Friday, October 12, 2012

ઈન્ડિયન એરફોર્સ વિશ્વની ચોથી શક્તિશાળી વાયુસેના


Oct 09, 2012

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ઈન્ડિયન એરફોર્સે બે દિવસ પહેલાં ૮મી ઓક્ટોબરે પોતાની ૮૦મી વર્ષગાંઠ મનાવી હતી. બ્રિટિશરાજ દરમિયાન અસ્તિત્વમાં આવેલી ઈન્ડિયન એરફોર્સે ૮૦ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને અલગ ઓળખાણ બનાવી છે. આઝાદી પહેલાં બ્રિટન માટે અને આઝાદી બાદ ભારત માટે કટોકટીની પળોએ મહત્ત્વની ભૂમિકા અદા કરનાર ઈન્ડિયન એરફોર્સે જરૂર પડયે સંયુક્ત રાષ્ટ્રનાં અભિયાનોમાં પણ ભાગ લીધો છે. ભારતીય વાયુસેનાની ગણના અત્યારે વિશ્વની ચોથા નંબરની સૌથી શક્તિશાળી હવાઈ તાકાત તરીકે થાય છે ત્યારે ઈન્ડિયન એરફોર્સની અહીં સુધીની સફર પર વિહંગાવલોકન.
આઝાદી પૂર્વેની રોયલ ભારતીય વાયુસેના
૧૯૩૨ 
૮મી ઓક્ટોબરે બ્રિટનના શાસનમાં બ્રિટિશની રોયલ એરફોર્સની સહાયક ટુકડી તરીકે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. રોયલ એરફોર્સની પેટા સંસ્થા તરીકે ભારતીય એરફોર્સે તેમનો ડ્રેસ અને પ્રતીક અપનાવી લીધાં. ભારતીય વાયુસેનાની પહેલી સ્કવોર્ડનમાં ચાર વેસ્ટલેન્ડ વાપિટી લડાકુ વિમાન અને પાંચ પાઇલટ હતાં. આ ટીમને ફાઈટ લેફ્ટનન્ટ સેસિલ બાઉશરે નેતૃત્વ પૂરું પાડયું હતું. ૧૯૪૧ સુધી વાયુસેના પાસે આ એકમાત્ર સ્કવોર્ડન હતી અને એમાં જ બે વિમાનો વધુ ફાળવી દેવાયાં હતાં.
૧૯૪૩
ભારતીય વાયુસેનાએ આ વર્ષે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. હવે વાયુસેના પાસે સ્કવોર્ડનની સંખ્યા વધીને સાત થઈ ગઈ હતી. ૧૯૪૫નું વર્ષ આવતાં આવતાં તો વધુ બેનો ઉમેરો થઈને કુલ સંખ્યા નવની થઈ ગઈ, જેમાં ઉપરથી બોમ્બમારો કરી શકવા સક્ષમ વલ્ટી વેન્જેન્સ અને હરિકેન સહિત એટલાન્ટ અને ઓડક્ષ જેવાં તે સમયનાં પાવરફુલ વિમાનોનો પણ સમાવેશ થતો હતો.
૧૯૪૫
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાએ રોયલ એરફોર્સની સહાયક ટીમ તરીકે મહત્ત્વની કામગીરી નિભાવી, ભારતીય વાયુસેનાએ બર્મા (મ્યાનમાર) તરફ આગળ વધી રહેલી જાપાનની સેનાને આગળ વધતી અટકાવવામાં સારી એવી કામગીરી કરી હતી. જેની નોંધ લઈને રાજા જ્યોર્જ છઠ્ઠાએ ભારતીય વાયુસેનાને'રોયલ'ની ઉપાધિ આપીને સન્માનિત કરી.
૧૯૪૭ 
બ્રિટનના તાબા હેઠળથી ભારતને આઝાદી મળી પણ અખંડ ભારતમાંથી ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. આ સમયે દેશની અન્ય સંપત્તિની જેમ વાયુ સેનાને પણ બે ભાગમાં વહેંચવામાં આવી. કુલ ૧૦ ઓપરેશન સ્કવોર્ડનમાંથી ૩ સ્કવોર્ડન અને રોયલ ભારતીય વાયુસેનાનાં પાકિસ્તાનસ્થિત મથકો પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો. રોયલ ભારતીય વાયુસેનાના બીજા ભાગને રોયલ પાકિસ્તાન એરફોર્સ એવું નામ આપવામાં આવ્યું. રોયલ ભારતીય એરફોર્સમાં એક ફેરફાર એ કરવામાં આવ્યો કે બ્રિટન એરફોર્સમાં વપરાતા ચક્રને બદલે એ સ્થાન અશોકચક્રને આપવામાં આવ્યું.
૧૯૪૮
ભાગલા પછી તરત જ બંને દેશ વચ્ચે સરહદને લઈને અને ખાસ કરીને જમ્મુ-કશ્મીરના અમુક ભાગને લઈને ઘર્ષણ થયું. કશ્મીરના મહારાજાએ ભારતમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો એટલે પાકિસ્તાનની સેના કશ્મીરની સરહદ તરફ આગળ વધવા લાગી. મહારાજાએ ભારતીય સૈન્યની મદદ મેળવી. ભારતીય સૈન્યને સરહદ પર ઉતારવાનું કામ ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક કર્યું. ભારત-પાકિસ્તાનના આ ઘર્ષણમાં બંને દેશની વાયુસેનાએ સામસામે લડાઈ કરવાની ન હતી, છતાં ભારતીય સેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સનો મહત્ત્વનો સહકાર સાંપડયો હતો.
૧૯૫૦
ભારત ગણતંત્ર રાષ્ટ્ર બન્યું એટલે રોયલ ભારતીય સેનામાંથી બ્રિટનની ઓળખ એવો 'રોયલ' શબ્દ હટાવી દેવામાં આવ્યો અને એ સાથે જ વિશેષ ચિહ્ન તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજને સ્થાન આપવામાં આવ્યું. વળી, ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણના મુખે બોલાયેલા શ્લોકમાંથી 'નભઃ સ્પૃશં દિપ્તમ્' વાક્યને મુદ્રાલેખ બનાવવામાં આવ્યો.
૧૯૬૧
ભારતીય સરકારે પોર્ટુગીઝોને દીવ, દમણ અને ગોવાથી ખદેડવાનો નિર્ણય કરીને લાલ આંખ કરી. ઓપરેશન વિજય અંતર્ગત વાયુસેનાને ભારતીય લશ્કરને સહાય કરવાનું કામ સોંપવામાં આવ્યું. ૧૮ ડિસેમ્બર, ૧૯૬૧ના દિવસે કૈનબરા બોમ્બર્સે ડાબોલિમ હવાઈપટ્ટી પર બોમ્બમારો કર્યો. બીજી તરફ મૈસ્ટર્સ વિમાનોએ દમણમાં પોર્ટુગીઝ સૈન્ય પર હુમલો કરીને તેની કમર તોડી નાંખી. બાકીનું કામ તુફાનીઝ વિમાને દીવના રનવે પર હુમલો કરીને પૂરૂં કર્યું.
૧૯૬૨
ઓક્ટોબર માસમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ભારત તરફથી યુદ્ધની યોગ્ય રણનીતિ ઘડી ન શકાઈ એટલે ધારી સફળતા મળી શકી નહીં. જોકે, ૨૦ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ભારતીય વાયુ સેનાએ દબાણ હેઠળ વિષમ પર્વતીય પ્રદેશોમાં પહોંચીને ભારતીય લશ્કરને પુરવઠો પૂરો પાડયો હતો. તેમ છતાં વાયુસેનાનો ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરવામાં ભારતને સફળતા ન મળી પરિણામે ચીનના સૈન્ય સામે ભારતની પીછેહઠ થઈ.
૧૯૬૫
ચીન સામેના યુદ્ધમાંથી ધડો લઈને આ વખતે પાકિસ્તાન સામે કશ્મીરના મુદ્દે છેડાયેલા જંગમાં ભારતીય વાયુસેનાનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરીને ભારતે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કરી દીધો. વાયુસેનાએ મૈસ્ટર્સ, કૈનબરા, હંટર,નૈટ અને એફ.બી.એમ.કે-૫૨ની મદદથી પાકિસ્તાનની છાવણીમાં સોપો પાડી દીધો. ભારત પાસે અમુક યુદ્ધ વિમાનો બીજા વિશ્વયુદ્ધ પહેલાંનાં હોવા છતાં પાકિસ્તાનનાં અત્યાધુનિક ફાઈટર વિમાનો પર ભારત ભારે પડયું. વાયુસેનાએ પહેલી વખત દુશ્મનોનાં ફાઈટર વિમાનો સાથે સીધી લડત કરી અને ધારી સફળતા પણ મેળવી.
૧૯૭૧
૨૨ નવેમ્બર, ૧૯૭૧ના દિવસે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થયું અને ફરીથી ભારતીય વાયુસેનાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી. ૧૯૬૫ના યુદ્ધ પછી ભારતીય વાયુસેના વધુ સજ્જ અને સમૃદ્ધ બનાવાઈ હોવાનો ફાયદો પણ મળ્યો. હવે એરફોર્સ પાસે રશિયન બનાવટના મિગ-૨૧ અને સુખોઈ સૂ-૭ જેવાં તેજ રફતારવાળાં યુદ્ધ વિમાનો પણ હતાં જે આ યુદ્ધમાં મહત્ત્વનાં સાબિત થયાં. આ યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં ૫૪ યુદ્ધવિમાનો સહિત કુલ ૯૪ વિમાનોનો ખાતમો બોલાવ્યો હતો.
૧૯૮૪
૧૩ એપ્રિલ, ૧૯૮૪ના રોજ સિયાચીન માટે ભારતે ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું. આ ઓપરેશનમાં વાયુસેનાએ સિયાચીનના મુશ્કેલ પ્રદેશમાં સૈનિકોને ઉતારવાની જવાબદારી ઉપાડી હતી. મીગ-૮, ચેતક અને ચિત્તા હેલિકોપ્ટર્સની મદદથી વાયુસેનાએ ઊંચા, વિષમ અને ઠંડા પ્રદેશમાં ગણના પામતા સિયાચીનમાં સૈનિકોને તેમના જરૂરી શસ્ત્રસરંજામ સાથે પહોંચાડયાં હતાં. આ અભિયાનથી સિયાચીનના ભાગો પર ભારતે ફરીથી પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું અને આ કામમાં એરફોર્સની ભૂમિકા યશસ્વી રહી હતી.
૧૯૯૯
૧૧ મે, ૧૯૯૯માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધનાં મંડાણ થયાં. ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ભારતીય વાયુ સેનાએ મીગ-૨૭, મીગ-૨૧, મીગ-૨૯ જેવાં શક્તિશાળી લડાકુ વિમાનોની મદદથી પાકિસ્તાનની સેના પર ભીંસ વધારી દીધી. વાયુ સેનાની પ્રશંસનીય કામગીરીથી ભારતીય સૈન્યએ પાકિસ્તાન દ્વારા કબ્જે કરાયેલી ચોકીઓ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. સમગ્ર વિશ્વને શક્તિશાળી ભારતનો પરચો આ યુદ્ધથી મળ્યો.
૨૦૧૨
૧૯૩૨થી અત્યાર સુધીનાં ૮૦ વર્ષના સમયગાળામાં ભારતીય વાયુ સેનાએ વિવિધ દેશો દ્વારા બનાવાયેલાં ૭૩ પ્રકારનાં વિમાનોને આકાશની ઊંચી ઉડાન ભરાવી છે. ઈન્ડિયન એરફોર્સે પ્લેટિનમ જયંતી વખતે ૨૦૦૬માં જાહેર કરેલા આંકડા પ્રમાણે વાયુસેના પાસે આશરે ૧૩૬૦ લડાકુ વિમાનો છે અને દોઢ લાખ જેટલા કર્મચારીઓ છે. ૫૦૦ હેલિકોપ્ટર્સ વાયુસેનાની શાનમાં વધારો કરી રહ્યાં છે. આટલી તાકાત જ વાયુ સેનાને વિશ્વના ચોથા નંબરની સૌથી શક્તિશાળી વાયુસેના હોવાનું ગૌરવ અપાવે છે.