Wednesday, November 23, 2011

કારની દુનિયામાં અવ્વલ નામ - ઓડી (ઓટો-વર્લ્ડ)


ઓટો-વર્લ્ડ - હિતેશ જોષી
ઓડી-50 નામની ઉત્તમ એવરેજવાળી ટચૂકડી કાર પણ સારી એવી સફળ રહી, પરંતુ ૧૯૮૦ના ક્વોટરો નામના મોડલે કેટલીયે સ્પોર્ટ્સ રેલીમાં અવ્વલ નંબર હાંસલ કરી તરખાટ મચાવેલો
૧૯૦૧ની સાલનો સમય હતો. ઓટોમોબાઇલનો સૂરજ ઊગતો હતો ત્યારે કાર્સ તો બની રહી હતી, પરંતુ તેના એન્જિનમાં પીસ્ટનને ફેરવતા ક્રેન્કશાફ્ટ ત્યારે ખુલ્લાં રખાતાં હતાં તેથી એન્જિન વધારે અવાજ કરતાં હતાં. લોખંડના ક્રેન્કકેસ બનાવીને એને ઢાંકવાની કોશિશો તો કરાઈ પણ લોખંડનાં ખોખાં ધ્રુજારી પકડી લેતાં હતાં અને જગ્યા પણ વધારે રોકાતાં હતાં તેથી દળી-દળીને ઢાંકણીમાં જેવો ઘાટ હતો. જોકે એક હોનહાર શખ્સે પોતાની બનાવેલી પ્રથમ કારમાં જ ઝિંક અને એલ્યુમિનિયમના મિશ્રણથી બનાવેલ ક્રેન્કકેસનો ઉપયોગ કરી એન્જિનની ધ્રુજારી અને અવાજ બન્ને બંધ કરાવી દીધા. ઉપરાંત આ ધાતુ વજનમાં પણ હલકી હોવાથી જગ્યાનો પણ બચાવ થતો હતો પરિણામે શાનદાર બોનેટ બનાવવા પણ શક્ય બન્યા. ઓટોમોબાઇલ ઇતિહાસની આ મહત્ત્વપૂર્ણ શોધ જેના નામે બોલતી થઈ એ હતા -ઓગસ્ટ હોર્ક. અને પાછળથી એમની કંપની ‘ઓડી’ના નામે ખ્યાતનામ થવાની હતી.
જર્મનીમાં જન્મેલા લૂહારના બેટા એવા ઓગસ્ટ હોર્કે એન્જિનિયરની ડીગ્રી હાંસલ કરી કાર્લ બેન્ઝના નેજા તળે કામ કર્યું હતું અને ૧૯૦૧માં‘હોર્ક એન્ડ સાંઈ’ નામની પોતાની કાર કંપની સ્થાપી. કંપનીની કાર્સ હિટ થઈ અને કંપનીનું કદ વધતું ચાલ્યું પણ માથાભારે ભાડૂત જેમ મકાનમાલિકને જ તગેડી મૂકે એમ કંપનીના ડિરેક્ટર્સ બોર્ડે ખુદ હોર્કને જ ૧૯૦૯માં હાંકી કાઢયા પણ હોર્કે હિંમત હાર્યા વગર ફરી પોતાની અલગ કંપની સ્થાપી અને નામ આપ્યું ‘ઓડી’. સ્થાપનાના શરૂઆતનાં વર્ષોમાં જ ઓસ્ટ્રીઅન આલ્પાઇનની ખ્યાતનામ રેસમાં સળંગ ૧૯૧૧થી ૧૯૧૪ સુધી વિજેતા બની ઓડીએ પ્રતિસ્પર્ધીઓ સામે રણટંકાર કરી દીધો. ૧૯૨૧માં Type K નામના મોડલથી ઓડીએ સૌ પ્રથમ વાર લેફ્ટ હેન્ડ ડ્રાઇવની શરૂઆત કરી જેને બાદમાં મહત્તમ વિશ્વ અનુસરવાનું હતું. તો ૧૯૨૬નું હોર્ક-૩૦૩ નામનું મોડલ સૌ પ્રથમ આઠ સિલિન્ડર બનાવટનું હતું. ૧૯૩૨થી ૧૯૬૪ સુધી ઓડીએ DKW, વોન્ડરર અને હોર્ક નામની કંપનીઓ સાથે મળી ‘ઓટો યુનિયન એજી’ની સ્થાપના કરી અને સહિયારી કાર્સનું નિર્માણ પણ કર્યું. ૧૯૬૪ પછીના ઓડી-૧૦૦, ઓડી-૮૦ જેવા અનોખા મોડલે તો ટૂંક સમયમાં જ લાખોના વેચાણને ઓવરટેઇક કરી કંપનીને ટોપ સ્પીડ પર લાવી દીધી.
ઓડી-૫૦ નામની ઉત્તમ એવરેજવાળી ટચૂકડી કાર પણ સારી એવી સફળ રહી, પરંતુ ૧૯૮૦ના ક્વોટરો (ઈટાલિયન શબ્દ કે જેનો અર્થ થાય છે ચાર) નામના મોડલે કેટલીયે સ્પોર્ટ્સ રેલીમાં અવ્વલ નંબર હાંસલ કરી તરખાટ મચાવી દીધો. ક્વોટરો એ સમયની પહેલી-વહેલી એવી ક્રાંતિકારી કાર હતી જે ફોર વ્હિલ ડ્રાઇવ હતી (મતલબ એન્જિન ચારેય પૈડાંને એકી સાથે ઘુમાવે). ઓડી તરફથી ફોર વ્હિલ ડ્રાઇવ એ કાર વિશ્વને એક અણમોલ ભેટ હતી. ઉપરાંત ૧૯૮૯માં ૧૩ વર્ષની સખત જહેમત બાદ ઓડીએ ઓડી-૧૦૦ નામના મોડલથી‘ડાયરેક્ટ ડીઝલ ઈંજેક્શન’ની શરૂઆત કરી. મતલબ કે ચાવી ઘુમાવો અને તરત જ એન્જિન સ્ટાર્ટ. એની પહેલાંની કાર્સમાં ડાયરેક્ટને બદલે ઇનડાયરેક્ટ સિસ્ટમ હતી, જેમાં એન્જિનને સ્ટાર્ટ કરતા પહેલાં હિટ આપવી પડતી અને સરવાળે ડીઝલનો બેફામ વ્યય પણ થતો. ઓડીના આ નવીનતમ TDI એન્જિને એ જફા જ ટાળી દીધી. ૨૦૦૬માં ઓડીનું S-6 મોડલ લોન્ચ થયું, તેમાં સૌ પ્રથમ વાર આકર્ષક LED લાઇટસનો ઉપયોગ થયો, જે કારના દેખાવને ચાર ચાંદ લગાવી દે છે. ઓડીના પગલે ચાલીને હવે તો દરેક કાર કંપની પોતાના નવા મોડલ્સને LED લાઇટસ થકી શાનદાર દેખાવ આપવાનું ચૂકતી નથી. આમ, ઓડીએ પોતાની ટેક્નોલોજીના તાસકમાં કેટલાયે એવાં નજરાણાં આપ્યાં કારવિશ્વને જેને અણમોલ અજોડ ગણાવી શકાય. ઓડી ભારતીય બજારમાં ૨૦૦૪થી પ્રવેશી. વિશાળ ભારતીય બજારમાં ઓડી સુપરહિટ બ્રાન્ડ ગણાય છે અને વેચાણમાં છવાઈ જવાની નેમ સાથે વર્ષોવર્ષ ધરખમ વેચાણ પણ કરે છે. ઓડી દેખાવની બાબતે તો બેશક આકર્ષક અને છટાદાર છે જ પણ અવનવાં કેટલાંય મોડલની વિશાળ રેન્જ અને દરેક મોડલમાં બેસ્ટ. લેટેસ્ટ ટેકનિકના ઉપયોગથી એણે હંમેશાં પોતાની કારની અલગ જ ઓળખ ઊભી કરી છે. વિશ્વભરમાં ઓડી એક લકઝરી અને વિશ્વસનીય બ્રાન્ડ એમ જ તો ન ગણાતી હોય.
એક્સીલેટર
* ૧૯૬૪થી ઓડી વોક્સવેગન હેઠળ કાર્યરત છે.
* હાલ ભારતમાં રજૂ થયેલ A-8 સીરિઝનાં વિવિધ છ મોડલની કિંમત ૭૨ લાખથી ૧ કરોડ ૨૭ લાખ સુધીની છે.
* ઓડીનો ચાર સર્કલનો સિમ્બોલ DKW, હોર્ક, વોન્ડરર અને ઓડીનું સહિયારાપણું દર્શાવતો હતો.
* ૧૯૮૬ના ઓડી-૮૦ ના મોડલની બોડી સંપૂર્ણ ગેલ્વેનાઇઝ હતી અને જો કાટ લાગે કે સડે તો દસ વર્ષ સુધીની વોરંટી હતી.
* ઓડીના છ સીરિઝ, Q સીરિઝ, TT, R સીરિઝ SUV સ્પોર્ટ્સ કે સેડાન કેટેગરી ખાતે સર્વાધિક લોકપ્રિય રહ્યા.
* બરફ પર સૌથી તેજ ભાગવાવાળી બેન્ટલી કારનો રેકોર્ડ ઓડી RS-6 નામના મોડલે તોડયો. ઝડપ ૩૩૦ કિમી/કલા