Monday, November 14, 2011

ઈન્ટરવ્યૂના સામાન્ય સવાલોના જવાબ કેવી રીતે આપશો?


જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં કે સંસ્થામાં ઈન્ટરવ્યૂ આપવા માટે જાય છે ત્યારે ઈન્ટરવ્યૂ લેનાર તેને કેટલાંક સવાલો કરે છે. આમાંથી કેટલાંક સવાલો એવા હોય છે કે જે ગમે તે કંપની કે સંસ્થામાં ઈન્ટરવ્યૂ આપવા જાઓ ત્યાં પુછાતાં જ હોય છે. આવા જ કેટલાંક સવાલો અને તેનો જવાબ કેવી રીતે આપવા તે જોઈએ.
* તમારા વિશે કંઈ જણાવો?
* કોઈ પણ જગ્યાએ ઈન્ટરવ્યૂમાં જાઓ ત્યારે સૌથી પહેલો પૂછવામાં આવતો આ ખુબ જ સામાન્ય સવાલ છે. ઈન્ટરવ્યૂ લેનારનો આ સવાલ પૂછવાનો હેતુ માત્ર એટલો જ હોય છે કે તે ઈન્ટરવ્યૂ આપનારને રિલેક્સ અને કંફર્ટેબલ કરવા માંગે છે. જેથી તમે ઈન્ટરવ્યૂમાં આગળ વધી શકે. આ સવાલનો જવાબ ૩૦ સેકન્ડમાં જણાવવો જોઈએ.
* જેમાં તમારો પરિચય, એજ્યુકેશન, મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ, એક્સ્ટ્રા કરિકુલર એક્ટિવિટિઝ વગેરે અંગે જણાવી શકો છો. તમારું વધારે ધ્યાન અનુભવ અને સ્કિલ્સ પર રહેવું જોઈએ જે એ નોકરીની માંગ છે. તેની સાથે સંબંધિત વાતો તમારા મોઢે આવવી જોઈએ. એટલે કે જો તમને એવું લાગતું હોય કે નોકરીમાં ટીમ સ્કિલ્સની જરૂર વધારે છે, તો કંઈક એવું જણાવો કે જેથી તમારી સ્કિલ્સ ઈન્ટરવ્યૂ લેનાર સામે જાહેર થાય. જવાબ કેવી રીતે આપી શકાય તેનું એક ઉદાહરણ
* મારું નામ રાજીવ ગુપ્તા છે. મેં હૈદરાબાદ યુનિર્વિસટીમાંથી એમસીએ કર્યું છે. હું જેબીએસ કંપનીમાં પાછલાં બે વર્ષથી પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો છું. હું જે પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છું તેનું ડોમેન રિટેલ છે અને અમારી ક્લાયન્ટ અમેરિકાની સૌથી મોટી ફાર્મસી કંપની વોલગ્રીંસ છે. કોલેજકાળમાં હું કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છું. જેનાથી મારી અંદર લીડરશિપ સ્કિલ ડેવલપ થઈ અને હવે આ જ વસ્તુ મારા વર્ક એરિયામાં મારી મદદ કરે છે.
* તમે અમારી કંપની વિશે શું જાણો છો?
* જે પણ કંપનીમાં તમે ઈન્ટરવ્યૂ આપવા માટે ગયા છો તે કંપની એવું માનીને ચાલે છે કે તમારે તેમાં કેટલાંક વર્ષ પસાર કરવાનાં છે. એવામાં તે એ ચોક્કસ જાણવા માગશે કે તમે કંપનીમાં કેટલો રસ લો છો એટલે કે તમે કંપની વિશે કેટલું જાણો છે. તેથી જે પણ કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હો તેના વિશે, તેની શરૂઆત અને કાર્યક્ષેત્ર અંગે તેની વેબસાઈટ એક વાર અવશ્ય જોઈ લો. કંપનીને મળેલી સફળતાઓ ચકાસો. તે કંપનીની પ્રાથમિક બાબતોની જાણ તમને હોવી જ જોઈએ. ઓછામાં ઓછી એટલી જાણકારી તો હોવી જ જોઈએ કે તેના ઉપર તમે બે મિનિટ બોલી શકો.
* અમે તમને શા માટે લઈએ?
* આ સવાલના જવાબમાં બે બાબતો બહાર આવવી જોઈએ. એક તો કંપની વિશે તમે જાણતા હો અને બીજું એ કે તમે જે પોસ્ટ માટે જઈ રહ્યા છો તેની જવાબદારીનો અંદાજો તમને છે. એ સાબિત કરવાનો પ્રયત્ન કરો કે તમે તે જવાબદારીઓને સારી રીતે નિભાવવા માટે કાબેલ છો. જવાબ કંઈક આવો આપી શકાય-
* હું જાણું છું કે જે કંપનીમાં હું જોડાવા ઇચ્છુ છું તે ફ્રાન્સની એક મલ્ટિનેશનલ સોફ્ટવેર કંપની છે. ઘણાં વિદેશી ક્લાયન્ટ્સની સાથે પણ કંપની વેપાર કરે છે. જે પોસ્ટ માટે મને બોલાવવામાં આવ્યો છે, તેમાં સીધા ક્લાયન્ટને હેન્ડલ કરવાનો પડકાર હશે. હું મારી વર્તમાન નોકરીમાં પહેલેથી આ કામ કરી રહ્યો છું, જેનો મને સારો અનુભવ છે. તેથી મને એવું લાગે છે કે આ નોકરીની માંગ પ્રમાણે હું યોગ્ય છું.
* તમે તમારી વર્તમાન નોકરી શા માટે છોડવા માંગો છો?
* આ સવાલના જવાબમાં ભૂલથી પણ તમારી વર્તમાન કંપનીને વખોડશો નહીં, તેના વિશે કંઈ પણ ખરાબ બોલશો નહીં, કારણ કે તેનાથી તમારી નેગેટિવ ક્વોલિટી જાહેર થઈ જાય છે. આ સવાલના જવાબમાં નવી કંપની અને તમારા નવા રોલની ખુબીઓ આ રીતે જણાવી શકો-
* હું જે કંપનીમાં કામ કરી રહ્યો છું, ત્યાં મેં ચાર વર્ષ કામ કર્યું છે. જો કે હું મારા કામથી ખુશ છું, પરંતુ કેટલાંક દિવસોથી મને એવું લાગે છે કે મને વર્તમાન કરતાં પણ વધારે પડકારરૂપ કામ કરવું જોઈએ. થોડી મોટી અને નવી જવાબદારીઓ સ્વીકારવી જોઈએ. જેનાથી કામ પ્રત્યે મારો ઉત્સાહ જળવાઈ રહે. મારો એક હેતુ કરિયર ગ્રોથ પણ છે. બસ આ જ કારણસર હું જૂની નોકરી છોડવા માંગું છું.
* આજથી પાંચ વર્ષ પછી તમે પોતાને ક્યાં જુઓ છો?
* આ સવાલ કરીને કંપની બે બાબતો તપાસવા માગે છે. પહેલી એ કે તમે કેટલાં મહત્ત્વાકાંક્ષી છો અને બીજી એ કે તમે કેટલાં રિયાલિસ્ટિક છો. તેમ જવાબ આપો તે પહેલાં એ જોઈ લો કે કંપનીની સ્થિતિ શું છે અને તમને તેમાં કેટલે ઉપર સુધી જઈ શકવાની શક્યતા છે.
* કહેવાનો અર્થ એટલો જ છે કે તમે ભૂલથી પણ એવું ન કહી બેસતા કે હું કંપનીનો સીઈઓ બનવા માંગું છું અથવા હું એક સારો સોફ્ટવેર પ્રોફેશનલ બનવા માંગું છું તેવું પણ ન કહેશો. કારણ કે પહેલા જવાબમાં તમે અનરિયલિસ્ટિક છો, જ્યારે બીજા જવાબથી એ સાબિત થાય છે કે તમારી અંદર મહત્ત્વાકાંક્ષા નથી. આ બંને સ્થિતિઓ ખોટી છે. જવાબ કંઈક આવો હોવો જોઈએ-
* જો મને આ નોકરી મળે તો હું એક ક્લાયન્ટ માટે કામ કરી રહેલી ટીમમાં પ્રોજેક્ટ મેનેજર બનીશ, પાંચ વર્ષ પછી મારું લક્ષ્ય એ છે કે હું એ ક્લાયન્ટના સમગ્ર એકાઉન્ટનો લીડર બનીશ.
નબળાઈ અને સ્ટ્રેન્થ છુપાવવાની વસ્તુ નથી
ઇન્ટરવ્યૂ વખતે કે કોઈ પણ કંપનીમાં કામ કરતા તમારી નેગેટિવ અને પોઝિટિવ બાબતો છુપાવવાની જરૂર નથી. તે દરેક વ્યક્તિની અંદર હોય છે જ. તેથી નેગેટિવ બાબતો જણાવતા જરાય ખચકાશો નહીં. તમારી નેગેટિવ અને પોઝિટિવ બાબતો ખુલ્લા મને જણાવો. આ સવાલ પર જરાય ચતુરાઈ ન બતાવશો, કારણ કે તમારો આ વધુમાં વધુ આઠમો કે દસમો ઈન્ટરવ્યૂ હશે, પરંતુ તમારી સામે જે ઈન્ટરવ્યૂ લેવા બેઠી છે તે વ્યક્તિ સોથી પણ વધારે લોકોના ઈન્ટરવ્યૂ લઈ ચૂકી હશે. તેનામાં એટલી સમજણ તો છે જ કે તે તમારી ચાલાકી જાણી જાય. ઘણી કંપનીમાં ઈન્ટરવ્યૂ બોર્ડમાં સાઈકોલોજિસ્ટ પણ હોય છે, જેમના માટે તમારા જૂઠને પકડી પાડવાનું કામ ખૂબ સરળ છે. એક વાત યાદ રાખો કે તમારો કોન્ફિડન્સ સ્ટ્રેન્થ છે, પરંતુ ઓવરકોન્ફિડન્સ અને અંડરકોન્ફિડન્સ બંને તમારી નબળાઈ છે. તમે આવો જવાબ આપી શકો.
કોન્ફિડન્સ, ફોકસ્ડ અપ્રોચ અને ટીમ મેનેજમેન્ટ મારી પોઝિટિવ બાબતો છે. જે મને મારી ડયૂટીમાં ખૂબ જ કામ આવે છે. મારી અંદર કેટલીક નેગેટિવ બાબતો પણ છે જેમ કે હું બહુ સેન્સિટિવ છું, મને ગુસ્સો જલદી આવી જાય છે. જોકે હું મારી આ બંને આદતોને મેનેજ કરવાનો પ્રયત્ન કરું છું અને કેટલેક અંશે મેં તેમાં સફળતા પણ મેળવી છે.
વોક ઇન ઇન્ટરવ્યૂ વખતે...
આ પ્રક્રિયામાં સૌથી પહેલું પગલું જે કંપનીમાં તમે આવેદન માટે જઈ રહ્યાં છો તેના વિશે જાણકારી એકત્રિત કરવી જોઈએ. તે અંગે કંપનીની વેબસાઈટ અને તેના સંદર્ભમાં તાજી માહિતી હોય તો તેની જાણકારી રાખો.
* સામાન્ય રીતે પૂછવામાં આવતા પ્રશ્નોની તૈયારી કરો. જેમ કે તમે કંપનીમાં જોડાઈને શું કરવા માગો છો? તમારી ખાસિયત અને કમજોરી કે નબળાઈ વગેરે. પહેલેથી તૈયારી કરીને તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેના ઉત્તર આપી શક્શો. કંપનીના કલ્ચર, પ્રોફાઈલ, બજારમાં પ્રતિષ્ઠા અને લીડરશિપ વગેરે અંગેની જાણકારી મેળવો. પોતાની ટેકનિકલ જાણકારી અને શૈક્ષણિક યોગ્યતાની જાણકારી પણ આપો.
* ભીડ વચ્ચે પણ અલગ તરી આવવા માટે પર્સનલ ગ્રુમિંગ પર પણ ધ્યાન આપો. ઈન્ડસ્ટ્રી અને હોદ્દા પ્રમાણે પરિધાન પહેરો. આ સિવાય પુરુષોએ ઘાટા રંગના પેન્ટ પર આછા રંગના શર્ટ ટાઈ સાથે પહેરવો જોઈએ તથા મહિલાઓએ ફોર્મલ ડ્રેસ પસંદ કરવો જોઈએ.ળ* તમારા બધા જ દસ્તાવેજોને એક જગ્યાએ રાખો અને વ્યવસ્થિત રીતે રજૂ કરો.
* ઈન્ટરવ્યૂ પત્યા પછી છેલ્લે ધન્યવાદ કહેવાનું ભૂલશો નહીં.
આટલું ધ્યાન રાખજો
* અપડેટેડ પ્રોફેશનલ રિઝ્યૂમની બે કોપી અને ત્રણ પ્રોફેશનલ જોબ રેફ્રન્સીઝની સૂચિ.
* એક નોટબૂક.
* બોલ પોઈન્ટ પેન (કાળી અથવા ભૂરી).
* તમારા પ્રોજેક્ટ અને રિસર્ચ રિપોર્ટ.
* નોકરી સાથે સંબંધિત ક્ષેત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવેલ અનુભવનું પ્રમાણપત્ર.