Thursday, May 2, 2013

દુનિયાના ત્રીજા ભાગના ગરીબો ભારતમાં વસે છે :વર્લ્ડ બેન્ક


નવી દિલ્હી, તા. 18
દૈનિક રૂપિયા ૬૫થી ઓછી આવક ધરાવતાં દુનિયામાં ત્રીજા ભાગના ગરીબો ભારતમાં વસે છે. વર્લ્ડ બેંકે તાજેતરમાં બહાર પાડેલા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં ૧.૨ અબજ લોકો હજુ પણ ખૂબ જ ગરીબ છે.
વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ડિકેટર્સમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૧૯૮૧થી વર્ષ ૨૦૧૦ની વચ્ચે વિકાસશીલ ક્ષેત્રોમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન ગરીબોનો સરેરાશ દર ૫૦ ટકાથી ઘટીને ૨૧ ટકા ઉપર આવી ગયો છે. વિકાસશીલ દેશોમાં ગરીબોની સંખ્યામાં ૫૯ ટકાના વધારા છતાં ગરીબીનો સરેરાશ દર ઓછો થયો છ, જોકે વર્લ્ડ બેન્કે જાહેર કરેલા અત્યંત ગરીબીના નવા વિશ્લેષણ અનુસાર હજુ પણ વર્ષો સુધી સારી રીતે પ્રગતિ કરી હોવા છતાં સહારા-આફ્રિકાનાં ક્ષેત્રમાં ત્રીજા ભાગથી વધુ લોકો ગરીબ છે.
વર્લ્ડ બેન્ક ગ્રૂપના અધ્યક્ષ જિમ યોંગ કિમે જણાવ્યું હતું કે, અમે વિકાસશીલ દેશોમાં રૃ. ૬૫થી ઓછી આવક ધરાવતાં લોકોની સંખ્યામાં ઘટાડો કરવામાં નોંધાપાત્ર પ્રગતિ કરી છે, જોકે હજુ પણ ૧.૨ અબજ લોકોનું દુનિયામાં ગરીબ રહેવું એક શરમજનક બાબત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આંકડાઓ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગરીબાઈ વિરુદ્ધ લડાઈનો સંકલ્પ મજબૂત કરવા માટે આધાર બની શકે છે. અમારા વિશ્લેષણ અનુસાર વર્ષ ૨૦૩૦ સુધી દુનિયામાં અત્યંત ગરીબાઈની સ્થિતિ ખતમ કરી શકાય છે.
વર્લ્ડ બેન્કના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુએે જણાવ્યું હતું કે, અમે ગરીબી નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો છે,જોકે આ પ્રયત્નો પૂરતા નથી. દુનિયાની આબાદીનો આશરે પાંચમો ભાગ હજુ પણ ગરીબીરેખાની નીચે જીવી રહ્યો છે.