Monday, October 31, 2011

૧૦ વર્ષમાં એફ-વનથી થશે ૯૦ હજાર કરોડની આવક



નવી દિલ્હી, તા. ૩૧
ફોર્મ્યુલા-વન કાર રેસિંગની ભારતે સફળતાપૂર્વક યજમાની કરી છે. ધ એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ડી. એસ. રાવતે જણાવ્યું હતું કે એફ-વનનાં આયોજનથી ભારતના વિવિધ ઉદ્યોગોને આગામી ૧૦ વર્ષમાં ૯૦ હજાર કરોડની કમાણી તેમજ ટેક્નિકલ વર્કર્સ માટે ૧૫ લાખ નવી રોજગારીની તક સર્જાશે. વિશ્વની આ સૌથી લોકપ્રિય રેસનાં આયોજનથી ટિકિટનાં વેચાણ, જાહેરખબર અને ટ્રાવેલ પ્રવૃત્તિ દ્વારા ૧૦ હજાર કરોડનો બિઝનેસ થાય તેવું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે,  છેલ્લાં ૧૩ વર્ષથી ભારતમાં એફ-વન રેસનું આયોજન કોઈને કોઈ રીતે પડી ભાંગતું હતું. ૧૯૯૮માં દિલ્હીના સુંદર મુલચંદાણીના પ્રયાસથી કોલકાતામાં એફ-વન રેસ યોજવાના પ્રયાસ શરૃ થયા. મુલચંદાણીએ એફ-વનના વડા બર્ની એકલસ્ટોન સાથે વેસ્ટ બેંગાલ સરકાર સાથે મુલાકાત પણ કરાવી આપી પરંતુ આ પ્રોજેક્ટની કિંમત સાંભળી વેસ્ટ બેંગાલની તત્કાલીન સરકારે એફ-વન રેસ યોજવાનો વિચાર પડતો મૂક્યો. આ પછી ૨૦૦૩માં આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એફ-વન મેનેજમેન્ટ સાથે એમઓયુ પણ કર્યાં, જોકે આ પછી ચંદ્રાબાબુ નાયડુની સરકારનું પતન થયું અને નવી સરકારને એફ-વન પ્રોજેક્ટ માટે ૧ હજાર કરોડનો ખર્ચ કરવો વધુ પડતો લાગ્યો. હૈદરાબાદમાં એફ-વન માટે તૈયાર કરવામાં આવેલી સાઇટ પર હાલ આઇટી હબ છે, હવે જેપી ગ્રૂપ અને આઇઓએના પ્રયાસથી આખરે ભારતમાં પ્રથમ વાર એફ-વન રેસ યોજાશે.