Sunday, March 10, 2013

એશિયામાં સ્થિરતા માટે ભારત મહત્ત્વનું : US

વોશિંગ્ટન, તા. ૧
આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતા માટે ભારતની ભાગીદારી જરૂરી
 
દુનિયાના દેશો અને ખાસ કરીને એશિયાઈ દેશો પ્રત્યે બેવડી નીતિ ધરાવતા અમેરિકાનો વધુ એક દાખલો જોવા મળ્યો છે. થોડા સમય પહેલાં અમેરિકાના સંરક્ષણપ્રધાન બનવા માટે નક્કી મનાતા હેગલ દ્વારા પાકિસ્તાનને પરેશાન કરવા માટે ભારત પર આરોપ મુકાયા હતા ત્યાં બીજા એક સાંસદ દ્વારા હવે ભારતનાં વખાણ કરવામાં આવ્યાં છે.
એક તરફ હેગલે ભારતની પ્રતિષ્ઠાને ખરડવાનો સભાન પ્રયાસ કર્યો છે ત્યાં અમેરિકી સાસંદ ટેડ પો ભારતને મનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.અમેરિકામાં ભારતીય રાજદૂત નિરુપમા રાવ સાથેની એક મુલાકાત દરમિયાન વરિષ્ઠ અમેરિકી સાસંદ ટેડ પોએ સપ્ટેમ્બર ૨૦૧૨માં તેમણે કરેલા ભારતપ્રવાસ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઊર્જા ક્ષેત્રે આગામી સમયમાં ભારતની અને અમેરિકાની ભાગીદારી સારી સાબિત થશે. એશિયાઈ દેશોમાં આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતા લાવવા માટે ભારત મહત્ત્વનું અંગ છે.
ભારત સિવાય એશિયાઈ દેશોમાં સ્થિરતા અને શાંતિ લાવવાં અશક્ય છે, તે સિવાય તેમણે રાવ સાથે આતંકવાદ અને તેમાં જરૂરી સહાય તથા છેલ્લા કેટલાક સમયમાં અમેરિકા અને ભારતના સંબંધોને લગતા ઘટનાક્રમ અંગે પણ વાતચીત કરી હતી. ટેડ પોએ જણાવ્યું કે વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને વિકાસ બાબતે અમેરિકા ભારતને પોતાનું મહત્ત્વનું ભાગીદાર માને છે.
ભારતીય દૂતાવાસના જણાવ્યા પ્રમાણે રાવે ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકી રાજ્યોના ગવર્નરો ભારતીય અમેરિકાની ભાગીદારીને મજબૂત બનાવવા અને વિસ્તારવા માટે નવી તકો તપાસતાં રહે છે અને તેના માટે વારંવાર ભારતના પ્રવાસ પણ કરતા રહે છે.
ટેડ પોની પાસે કોંગ્રેસની અનેક મહત્ત્વની સમિતિઓ કામ રે છે. તેઓ વિદેશી બાબતોની સમિતિમાં સ્થાન ધરાવે છે જ્યાં આતંકવાદ, વેપાર વગેરે બાબતો પર અમેરિકાની નીતિઓ પર ચર્ચાવિચારણા થાય છે.
અમેરિકાના મતે ભારત અફઘાનિસ્તાન, રશિયા સહિત અનેક દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. પરિણામે અફઘાનિસ્તાનમાં નાટો દળોની વિદાય બાદ શાંતિ જાળવી રાખવા ભારત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતે મવાળવાદી તાલિબાનો અને અફઘાન સરકાર વચ્ચે વાટાઘાટો માટે પ્રયાસ કર્યા હતા. ભારતીય મિશન અફઘાનિસ્તાનને ત્રાસવાદી શાસનમાંથી બહાર લાવવા સતત કાર્યરત છે.