Thursday, April 4, 2013

બર્લિન સ્ટેશન નજીકથી બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળ્યો

બર્લિન, તા. ૩
બર્લિન નાં મુખ્ય રેલવે સ્ટેશન નજીકથી બીજા વિશ્વયુધ્ધ વખતનો વણફુટેલો બોમ્બ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. રેલવે કંપનીની પ્રોપર્ટીમાંથી આ જીવતો બોમ્બ મળી આવતાં થોડી ક્ષણો માટે તો રેલવે અને રોડ ટ્રાફિક ખોરવાઈ ગયા હતા. બોમ્બ નાશક ટૂકડીએ તેને ડીફ્યૂઝ કરવાનાં પ્રયત્નો હાથ ધર્યા છે.
સો કિલોગ્રામ એટલે કે ૨૨૦ પાઉન્ડનો આ બોમ્બ સોવિયેટ રશિયાનો હતો જેને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વિમાનમાંથી ફેંકવામાં આવ્યો હોવાનું મનાય છે.
બર્લિન નાં મુખ્ય સ્ટેશનથી દોઢ કિ.મી. દૂર આ બોમ્બ મળી આવ્યો હતો. કોઈ આકસ્મિક ઘટના રોકવા માટે ૫૦ પ્રાદેશિક અને લાંબા અંતરની ટ્રેનોને અન્યત્ર વાળવામાં આવી હતી અને તેનાં રૃટ બદલવામાં આવ્યા હતા. મુખ્ય લાઈન પરની ટ્રેનોનાં રૃટ બદલવામાં આવ્યા હતા. આશરે ત્રણ કલાક સુધી ટ્રાવેલ પ્રલાન બદલવામાં આવ્યો હતો. જો કે પરાંની ટ્રેનો યથાવત ચાલતી હતી.
બોમ્બને ડીફ્યુઝ કરવામાં આવે તે પહેલા નજીકનાં રહેવાસીઓને અન્ય સલામત સ્થળે ચાલ્યા જવા આદેશ આપવામાં આવ્યા હતા. નજીકની કેનાલનાં જહાજોને રોકી દેવામાં આવ્યા હતા.
બીજા વિશ્વ યુદ્ધને છ ્દાયકા થયા છતાં ર્બિલનની આસપાસ ૩૦૦૦ જેટલા બોમ્બ વણફુટયા પડી રહ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે નવું બાંધકામ કરવામાં આવે ત્યારે ખોદકામ દરમિયાન આવા બોમ્બ મળી આવે છે. જૂન ૨૦૧૦માં ૫૦૦ કિલોનો આવો બોમ્બ મળી આવ્યો હતો જે બ્રિટનનો હોવાનું મનાતું હતું. આ બોમ્બને ડીફ્યૂઝ કરતી વખતે ત્રણ જર્મનો માર્યા ગયા હતા અને બે ને ગંભીર ઈજા થઈ હતી.