Monday, October 31, 2011

ઉત્તર પ્રદેશની નરગિસ વિશ્વનું સાત અબજમું બાળક



નવી દિલ્હી, તા. ૩૧
વિશ્વનાં સાત અબજમાં બાળકે ઉત્તરપ્રદેશમાં જન્મ લીધો હોવાનો પ્રાથમિક અહેવાલ છે, તેની સાથે સાથે ફિલિપાઇન્સમાં જન્મેલાં એક બાળકને સાત અબજમાં બાળક તરીકેની પ્રતિકાત્મક ઓળખ આપવામાં આવી છે.
 વિશ્વની વસતી સોમવારે સાત અબજ થઈ જશે તેવી જાહેરાત યુનાઇટેડ નેશન્સે કરી હતી, પરંતુ સાત અબજમું બાળક ક્યાં જન્મશે તે અંગે તે ચોક્કસ નહોતું. ભારતમાં સૌથી વધુ વસતી ધરાવતાં ઉત્તરપ્રદેશમાં દર મિનિટે ૧૧ બાળક જન્મે છે, તે આ માટેનું એક સંભવિત રાજ્ય હોઈ શકે છે તેમ તેણે કહ્યું હતું.
૫૦ દેશોમાં હાજરી ધરાવતાં બ્રિટનની સિવિલ સોસાઇટી ઓર્ગેનાઇઝેશન એનજીઓ પ્લાન ઇન્ટરનેશનલે એવી જાહેરાત કરી છે કે લખનૌથી ૨૦ કિલોમીટર દૂર મલિહાબાદમાં આ બાળકનો જન્મ થયો છે. અજય અને વિનીતા નામનાં દંપતીને સવારે ૭.૨૦ કલાકે સાત અબજમું બાળક જન્મ્યું છે અને સાત અબજમાં બાળકની પ્રતિકાત્મક ઓળખ ધરાવતાં આ બાળકનું નામ નરગિસ રાખવામાં આવ્યું છે.
દરમિયાન ફિલિપાઇન્સે તેના દેશમાં સાત અબજમાં બાળકને આવકાયુંર્ છે. મનીલાના જોસ ફેબેલા મેમોરિયલ હોસ્પિટલમાં રવિવારે મધરાતથી સહેજ વહેલાં ડેનિકા મે કેમેચો નામનાં બાળકે જન્મ લીધો હતો. યુનાઇટેડ નેશન્સના ટોચના અધિકારીઓ ફિલિપાઇન્સમાં બાળક અને તેનાં  માતા-પિતાને મળ્યા હતા અને બાળકને એક નાનકડી કેક ભેટમાં આપી હતી.
પાન ઇન્ડિયાએ લખનૌના માલ બ્લોકમાં નરગિસની સાથે અન્ય છ બાળકોને અલગ તારવ્યાં છે. તમામ સાત બાળકો હવે સાત વર્ષ માટે સાત મહિલા રાજદૂતો દ્વારા સ્પોન્સર કરવામાં આવશે,તે ગાળા દરમિયાન તેઓ બાળકોના પરિવારો સાથે જોડાયેલાં રહેશે.
ફિલિપાઇન્સમાં તો સ્થાનિક સત્તાવાળાઓએ બાળકના અભ્યાસ માટે તેને સ્કોલરશિપ ગ્રાંટની લહાણી કરી છે તો તેનાં માતા-પિતા એક જનરલ સ્ટોર શરૂ કરી શકે તે માટે ગુજરાન પેકેજ આપવાની પણ જાહેરાત કરી છે.
વસતીના હાલના વૃદ્ધિદરને જોતાં ભારતે ચિંતા કરવાની જરૂર છે, કેમ કે તે ૨૦૨૫ સુધીમાં વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે. હાલમાં ભારત અને ચીન વિશ્વની વસતીમાં એક-તૃતિયાંશથી વધુનો હિસ્સો ધરાવે છે, પરંતુ ચીને તેની વસતીમાં નોંધપાત્ર નિયંત્રણ મૂકી દીધું છે તો ભારતમાં વસતી વિસ્ફોટક દરે વધી રહી છે અને તે ૨૦૨૫ સુધીમાં ચીનને વટાવી જશે. ૨૦૫૦ સુધીમાં ચીનની વસતીમાં ઘટાડો થશે જ્યારે ભારતની વસતીમાં ૨૦૬૦માં ઘટાડાની શરૂઆત થશે.

  • ભારત, ફિલિપાઇન્સનાં બે બાળકોને સાત અબજમાં બાળકની પ્રતિકાત્મક ઓળખ,
  • ઉત્તરપ્રદેશમાં અજય અને વિનીતાનાં ઘરે નરગિસનો જન્મ થયો