Thursday, January 3, 2013

કેશ ટ્રાન્સફર આજથી અમલી Jan 01, 2013


નવી દિલ્હી, તા. ૩૧
કેન્દ્ર સરકારે દેશના ૨૦ જિલ્લાઓમાં ૧લી જાન્યુઆરીથી કેશ ટ્રાન્સફર યોજનાનો અમલ શરૂ કર્યો છે. મંગળવારથી સરકાર માટે ગેમ ચેન્જર ગણાતી આ યોજના થકી ૨ લાખ જેટલા લાભાર્થીઓનાં ખાતાંમાં સીધા જ પૈસા જમા કરાશે. હાલના તબક્કે માત્ર સાત જેટલી યોજનાઓનો કેશ ટ્રાન્સફર સ્કીમમાં સમાવશે કરાયો હતો અને અનાજ, ખાતર અને ઇંધણ પર અપાતી સબસિડીને બાકાત રખાઈ હતી, જોકે બાદમાં આ યોજનાનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.
આ યોજનાની જાહેરાત કરતાં નાણાપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, કેશ ટ્રાન્સફર યોજનાનો અમલ ક્રમબદ્ધ રીતે કરાશે. ૧લી જાન્યુઆરીથી દેશના ૨૦ જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની ૭ યોજનાઓનાં નાણાં સીધા લાભાર્થીઓનાં ખાતામાં જમા કરાશે. તમામ લાભાર્થીઓ પાસે આધારકાર્ડ નહિ હોય તેમ છતાં પણ તેમનાં બેન્કખાતામાં નાણાં જમા કરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છીએ. અમે તમામ સબસિડીનો લાભ આ યોજના હેઠળ પૂરો પડાય તેવું ઇચ્છી રહ્યાં છીએ પરંતુ ધીરે ધીરે તે દિશામાં આગળ વધવા માગીએ છીએ. અમે ઉતાવળમાં કશું કરવા માગતા નથી જેથી બાદમાં તેને મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે, કેશ ટ્રાન્સફર યોજનાને કારણે વ્યવસ્થામાંથી છીંડાં દૂર થશે અને સબસિડીની વહેંચણીમાં આચરવામાં આવતો ભ્રષ્ટાચાર અટકશે. આ યોજના વર્ષ ૨૦૧૩ના અંત સુધી સમગ્ર દેશમાં અમલી કરાશે. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, કેશ ટ્રાન્સફર યોજના સરકાર માટે ખરેખર ગેમ ચેન્જર સાબિત થશે. ગેમ ચેન્જર એટલા માટે કે આપણી પાસે પૈસા માટે ખાતાં હશે અને એક પણ વ્યક્તિની મધ્યસ્થી વિના સીધી જ યોજનાનાં નાણાં લાભાર્થીનાં ખાતાંમાં જમા કરી શકાશે.
ચિદમ્બરમે જણાવ્યું હતું કે, હાલના તબક્કે અનાજ, ખાતર, ડીઝલ અને કેરોસીનની સબસિડીનાં નાણાં આ યોજના હેઠળ જમા કરાવવાનો કોઈ ઇરાદો નથી. તેમના મત મુજબ, આ ખૂબ જ પેચીદો મુદ્દો છે. તેઓ મુદ્દાનો વિસ્તૃત અભ્યાસ કરશે અને સંપૂર્ણ ખાતરી થયા બાદ કેશ ટ્રાન્સફર યોજનાનો તેમાં અમલ કરશે. ચિદમ્બરમે જણાવ્યું હતું કે પહેલા ચરણમાં રાહતદરનાં એલપીજી સિલિન્ડર્સની સબસિડીનાં નાણાં આ યોજના હેઠળ ટ્રાન્સફર કરાશે નહીં.
 આ યોજનાઓમાં અમલ કરાશે
-એસસી, એસટી અને ઓબીસીના પ્રી અને પોસ્ટ મેટ્રિક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
-ઇન્દિરા ગાંધી માતૃત્વ સહાયતા યોજના
-ધનલક્ષ્મી યોજના
-એસસી, એસટી સમુદાયના નોકરીવાંચ્છુઓ માટેની યોજનાઓ
બેન્કિંગ સેવા વિસ્તારાશે
૪૩ જિલ્લાઓની ૭,૯૦૦ બેન્ક શાખાઓમાં એટીએમની સુવિધા
૨૦ લાખ માઇક્રો એટીએમની સ્થાપના માટે ટેન્ડર બહાર પડાયાં
દરેક ૧,૦૦૦થી ૧,૫૦૦ ઘરોને બેન્કિંગ સેવા પૂરા પાડવા બેન્કોને આદેશ
યોજના વિશે જાણવા જેવું...
૧લી માર્ચ સુધીમાં ૧૪ રાજ્યોના ૪૩ જિલ્લાઓમાં આ યોજના અમલી બનશે
૧લી જાન્યુઆરીથી-કર્ણાટક, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પોંડીચેરી, ચંદીગઢ અને દીવ તથા દમણના ૨૦ જિલ્લાઓ
૧લી ફેબ્રુઆરીથી- કેરળ, હરિયાણા, સિક્કિમ, ગોવા, મહારાષ્ટ્ર, ઝારખંડના ૧૧ જિલ્લાઓ
૧લી માર્ચથી- ત્રિપુરા સહિત ઉપરોક્ત રાજ્યોના વધુ ૧૨ જિલ્લાઓ