Friday, March 1, 2013

ગૂગલના યૂઝર્સ અન્ય વેબસાઇટ્સ સાઇન-ઇન કરી શકશે


સાનફ્રાન્સિસ્કો, તા. ૨૭
બ્રિટન અને અમેરિકાની વેબસાઇટ્સ પર એક્સેસની સવલત શરૂ કરાઈ
સોશિયલ મીડિયા વેબસાઇટ્સ હવે વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે અને આધુનિક મીડિયામાં તેનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ઇન્ટરનેટ કંપની ગૂગલ દ્વારા ફેસબુકને ટક્કર આપવા માટે નવી પહેલ કરવામાં આવી છે. ગૂગલ પ્લસના યૂઝર્સ હવે તમામ અન્ય વેબસાઇટ્સ તેમજ સ્માર્ટફોન એપ્લિકેશન્સ પર સાઇન-ઇન કરી શકશે. ગૂગલ દ્વારા અન્ય વેબસાઇટ્સને આ સુવિધા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
બ્રિટન અને અમેરિકાનાં લોકપ્રિય અખબારો ધ ગાર્ડિયન અને યુએસએ-ટુ ડે ની ફેન્સી ફિટનેસને લગતી વેબસાઇટ ફિટબિટ દ્વારા ગૂગલ પ્લસનાં ખાતેદારોને અન્ય વેબસાઇટ સાઇન-ઇન કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગૂગલે જણાવ્યું હતું કે આ નવી સુવિધાથી તેના યૂઝર્સ કઈ વેબસાઇટ્સનો વધારે ઉપયોગ કરે છે અને તેમની જરૂરિયાત શું છે તેના આંકડાઓ એકત્ર કરી શકાશે. યૂઝર્સની જરૂરિયાતોને આ રીતે સંતોષી શકાશે.
ફેસબુક દ્વારા ૨૦૦૮માં આ પ્રકારે તેના યૂઝર્સની વિવિધ જરૂરિયાતોને લગતી માહિતી એકઠી કરવામાં આવી હતી, જે મુજબ યૂઝર્સ તેમનાં ફેસબુક ખાતાનો ઉપયોગ કરીને અન્ય વેબસાઇટ્સ પર ખાતાં ખોલી શકતા હતા અને આ સાઇટ્સ પરથી યૂઝર્સ કેવી કેવી માહિતી મેળવવા કોશિશ કરે છે તેની ફેસબુકને જાણ થતી હતી.
આ પછી ગૂગલ દ્વારા ૨૦૧૧માં તેની નવી સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ ગૂગલ પ્લસની શરૂઆત કરવામાં આવી હતી. ફેસબુકના યૂઝર્સ હાલ ૧ અબજ લોકો છે જ્યારે ગૂગલ પ્લસનાં યૂઝર્સ ૧૦ કરોડ છે.