Tuesday, April 16, 2013

દેશમાં ફોરેન્સિક એક્સ્પર્ટની ભારે અછત


નવી દિલ્હી, તા.૧૬
દિલ્હીમાં ગયા વર્ષે ૧૬મી ડિસેમ્બરના રોજ ચાલુ બસમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટના બાદ એ હકીકત સામે આવી છે કે ફોરેન્સિક લેબોરેટરીઓમાં ફોરેન્સિક એક્સ્પર્ટ પણ ખૂબ જ ઓછા છે. આજ કારણે ફોરેન્સિક રિપોર્ટ ખોટા અને મોડા મળે છે. આરટીઆઇ થકી મળેલી જાણકારીમાં આ વાત સામે આવી છે.
દિલ્હીના એક આરટીઆઇ એક્ટિવિસ્ટે કરેલી અરજીમાં ફોરેન્સિક લેબ અંગે અગત્યની જાણકારીઓ પ્રકાશમાં આવી છે, તેમણે જાન્યુઆરી મહિનામાં દિલ્હી સરકારની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પાસે જાણકારી માગી હતી કે લેબમાં કેટલી જગ્યાઓ ભરાયેલી છે અને કેટલી ખાલી છે. આ સવાલના જવાબમાં એફએસએલે જણાવ્યું હતું કે, ફોરેન્સિક લેબના તમામ વિભાગોમાં કુલ ૩૩૭ પોસ્ટ છે અને તેમાંથી ૧૯૪ પોસ્ટ ખાલી પડી છે. ખાલી પડેલી જગ્યાઓમાં બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, દસ્તાવેજ, બેલેસ્ટિક, લાઇ ડિટેક્શન,ફોટો ક્વોલિટી કંટ્રોલ, ફિંગર પ્રિન્ટ અને ટેક્નિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
આરટીઆઇ હેઠળ સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૩ સુધી બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિંગમાં સિનિયર સાયન્ટિફિક ઓફિસરની કુલ ૨૩ જગ્યાઓ ખાલી છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટના ૩૪ પદોને મંજૂરી મળી છે પરંતુ તેમાં પણ ૨૫ જગ્યાઓ ખાલી છે. સાથે જ લેબ આસિસ્ટન્ટની જગ્યાઓ પણ ખાલી છે. લેબ આસિસ્ટન્ટની ૩૩ જગ્યાઓ ખાલી પડેલી છે.
આરટીઆઇ ઉપરથી જાણવા મળ્યું હતું કે બેલેસ્ટિક વિંગમાં પણ અનેક જગ્યાઓ ખાલી પડેલી છે. સિનિયર સાયન્ટિફિક ઓફિસરની ૫માંથી ૪ જગ્યાઓ ખાલી છે. જ્યારે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ૪માંથી ૩ પોસ્ટ ખાલી છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટની તમામ ૪ જગ્યાઓ ખાલી છે, જ્યારે લેબ આસિસ્ટન્ટની ત્રણ પોસ્ટ ખાલી છે.
લાઇ ડિટેક્શન ડિપાર્ટમેન્ટમાં ૨૧માંથી ૧૫ જગ્યાઓ ખાલી છે. આ વિભાગમાં કોઇ લેબ આસિસ્ટન્ટની ભરતી કરાઈ નથી. આસિસ્ટન્ટ ડિરેક્ટરની ત્રણ પોસ્ટ ખાલી પડેલી છે. ફિંગર પ્રિન્ટ વિંગમાં ૫માંથી ૪ જગ્યાઓ ખાલી છે.
આ અંગે કાનૂની જાણકાર અને સિનિયર ક્રિમિનલ વકીલ કે.ટી.એસ. તુલસી જણાવે છે કે, તપાસ જેટલી વૈજ્ઞાાનિક પદ્ધતિથી કરવામાં આવે છે, પુરાવા પણ તેટલા જ મજબૂત હોય છે. હાલના સમયમાં બળાત્કાર, ખૂન, છેતરપિંડીથી લઇને તમામ પ્રકારના ગુનાઓમાં ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ સંજોગોમાં સાયન્ટિફિક લેબોરેટરીને અપગ્રેડ કરવાની ખૂબ જ જરૃરી છે. હવે તો મોબાઇલ સાયન્ટિફિક લેબની પણ જરૃરિયાત ઊભી થઈ છે. મેન પાવરની સાથે સાથે ટેક્નિકલ ચીજોને પણ મોર્ડનની જરૃર પડે છે.