૬૭,૭૭૭, ૭૮૭ સહિતનાં સંખ્યાબંધ વિમાનો બનાવ્યાં છે અને આજે પણ બનાવે છે.
૧૯૧૬માં વિલિયમ બોઈંગે આરંભ કર્યો ત્યારથી આ કંપની સ્થપાઈ છે. અત્યાર સુધીમાં કંપની કુલ ૧૨,૧૦૦ વિમાનો વેચી ચૂકી છે.
* વોશિંગ્ટન રાજ્યના સિએટલથી ૫૦ કિલોમીટર દૂર ઉત્તરમાં આ ફેક્ટરી આવેલી છે.
* કંપનીમાં હાલ કુલ ૬૦,૦૦૦ કર્મચારીઓ કાર્યરત છે.
* ૨૦૦૯માં કંપનીની કુલ રેવન્યૂ ૩૪ અબજ ડોલર હતી.
* વોશિંગ્ટન ઉપરાંત અમેરિકામાં જ એક ડઝન સ્થળોએ બોઈંગનાં કારખાનાં કાર્યરત છે.
* બોઈંગ ફેક્ટરી એક નાનકડા શહેર જેવડી છે. એટલે જ તો ત્યાં ફાયર ફાઈટર સિસ્ટમ, સિક્યુરિટી ફોર્સ, મેડિકલ યુનિટ, વીજ સ્ટેશન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની સુવિધાઓ આવેલી છે.
* ફેક્ટરીના પ્રોડક્શન વિભાગમાં એસી નથી. એટલા માટે કે સિએટલનું વાતાવરણ ઓલરેડી ઠંડું છે. જ્યારે ગરમીની જરૂર પડે ત્યારે એસીને બદલે ફેક્ટરીમાં બલ્બ છે એ ચાલુ કરી દેવામાં આવે છે. મતલબ કે ત્યાં બલ્બથી તાપમાન નિયંત્રિત કરી શકાય છે. બલ્બથી તાપમાન વધારી શકાય છે, કેમ કે ફેક્ટરીમાં ૧૦ લાખ જેટલા બલ્બ છે!
* પ્રોડક્શન દરમિયાન બની રહેલા પ્લેનના માળખાને મૂવ કરવા માટે કુલ ૬ ઓવરહેડ ક્રેઈન ફિટ કરાયેલી છે. જમીન પર સામાનની હેરાફેરી માટે.
* કર્મચારીઓને ફેક્ટરીમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ૧૩૦૦ સાઇકલ (ટ્રાયસિકલ સહિત) રાખવામાં આવી છે.
* ફેક્ટરીના દરવાજા પર કરાયેલાં પેઈન્ટિંગ્સ વિશ્વમાં સૌથી મોટાં પેઈન્ટિંગ્સ કે ગ્રાફિક્સ હોવાની નોંધ ગિનેસ વર્લ્ડ રેકોર્ડે કરી છે.
* એક ગણતરી પ્રમાણે એવરેજ સાઈઝનાં ૨૧૪૨ મકાનો આ ફેક્ટરીની જગ્યામાં સમાઈ શકે એમ છે.
* કર્મચારીઓ માટે ફેક્ટરીમાં ૧૯ કાફેટેરિયા છે, જેમાં રોજનું ૧૭,૦૦૦ ડિશીસ ભોજન બને છે.
* સામાન્ય રીતે મોટા કદના પ્લેનને રંગવામાં ૨૭૨ કિલોગ્રામ પેઈન્ટ (રંગો) વપરાતું હોય છે.
ટૂરિસ્ટ સ્પોટ
૧૯૬૭માં હજુ તો ફેક્ટરી પૂરેપૂરી ચાલુ થાય એ પહેલાં જ લોકો જોવા આવવા માંડયા કે વિમાનો બનાવતું કારખાનું કેવુંક છે? ફેક્ટરીની બિનસત્તાવાર ટૂર તો ૧૯૬૭થી જ શરૂ થઈ ગઈ. એ વર્ષે જ ત્યાં ૧૩,૦૦૦ જેટલા મુલાકાતીઓ પહોંચ્યા. લોકોનો પ્રવાહ સતત વધતો જતો જોઈ કંપનીએ જ ૧૯૬૮ના વર્ષમાં બોઈંગ ફેક્ટરીની મફત ટૂર કરાવી શકે એવી વ્યવસ્થા આરંભી દીધી. સત્તાવાર ટૂર ચાલુ થઈ એ વર્ષે પ્રવાસીઓ વધીને ૩૯,૪૦૧ થયા.
વરસોવરસ પ્રવાસી વધતાં જાય છે. હવે દર વર્ષે એક લાખ કરતાં વધારે પ્રવાસીઓ અહીં આવે છે. ત્યાં પહોંચનારા દરેક જોઈ શકે છે કે વિશ્વના સૌથી મોટા કારખાનામાં કઈ રીતે જંગી કદનાં વિમાનો બને છે! પ્રવાસીઓના વધતા પ્રવાહને કારણે વળી ૧૯૮૪માં બોઈંગે એક પરમેનન્ટ ટૂર સેન્ટર ખોલી નાખ્યું. એ ટૂર સેન્ટર પોતે જ ૫,૫૦૦ ચોરસ ફીટમાં ફેલાયેલું છે. ત્યાં બોઈંગનાં મોડલ્સ સહિતની ઐતિહાસિક ચીજો પ્રર્દિશત કરાઈ છે. તો વળી એક ૧૦૦ સીટનું થિયેટર પણ છે. ૨૦૦૫માં બોઈંગે ફ્યુચર ઓફ ફ્લાઈટ એવિએશન સેન્ટર પણ ખુલ્લું મૂક્યું છે.
સેલિબ્રિટી વિઝિટર
* અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન
* રશિયન પૂર્વ પ્રમુખ બોરિસ યેલ્તશિન
* અમેરિકાના પૂર્વ ઉપ પ્રમુખ અલ ગોર
* જોર્ડનના કિંગ હુસૈન
* ચીનના પ્રમુખ ઝિયાંગ જેમીન
* ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ