Friday, January 4, 2013

કાશ્મીરમાં દાલ સરોવર થીજી ગયું


નવી દિલ્હી, તા. ૩
  • સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કેરરાજ્યોમાં શીતલહેર 
  • ઉત્તર પ્રદેશહરિયાણાપંજાબજમ્મુ-કાશ્મીરહિમાચલ પ્રદેશમાં જનજીવન અસ્તવ્યસ્ત
  • દિલ્હીથી ઊડતી ૧૪૦ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ
  • ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૧૧૬
  • દિલ્હીમાં બે દિવસમાં તાપમાન ૨ ડિગ્રીએ પહોંચવાની આગાહી
  • ૬ જાન્યુઆરી સુધી ધુમ્મસ રહેશે
 હાડ ગાળી નાખતા ઠંડા પવનોને કારણે સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સપાટામાં સપડાયું છે. ઉત્તરનાં રાજ્યોમાં ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે ગગડતાં લાખો લોકો ઠંડીમાં ઠૂંઠવાયાં છે. ઠંડીનો કેર વધતાં ઉત્તર પ્રદેશમાં વધુ ૯ લોકોનાં મોત થતાં મૃત્યુઆંક ૧૧૬ પર પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં જનજીવનને માઠી અસર થઈ છે. હવામાન ખાતાંની આગાહી મુજબ ઉત્તરનાં રાજ્યોમાં આગામી બે દિવસ ઠંડા પવનો ફૂંકાવાનું ચાલુ રહેશે, પરિણામે તાપમાન વધુ ગગડવાની શક્યતા છે.
ગાઢ ધુમ્મસ અને આછા પ્રકાશને કારણે અનેક ટ્રેનો રદ કરવાની રેલવે સત્તાવાળાઓને ફરજ પડી છે. લાંબા અંતરની કેટલીક ટ્રેનો મોડી દોડી રહી છે. દિલ્હીથી ઉડતી ૧૪૦ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થતાં રસ્તા પરના ટ્રાફિકને અસર થઈ છે. કાશ્મીરમાં દાલ સરોવર થીજી ગયું છે. દિલ્હીમાં રવિવાર સુધીમાં તાપમાન ગગડીને ૨ ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવતાં લોકોનાં રૃંવાડાં ઊભાં થઈ ગયાં છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુનું તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં લોકો ઠંડીનાં સપાટામાં સપડાઈ ગયાં છે.
દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૮ ડિગ્રી ઓછું એટલે કે ૧૨.૭ ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુતમ તાપમાન ૪.૪ સેલ્સિયસ નોંધાયું હતું.
કાશ્મીર ખીણમાં પણ ઠંડીની માઠી અસર થઈ હતી. દાલ સરોવર આ વખતની મોસમમાં પહેલી વખત થીજી ગયું હતં. શ્રીનગરમાં તાપમાનનો પારો ગગડયો હતો અને માઈનસ ૪ ડિગ્રી થયો હતો.
ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવ ફરી વળતા મૃત્યુઆંક ૧૧૬ પર પહોંચ્યો
ઉત્તર પ્રદેશમાં કોલ્ડવેવ ફરીવળતાં ઠંડીનો પ્રકોપ સતત ચાલુ રહ્યો હતો જેને કારણે વધુ ૯નાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૧૬ પર પહોંચ્યો છે. દેવરિયા, ચંદોલી, ગાઝીપુર, બિજનોર, ઝાંસી અને બારાબંકી જિલ્લામાં કાતિલ ઠંડીનાં કારણે લોકો ઠૂંઠવાયાં હતાં. ૨.૪ ડિગ્રી તાપમાન સાથે નજીબાબાદ રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. અલ્હાબાદ, કાનપુર, આગ્રા, મેરઠ, લખનૌ,બરેલી અને ઝાંસીમાં ઠંડીનો પ્રકોપ વધતાં લોકોની હાડમારીમાં પણ વધારો થયો હતો.
દિલ્હીમાં પારો ગગડીને ૨ ડિગ્રીએ પહોંચવાની આગાહી
દિલ્હીમાં સતત બીજા દિવસે પણ ઠંડા પવનો ચાલુ રહેતાં લોકો ઘરમાં જ પુરાઈ રહ્યાં હતાં. જોકે મહત્તમ તાપમાન ૧૨.૭ ડિગ્રી રહ્યું ્હતું જ્યારે લઘુતમ તાપમાન ૪.૪ ડિગ્રી નોંધાયું હતું. ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં ૧૪૦થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. કેટલીક ટ્રેનો અને ફલાઈટ્સ રદ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. હવામાન ખાતાંની આગાહી મુજબ શનિવાર અને રવિવારે દિલ્હીમાં તાપમાનનો પારો ઘટીને ૨ ડિગ્રીએ પહોંચવાની ધારણા છે, જો ઠંડી વધશે તો લોકોની હાલાકીમાં પણ વધારો થશે.
રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં પારો શૂન્ય ડિગ્રીએ-
રાજ્સ્થાનમાં પણ શીતલહેરોને કારણે પારો ગગડયો હતો અને માઉન્ટ આબુમાં પારો શૂન્ય ડિગ્રી પર પહોંચ્યો હતો. બિકાનેર પણ ૦.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. પલાની, ચુરૃ, શ્રીગંગાનગર અને બારમેરમાં તાપમાન ૨.૧ ડિગ્રીથી ૪ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જયપુર અને ચિત્તોડગઢમાં ૪.૨ ડિગ્રી ઠંડી નોંધાતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયાં હતાં.
પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ
પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. આ બંને રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાતાં રેલ અને રોડ ટ્રાફિકને માઠી અસર થઈ હતી. પંજાબ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં પણ પારો નીચો રહ્યો હતો. નારનૌલ ૦.૫ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડું શહેર બન્યું હતું.
શીતલહેરનો ખતરો કેમ ?
શીતલહેરનો ખતરો અને તેની અસરો લઘુતમ તાપમાનમાં થતા ઘટાડા પરથી જાણી શકાય છે. અત્યારે જે વાતાવરણ છે તેને ધ્યાનમાં લઈને સામાન્ય તાપમાન ૭-૮ ડિગ્રી નક્કી કરાયું છે, જો તાપમાનમાં ૩થી ૪ ડિગ્રી ઘટાડો થાય તો શીતલહેર ફરીવળે છે. દિલ્હીમાં હાલ તાપમાન ૪થી ૬ ડિગ્રીની વચ્ચે છે. આવનારા દિવસોમાં તે વધુ ઘટે તેવી શક્યતા છે. દિલ્હી સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં પણ ઠંડીનો પ્રકોપ ચાલુ રહેવાની ધારણા છે.
૬ જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે
મોસમ વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ૬ જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ધુમ્મસ મધરાતે ૩ વાગ્યાથી સવારે ૯ વાગ્યા સુધી ચાલુ રહેશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ૨૦૦ મીટરથી ઓછી રહેશે, જેની અસર રેલવે અને એર ટ્રાફિક પર પડશે.
શિમલામાં પાઈપોમાં પાણી થીજી ગયું
હિમાચલ પ્રદેશમાં પણ ઠંડા પવનોએ સુસવાટા બોલાવતાં શિમલામાં પાણીની પાઈપો થીજી ગઈ હતી, ત્યાં પારો ૧ ડિગ્રી રહ્યો હતો. મનાલી, સોલાન, સુંદરનગર અને ભુન્તારમાં ઠંડીથી લોકોનાં હાજાં ગગડી ગયાં હતાં.
ઠંડી માટે પણ પાકિસ્તાન જવાબદાર!
હવામાન ખાતાંના જણાવ્યા મુજબ દિલ્હી અને ઉત્તર ભારતમાં ફરીવળેલી શીતલહેર માટે પાકિસ્તાનમાંથી આવતા ઠંડા પવનો જવાબદાર છે. નોર્થવેસ્ટ તરફથી આવતા ઠંડા પવનોથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં સપડાયું છે. આ ઉપરાંત સવારે ૯ વાગ્યા સુધી દિલ્હી સહિત ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાતાં લોકો ઠંડી અનુભવી રહ્યાં છે.