જિનિવા, તા. ૧૩દુનિયાની સાત કુદરતી અજાયબીઓ પસંદ કરી લેવામાં આવી છે અને તેમાં એમેઝોનનાં જંગલો, વિયેતનામની હેલોંગ ખાડી અને આર્જેન્ટિનામાં આવેલા ઇવુઆજી ઝરણાંનો સમાવેશ કરાયો છે, જો કે ભારત માટે નિરાશાજનક વાત એ છે કે, ભારતમાંથી એક પણ કુદરતી સ્થળનો સમાવેશ કરાયો નથી. હાલમાં જ વૈશ્વિક સર્વેના આધારે આ સૂચી તૈયાર કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાનો જેજુ આઇલેન્ડ, ઇન્ડોનેશિયાનો પોમોડો આઇલેન્ડ,ફિલિપાઇન્સની અન્ડરગ્રાઉન્ડ નદી અને ટેબલ માઉન્ટેનનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દુનિયાની સાત કુદરતી અજાયબીઓ પસંદ કરવા માટે ન્યૂસેવન વન્ડર્સ સંસ્થાની વેબસાઇટ પર મત આપવાનો હતો, જોકે લોકોએ સાત કુદરતી અજાયબીઓ પસંદ કરવા માટે પત્ર અને ટેલિફોનનો પણ સહારો લીધો હતો. આ યાદી બહાર પાડનાર સ્વિસ ફાઉન્ડેશને કહ્યું છે કે, આ યાદી અંતિમ યાદી નથી અને અંતિમ યાદીની જાહેરાત ૨૦૧૨માં કરવામાં આવશે, જોકે આ માટેની તારીખ હજુ નક્કી કરાઈ નથી અને જો જરૂર જણાશે તો હજુ સંશોધન પણ કરાશે. સ્વિસ ફાઉન્ડેશને આ યાદી બનાવવા માટે ૨૦૦૭માં શરૂઆત કરી હતી. સ્વિસ ફાઉન્ડેશનની સંસ્થા ૨૦૦૧માં ફિલ્મનિર્માતા વનોર્ડ લિબરે કરી હતી. આ ફાઉન્ડેશનમાં આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેસ મેસી પણ સામેલ હતા. ફાઉન્ડેશનની વેબસાઇટ પર ૧૦ લાખથી વધુ વ્યક્તિઓના મત આવ્યા હતા જ્યારે ૨૨૦ દેશનાં ૪૪૦ સ્થળોનો આમાં સમાવેશ કરાયો હતો, જેમાંથી સોર્ટલિસ્ટ કરી ૭૭ કુદરતી સ્થળોને પસંદ કરાયાં હતાં.
ત્યારબાદ અંતિમ તબક્કામાં ૨૮ સ્થળોને પસંદ કરાયાં હતાં જેમાંથી પણ આખરી નિર્ણયરૂપે સાત સ્થળોને પસંદ કરાયરાં છે. ભારતમાંથી પણ કેટલાંક કુદરતી સ્થળોને પસંદ કરાયાં હતાં, જોકે શોર્ટલિસ્ટમાં તે યાદીમાંથી બહાર થઇ ગયાં હતાં.
૧. એમેઝોનનાં જંગલો (દ. અમેરિકા)
૨. ઇગવાજુ ઝરણાં (બ્રાઝિલ)
૩. જેજુ આઇલેન્ડ (કોરિયા)
૪. પોટરે પ્રિંસેસ (નદી) ( ફિલિપાઇન્સ)
૫. ટેબલ માઉંટેન (દક્ષિણ આફ્રિકા)
૬. કોમોડો (ઇન્ડોનેશિયા)
૭. હૈલોંગ ખાડી (વિયેતનામ)