Friday, January 4, 2013

ગિરનારમાં ઝરણાં બરફમાં ફેરવાયાં


અમદાવાદ /રાજકોટ, તા. ૩
  • ગુજરાતમાં શીતલહેર : ગિરનારમાં ૧ ડિગ્રી
  •  માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રી
  •  સૌરાષ્ટ્રમાં ઠંડીથી બેનાં મોત
ગુરુવારે ગિરનારમાં ૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગિરનારના અંબાજી મંદિર પાસેનાં ઝરણાંઓમાં બરફ જામી ગયો હતો. હવામાન વિભાગના સૂૂત્રોના મતે, ગિરનારનાં જંગલોમાં સૌથી નીચું તાપમાન જતું રહ્યું હતું. સિંહ, દીપડા, હરણ, નીલગાય અને પક્ષીઓ બખોલ, ગુફા, માળાઓમાં ભરાઈ ગયાં હતાં. ગિરનારના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી
બાપુએ જણાવ્યું હતું કે, ગુરુવારે વહેલી સવારે મંદિરના સેવકો મંદિરથી ૬૦૦ ફૂટ નીચે આવેલાં ઝરણાંમાં પૂજા-પાઠ માટે પાણી ભરવા ગયા ત્યારે બરફ જામી ગયો હતો. ગિરનારમાં અનેક નાનાં ઝરણાંઓમાં બરફ જામી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આગામી ૧૨ કલાક સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.
બપોર બાદ ઠંડા પવનો ફૂંકાતાં લોકોને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સાંજે પણ ઠંડા પવનો ફૂંકાવવાનો દોર જારી રહ્યો હતો. અમદાવાદનું લઘુતમ તાપમાન ૯.૮ ડિગ્રી રહ્યું હતું.
 રાજ્યમાં નવ શહેરોનું તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું. કચ્છમાં આજે ઠંડીમાં થોડી રાહત થઇ હતી. ભુજમાં ૧૦.૮ ડિગ્રી, નલિયામાં ૪.૧ ડિગ્રી, કંડલામાં ૮.૨ ડિગ્રી, પોરબંદરમાં ૭.૨ ડિગ્રી, રાજકોટમાં ૭.૭ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આમ સૌરાષ્ટ્ર- કચ્છ ઠંડીથી પ્રભાવિત બન્યું હતું. ડીસામાં પણ ઠંડીનું પ્રમાણ ૭.૨ ડિગ્રી, વલસાડમાં ૮.૫ ડિગ્રી, સુરતમાં ૧૩.૦ ડિગ્રી અને વડોદરામાં ૧૧.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના મતે, રાજ્યમાં આકાશ સ્વચ્છ રહેશે. જોકે, ઉત્તર- દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રે કાતિલ ઠંડી અનુભવાશે. આમ હજુયે બે-ચાર દિવસ સુધી હાડ થીજવતી ઠંડીનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.
આબુમાં વૃક્ષો પર બરફની ચાદર
ગુરુવારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો ગગડીને શુન્ય ડિગ્રીએ પહોંચ્યો હતો જેથી અહીં ર્બિફલી ઠંડીનો અહેસાસ થયો હતો. વહેલી સવારે અહીં ભારે ધુમ્મસ છવાતાં એક તબક્કે એક બીજાને જોઇ ન શકાય તેવી સ્થિતિ સર્જાઇ હતી, આ ઉપરાંત વૃક્ષો પર જાણે બરફની ચાદર છવાઇ હતી. એટલું જ નહિ પણ વાહનો પર પણ બરફની ચાદર છવાતાં કાશ્મીર જેવું દૃશ્ય સર્જાયું હતું. નખી લેકમાં બોટ પણ બરફની ચાદરમાં લપેટાઇ હતી. સહેલાણીઓ હોટલમાં પુરાયાં હતાં.
ભારે ઠંડીથી વૃદ્ધ અને યુવાનનું મોત
સૌરાષ્ટ્રમાં ભારે ઠંડીને લીધે ગત રાતે સિવિયર કોલ્ડ વેવના કારણે ભાવનગર રોડ પર પટેલવાડી પાસે એક અજાણ્યા વૃદ્ધ ઠંડીમાં ઠૂંઠવાઈ જતાં મોતને ભેટયા હતા. તેમનું નામ વિનોદરાય ખુશાલચંદ સંઘવી હોવાનું જાણવા મળ્યું હતુ. ટંકારાના લજાઈ ગામે વાડીએ મજૂરી કામ કરતા અજાણ્યા રર વર્ષીય યુવાનને ઠંડી લાગી જતાં મોત નીપજયું હતું.