ન્યૂયોર્ક, તા. ૭
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીનાં એક મેગેઝિનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં યુવાવર્ગનાં લોકોમાં હાર્ટએટેકનો ખતરો સતત વધી રહ્યો છે. હાર્ટએટેકના વધતા ખતરાને લઈને આરોગ્ય સાથે સંકળાયેલાં લોકો અને અધિકારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ભારતમાં જે પ્રકારે સામાજિક, આર્થિક અને વસ્તીમાં પરિવર્તન થઈ રહ્યાં છે તે જોતાં હાર્ટ સાથે સંબંધિત રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની બાબત આશ્ચર્યજનક નથી. લોકોની લાઇફસ્ટાઇલ બદલાઈ રહી છે. ખાસ કરીને યુવાવર્ગની લાઇફસ્ટાઇલમાં ઘણો બદલાવ આવ્યો છે. બદલાતી જતી લાઇફસ્ટાઇલનાં કારણે તેમનાં સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થઈ ગયો છે. આ ખતરાનાં કારણે યુવાવર્ગને સાવધાન રહેવાની જરૃર ઊભી થઈ છે. સ્થૂળતા, હાર્ટ સાથે સંબંધિત સમસ્યાઓ માટે પશ્ચિમી દેશોની જેમ જ ખાવા-પીવાની ટેવ કારણરૃપ છે. કેટલાંક ભારતીય ભોજન પણ આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આ અભ્યાસમાં ૨૧થી ૩૦ વર્ષની વયનાં લોકોને આવરી લઈને સંશોધનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
પુરુષોમાં હૃદયની તકલીફો જુદાં જુદાં કારણોસર તકલીફો વધી છે. પુરુષોમાં ડાયાબિટીસનાં સ્તરમાં પાંચથી ૧૨ ટકા અને મહિલાઓમાં ૩ ટકાથી ૭ ટકા વૃદ્ધિ થઈ હોવાની બાબત પણ જાણવા મળી છે, જે માટે લાઇફસ્ટાઇલમાં થયેલા ફેરફારોને કારણરૃપ ગણવામાં આવે છે. હાર્ટ સાથે સંબંધિત રોગોના ખતરાને ઘટાડવા માટે એક અસરકારક નીતિ બનાવવાની જરૃર ઊભી થઈ છે. તમાકુનિયંત્રણ, ફળો અને શાકભાજીની ઉપલબ્ધતા તથા પર્યાવરણમાં સુધારા મારફતે હાર્ટ સાથે સંબંધિત રોગોના ખતરાને ટાળી શકાય છે.
અભ્યાસમાં એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે લાઇફસ્ટાઇલમાં ફેરફારને કારણે ભવિષ્યમાં હાર્ટએટેક સહિતના હૃદય સંબંધિત રોગો થવાનાં પ્રમાણમાં અનેકગણો વધારો થઈ શકે છે.
- ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલ મુખ્ય કારણ
- ગ્રામીણ ક્ષેત્રોમાં પણ હૃદયરોગના ખતરામાં વધારો