બ્લુમબર્ગ, તા. ૧૪
યૂરોપીય યુનિયનના ભૂતપૂર્વ કમિશનર મારિયો મોન્ટીને ઇટાલીમાં નવી સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે, હવે તેમને યૂરો પ્રાંતના બીજા ક્રમના સૌથી મોટાં દેવાંમાં ઘટાડો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઇટાલીના ભૂતપૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનાં રાજીનામા બાદ મોન્ટીને માત્ર ૨૪ કલાકની અંદર આ ઓફર કરવામાં આવી છે.
ગઇ કાલે રોમમાં ઇટાલીના પ્રમુખ જિઓર્જિયો નેપોલિટાનોેએ ૬૮ વર્ષીય મોન્ટીને ગત રાત્રે આ ઓફર કરીને દેશને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવાનું કહ્યું હતું. દેશનું ૧૦ વર્ષનાં બોન્ડનું વળતર સાત ટકાની મર્યાદાને વટાવી ગયું હોવાને કારણે ગ્રીસ,આયર્લેન્ડ અને પોર્ટુગલને ઇયુ બેલઆઉટ્સ માગવાની ફરજ પડી છે.
નેપાલિટાનો સાથેની બેઠક બાદ મોન્ટીએ કહ્યું હતું કે "ઇટાલી હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. યૂરોપ અને આંતરરાષ્ટ્રીય મોરચે તેની સ્થિતિ હાલકડોલકભરી બની ગઇ છે તેથી દેશ રિડમ્પ્શનના પડકારમાં ટકી રહેવો જોઇએ. ઇટાલી ફરીથી એક વખત યૂરોપીય પંચમાં નબળાઇ નહિ પરંતુ શક્તિનું તત્ત્વ બનશે."
ગ્રીસમાં બે વર્ષ અગાઉ શરૂ થયેલી પ્રાદેશિક દેવાં કટોકટીને યૂરોપ અંકુશમાં રાખી શક્યું નહોતું, જેના કારણે ઇટાલીનાં બોન્ડનાં વળતરમાં વધારો થયો હતો, કેમ કે ક્યો દેશ હવે સહાય માગશે તેના પર રોકાણકારો બેટિંગ કરવા લાગ્યા હતા. ગોલ્ડમેન સાસના એડવાઇઝરની ભૂમિકા અદા કરતાં અર્થશાસ્ત્રી મોન્ટી રોકાણકારોમાં ફરીથી એવો વિશ્વાસ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે કે ઇટાલી ૧.૯ ટ્રિલિયન યૂરો (૨.૬ ટ્રિલિયન ડોલર)નાં દેવાંના બોજને ઘટાડી શકે છે અને આર્થિક વૃદ્ધિદર ફરીથી હાંસલ કરી શકે છે.
ટેક્નિકલ સરકારો
ઇટાલીમાં રાજકીય કટોકટીના સમયે કથિત ટેક્નિલ સરકારો રચવા માટે નેતાઓ સાથે સંસદ બહાર સમજૂતી કરવાની પરંપરા છે. બર્લુસ્કોની યૂરોપીય પંચના દેશના એવા ચોથા નેતા છે કે જેમને દેવાંની કટોકટીને કારણે સત્તા ગુમાવવી પડી છે. ગ્રીસના વડાપ્રધાન જ્યોર્જ પાપાન્ડ્રયુએ રાજીનામું આપ્યું હતું. સ્પેનના વડાપ્રધાનજોસ લુઇસ રોડરિગ્ઝ ઝપાટેરોએ ફેર ચૂંટણીની માગણી કરી નહોતી અને તેઓ ૨૦મીએ યોજાનાર ચૂંટણીમાં સત્તાની બહાર થઇ જશે. પોર્ટુગલના વડાપ્રધાન જોસ સોક્રેટ્સની ખાધ ઘટાડવાની યોજના સંસદમાં નકારી કાઢવામાં આવતાં તેમણે માર્ચમાં રાજીનામું આપ્યું હતું.
યુરોપીય પંચનું દબાણ પણ બર્લુસ્કોનીના ભોગ માટે કારણભૂત
યૂરોપીય પંચે તેનું દેવું ઘટાડવા માટે જરૂરી પગલાંનાં અમલીકરણને ઝડપી બનાવવા ઇટાલી પર દબાણ કરી રહી રહ્યું છે. પ્રગતિની સમીક્ષા માટે ઇયૂ અને ઇસીબીના ઇન્સ્પેક્ટરો ઇટાલીમાં હતા અને બર્લુસ્કોનીએ પણ આઇએમએફ મોનિટરના અમલીકરણ અંગે સંમતિ દર્શાવી હતી.
મારિયો મોન્ટીની પ્રોફાઇલ
જન્મ : ૧૯ માર્ચ, ૧૯૪૩એ જન્મેલા મારિયો મોન્ટી ઇટાલીના જાણીતા અર્થશાસ્ત્રી અને રાજકારણી છે.
કારકિર્દી : તેઓ ૧૯૯૫થી ૧૯૯૯ સુધી ઇન્ટરનલ માર્કેટ, સર્વિસિઝ, કસ્ટમ્સ અને ટેક્સેશન માટે યુરોપિયન કમિશનર રહ્યા હતા. એ પછી ૧૯૯૯થી ૨૦૦૪ સુધી યુરોપિયન કમિશનર ફોર કમ્પિટિશન તરીકે ફરજ અદા કરી હતી. તેઓ બોક્કોની યુનિર્વિસટીના રેક્ટર અને પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા હતા. નવેમ્બર ૨૦૧૧થી તેઓ ઇટાલિયન સેનેટમાં સેનેટર ફોર લાઇફ તરીકે કાર્યરત છે. હવે સિલ્વિયા બર્લુસ્કોનીના સ્થાને ઇટાલીની નવી સરકારનું સુકાન સંભાળવાનું તેમને કહેવામાં આવ્યું છે.
શિક્ષણ અને સાહિત્યિક કારકિર્દી
તેઓ મારિયો મોન્ટી બોક્કોની યુનિર્વિસટી, મિલાનમાંથી તેઓ ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટની ડિગ્રી ધરાવે છે. તેમણે યાલે યુનિર્વિસટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. યુનિર્વિસટી ઓફ ટયુરિનમાંથી તેમણે ૧૯૭૦-૮૫ સુધી અર્થશાસ્ત્ર શીખ્યા હતા. ઇજારાશાહીના સંજોગોમાં કામ કરતી બેંકોના વ્યવહાર અંગે તેમણે વિકસાવેલું ક્લીન-મોન્ટી મોડેલ ઘણી ઉપયોગી નીવડયું છે.
અન્ય ખાસ હોદ્દાઓ
મોન્ટી યુરોપિયન થિંક ટેન્ક ફ્રેન્ડઝ ઓફ યુરોપના પ્રાએસિડિયમ મેમ્બર છે. ૨૦૦૫માં સ્થાપવામાં આવેલી પ્રથમ યુરોપિયન થિંક ટેન્ક બ્રુગેલના તેઓ સર્વપ્રથમ ચેરમેન છે. બિલ્ડરબર્ગ ગ્રૂપના તેઓ અગ્રગણ્ય સભ્ય છે.
રાજકીય કારકિર્દી
૧૯૯૪માં મોન્ટી યુરોપિયન કમિશનમાં નીમાયા હતા. તેમાં તેમણે ખાસ્સા વર્ષો સુધી જવાબદારી નિભાવી હતી. ઇટાલીના ભૂતપૂર્વ પ્રમુખ રોમાનો પ્રોડીની પ્રેસિડેન્સી હેઠળ તેઓ નવા યુરોપિયન કમિશનર નીમાયા હતા. જનરલ ઇલેક્ટ્રિક અને હોનીવેલની ૨૦૦૧ના સૂચિત મર્જરમાં તપાસની આગેવાની તેમણે સંભાળી હતી.
૨૦૦૪માં બર્લુસ્કોનીની સરકારે તેમને ત્રીજી ટર્મ માટે કન્ફર્મ કર્યુ ન હતું. તેમની જગ્યાએ રોક્કો બુટ્ટીગ્લીઓનનું નામ સૂચવવામાં આવ્યું હતું. પરંતુ યુરોપિયન પાર્લામેન્ટે તેને નકારી દેતાં અન્ય ફ્રેન્કો ફ્રેટ્ટીનીનું નામ સૂચવાયું હતું.
૨૦૦૭માં મોન્ટી પ્રથમ યુરોપિયન સિવિક ફોરમ એટેટ્સ જનરોક્સ ડી યુરોપના ટેકેદારોમાંથી એક રહ્યા હતા. ડિસેમ્બર ૨૦૦૯માં તેઓ યુરોપનું ભાવિ નક્કી કરવા માટેનું રિફ્લેક્શન ગ્રૂુપના એક સભ્ય બન્યા હતા. તેમણે યુરોપમાં એક ઇકોનોમિક સરકાર અને એક યુરોપિયન મોનેટરી ફંડ રચવાની તરફેણ કરી હતી. ૧૨ નવેમ્બરે ઇટાલીના પ્રમુખ જિઓર્જિયો નેપોલિટાનોએ નવી સરકાર રચવા માટે તેમને આમંત્રણ આપ્યું હતું.
- દેવું ઘટાડવાની જવાબદારી અદા કરવી પડશે