Tuesday, September 25, 2012

રશિયન ડાયમંડ્સ સુરતને ચમકાવશે? (દુરબીન)


દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
રશિયામાં ત્રણ હજાર વર્ષ સુધી વિશ્વની ડાયમંડની ડિમાન્ડ પૂરી કરી શકે તેટલા મોટા જથ્થાવાળી હીરાની ખાણો મળી આવી છે. ૧૨૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલી હીરાની આ ખાણોમાંથી રફ ડાયમંડ જો સુરતને કટિંગ અને પોલિશિંગ માટે મળે તો સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી સોળે કળાએ ખીલી ઊઠે. વિશ્વમાં ડાયમંડનું જેટલું કામ થાય છે તેના નેવું ટકાથી વધુ કામ માત્ર સુરતમાં થાય છે. સુરતને પૂરતા પ્રમાણમાં રફ હીરા મળતા નથી. ઝિમ્બાબ્વેની કેટલીક ડાયમંડ માઇન્સ ઉપર ચીને કબજો જમાવી દીધો છે. ભારત સરકાર જો રશિયા સાથે સમજૂતી કરી રશિયન ડાયમંડ્સનો જથ્થો સીધો ઇન્ડિયાને મળે તેવી વ્યવસ્થા કરે તો સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ચાર ચાંદ લાગી જાય
સુરતના ચહેરા પર ચમક આવી જાય એવા એક સમાચાર રશિયાથી આવ્યા છે. ત્રણ હજાર વર્ષ સુધી દુનિયામાં હીરાની ડિમાન્ડ પૂરી કરી શકે તેટલો મોટો હીરાનો ખજાનો રશિયામાં મળી આવ્યો છે. અત્યારે વિશ્વમાં ડાયમંડ્સની ખાણોમાં જે રિઝર્વ સ્ટોક છે તેના કરતાં દસ ગણો જથ્થો રશિયામાં મળેલી ખાણોમાં છે. સુરત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ છે. વિશ્વમાં વેચાતા ડાયમંડ્સમાંથી ૯૦ ટકાથી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. રશિયાની ખાણોમાંથી જો રફ હીરા સુરતને મળતાં થાય તો સુરતનું નસીબ ચમકી જાય.
સુરતના હીરા ઉદ્યોગની વાત કરતાં પહેલાં રશિયામાંથી મળેલી ડાયમંડની ખાણો વિશે જાણી લઈએ. રશિયાના સાઇબિરિયામાં આવેલ પોપિગોઈ એસ્ટ્રોબ્લેમ વિસ્તારમાં સૈકાઓ પૂર્વે એક વિશાલ ઉલ્કા પડી હતી. એવો અંદાજ બાંધવામાં આવ્યો છે કે આ ઉલ્કા સાત ચોરસ કિલોમીટરની હતી અને તે જે જમીન પર ત્રાટકી ત્યાં ૧૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઊથલપાથલ મચાવી દીધી. ઉલ્કાની અસરના કારણે આ વિસ્તારમાં હીરાની ખાણો બની ગઈ. આ વિસ્તારમાં સંશોધન પછી રશિયાની નોવોસિબિર્સ્ક ઇન્સ્ટિટયૂટ ઓફ જિઓલોજી અને મિનરેલોજીના નિષ્ણાતોએ જાહેર કર્યું કે આ ખાણોમાં ટ્રિલિયન્સ ઓફ કેરેટ્સ ડાયમંડનો જંગી જથ્થો ત્રણ હજાર વર્ષ ચાલે તેટલો છે.
આ ખાણો વિશે એવી પણ વાતો બહાર આવી છે કે રશિયન સરકારને તો ઘણા સમયથી આ ખાણો વિશે જાણ હતી પણ ઈરાદાપૂર્વક વાતને છુપાવી રખાઈ હતી. રશિયા 'રાઈટ ટાઈમ'ની રાહ જોતું હતું. રશિયા માટે આ ખાણો આશીર્વાદરૂપ સાબિત થવાની છે. જોકે આપણા માટે પણ આ ખાણો કંઈ ઓછી ફાયદાકારક નથી. સુરતને જો રફ ડાયમંડનો પૂરતો જથ્થો કટિંગ અને પોલિશિંગ માટે મળે તો સુરતનો હીરા ઉદ્યોગ અત્યારે જે છે તેના કરતાં અનેકગણો વધુ ચમકી શકે તેમ છે.
સુરતમાં નાની-મોટી મળીને પાંચ હજાર જેટલી ડાયમંડ ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીઓમાં પાંચ લાખ રત્ન કલાકારો હીરાને પાસાદાર બનાવવાનું કામ કરે છે. હીરા ઉદ્યોગ સાથે અંદાજે ૧૫ લાખ લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. દેશમાં ડાયમંડ જ્વેલરીનું જે કામ થાય છે તેમાં ૯૦ ટકાથી વધુ કામ માત્ર સુરતમાં થાય છે. ગયા ઓગસ્ટ માસમાં જ સાડા સાત હજાર કરોડ કરતાં વધુ કામ સુરતમાં થયું હતું.
દેશમાંથી દુનિયાના દેશોમાં થતી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસના આંકડા જોઈએ તો આંખો પહોળી થઈ જાય. ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૧-૧૨માં જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ રૂ.૨,૦૪,૮૨૩.૬૬ કરોડની હતી. તેમાં ડાયમંડ અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી રૂ.૧,૧૦,૯૭૮.૮૪ કરોડની હતી. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં દેશમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસનો આંકડો ૮૮,૪૮૯.૭૭ કરોડનો છે તેમાં ડાયમંડ જ્વેલરી ૩૪,૪૫૦.૪૬ કરોડ રૂપિયાની છે. ડાયમંડનું મોટા ભાગનું કામ સુરતમાં થાય છે એટલે સુરત માટે આ બિઝનેસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એનો અંદાજ બાંધી શકાય તેમ છે.
ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૧-૧૨માં રફ ડાયમંડની આયાત રૂ.૭૨,૧૬૦.૬૧ કરોડની હતી. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ માસ સુધીમાં રૂ.૩૦,૭૧૧.૯૩ કરોડના રફ ડાયમંડ આયાત થયા છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ રફ ડાયમંડની આયાત રૂ.૨૯૦૫.૧૯ કરોડની હતી. આટલા રફ ડાયમંડની આયાત છતાં સુરતને પૂરતા પ્રમાણમાં રફ હીરા કટિંગ અને પોલિશિંગ માટે મળતા નથી.
ભારતમાં રશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોમાંથી રફ હીરાની આયાત થાય છે. આફ્રિકન દેશોમાં ઝિમ્બાબ્વે અને બોર્સવાના હીરાના મોટા સ્ત્રોત છે. રફ ડાયમંડની ખરીદી ડીટીસી એટલે કે ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા થાય છે. ડાયમંડ્સ કંપનીઓ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા રમત રમે છે. રફ ડાયમંડની ડાયરેક્ટ ખરીદી કરી શકાય એ માટે સુરતના હીરા વેપારીઓએ એક હજાર કરોડની સુરત રફ ડાયમંડ સોસિંગ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની બનાવી છે.
રશિયામાં ડાયમંડની ખાણો મળતાં હવે રફ હીરાનો પૂરતો જથ્થો મળી રહેવાની આશા જન્મી છે. સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઈ નાવડિયા કહે છે કે, વિશ્વમાં ડાયમંડની ખાણોમાંથી રફ ડાયમંડ કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે. ધીમે ધીમે ખાણો ઊંડી થતી જાય છે તેમ હીરા કાઢવાનું કામ મોંઘું થતું જાય છે અને રફ હીરાના ભાવ વધી જાય છે. ચાઇનાની મેલી મુરાદના કારણે પણ સુરતના ડાયમંડ ઉદ્યોગને અસર થઈ છે.
ઝિમ્બાબ્વેની મરાંગે ડાયમંડ માઇન્સમાં હીરાનો મોટો જથ્થો છે. ઝિમ્બાબ્વેની આ ખાણો ઉપર ચીને પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. ઝિમ્બાબ્વેની ખાણોના રફ હીરા આપણે ચીન પાસેથી ખરીદવા પડે છે. આપણે ઝિમ્બાબ્વેથી સીધી ખરીદી કરી શકતા નથી. ચીન વચ્ચે કમિશન ખાઈ જતું હોવાથી ઝિમ્બાબ્વેના રફી હીરા આપણને મોંઘા પડે છે. દિનેશભાઈ નાવડિયા કહે છે કે ભારત અને રશિયા વચ્ચે દાયકાઓથી સારા સંબંધો રહ્યા છે. ભારત સરકાર જો રશિયા સાથે એવા કરાર કરે કે રશિયન ડાયમંડ માઈન્સમાંથી રફ હીરાનો જથ્થો સીધો ઇન્ડિયાને મળે તો આપણા હીરા ઉદ્યોગનું કલ્યાણ થઈ જાય. અમે આ માટે ભારત સરકારને રજૂઆતો પણ કરવાનું વિચારી રહ્યા છે. ચીને ડાયમંડ બિઝનેસમાં ઝુકાવ્યું છે, જોકે ચીન ક્યારેય આપણને ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં બીટ કરી શકે તેમ નથી, કારણ કે આપણી પાસે વર્લ્ડ બેસ્ટ સ્કિલ્ડ મેનપાવર છે.
સુરતના શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના ગોવિંદભાઈ ધોળકિયા કહે છે કે અમને રશિયાની ડાયમંડ ખાણોના ખબર મળ્યા છે. રફ ડાયમંડનો પૂરતો જથ્થો વાજબી ભાવે મળે તો ચોક્કસપણે સુરતના ડાયમંડ ઉદ્યોગને વેગ મળે. અલબત્ત, રશિયન ખાણોના હીરાની ગુણવત્તા કેવી છે તેના ઉપર પણ મોટો આધાર છે.
ડાયમંડ બે પ્રકારના હોય છે, એક તો જે જ્વેલરીમાં વપરાય છે એ અને બીજા ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ. ઉદ્યોગોમાં તીક્ષ્ણ વસ્તુઓ કાપવા માટે ડાયમંડ્સનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વિવિધ ઉદ્યોગોના ટર્બાઈન, બેરિંગ્સ અને એરક્રાફ્ટમાં ઇન્ડસ્ટ્રિયલ ડાયમંડનો મોટાપાયે ઉપયોગ થાય છે. રશિયન ડાયમંડ જ્વેલરી માટે વધુ કામના છે કે પછી ઇન્ડસ્ટ્રીઝ માટે એ ચકાસણી પછી જ નક્કી થઈ શકશે.
ડાયમંડ્સ વિશે જેને સામાન્ય જાણકારી છે એવા લોકોને પણ હવે ખબર છે કે ડાયમંડનું મૂલ્ય ચાર સી એટલે કે કટ, કલર,કેરેટ અને ક્લેરિટીના આધારે આંકવામાં આવે છે. માત્ર હીરો મોટો હોય એનાથી એ મોંઘો થઈ જતો નથી, પણ તેની ક્લેરિટી અને કલર પરથી તેની કિંમત નક્કી થાય છે. હવે તો એવી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ પણ આવી ગઈ છે કે રફ હીરાને જોઈને કહી દે કે તેમાં કેટલી ક્લેરિટી અને કેવો કલર છે અને તેમાંથી પાકો હીરો કેવો બનશે. જે હીરાની ક્લેરિટી અને કલર બરાબર ન હોય તેવા ડાયમંડનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે.
રશિયન ડાયમંડ્સ સુરતની શકલ બદલી નાખે એવી શક્યતા છે. સુરતના હીરાના એક વેપારીએ કહ્યું કે સીધીને સટ વાત છે કે રો-મટીરિયલનો ફ્લો વધે એટલે ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય. દુનિયાનાં કેટલાંક તત્ત્વો ડાયમંડ માર્કેટને કંટ્રોલ કરે છે અને મેક્સિમમ ફાયદો મેળવવાનો પ્રયત્ન કરે છે. રશિયન ડાયમંડ્સથી દુનિયાની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પરિવર્તન આવશે અને તેનો સીધો ફાયદો સુરતને થશે. આ માટે આપણી સરકાર રસ લ્યે અને રફ ડાયમંડ્સ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે એ જરૂરી છે. અત્યારે તો એવાં એંધાણ મળી રહ્યાં છે કે રશિયન ડાયમંડથી સુરતનો સીતારો ચમકવાનો છે. સુરતના રત્ન કલાકારો હીરાને ચમકાવશે અને હીરા આખા સુરતને ચમકાવશે.